ભરતખંડમાં ભગવાનના મુકતો, પુર્વ જન્મના મુમુક્ષુંઓ કે યોગભ્રષ્ટ આત્માઓ દેહ ધારણ કરીને પ્રગટ ભગવાન મેળવવા ઘણા ભક્તો તપ-વ્રત કે પ્રયત્નો કરે છે. આ કળીકાળમાં જો સાચા સંત મળે તો તે મુમુક્ષુને પ્રગટ ભગવાનનો ભેટો કરાવે જ એ ન્યાયે બોરસદ તાલુકાના દાવોલ ગામના ખોડાજી ઠાકોર ભગવાનને મેળવવા સારું પચ્ચીસ વરસોથી અવિરત પ્રયત્નો કરતા હતા. દાવોલના આ મુમુક્ષુ ખોડાજી ઠાકોર ગામમાં રામજી મંદિરે સાધુ-અભ્યાગતો દ્રારા થતી કથાવાર્તાઓથી એવું જાણ્યું હતું કે ચોરાશી લાખ યોનિની ભવાંટવીમાં આ એક મનુષ્ય જન્મથી જ મોક્ષ થાય છે, ભગવત કથા દ્રારા તેમણે એવું જાણ્યું હતું કે ભગવાન ભોળાનાથ મહાદેવજી બહુ દયાળુ દેવ છે. મુમુક્ષુ શિવજીની ગમે તે સમયે યથા-સામગ્રીથી પૂજન કરી શકે. એમ જાણીને ખોડાજી ઠાકોરે નક્કી કર્યું કે આ દેહે જ શિવજીને પ્રસન્ન કરીને મોક્ષ કરી લેવો. ખોડાજી ઠાકોર દરરોજ ગામની નદીએ સ્નાન કરીને પોતાના દાવોલ ગામના ભાગોળે આવેલા શિવમંદિરે જાય, શિવજીને પોતાના ઘરેથી લાવેલા દૂધથી ધારા કરીને પછી જળધારા કરે, અને પોતાના ઘરેથી જે કંઈ પુષ્પ, બિલીપત્ર કે ભભૂત વગેરે પ્રાપ્ય હોય એથી શિવજીનું અતિ ભાવથી પૂજન કરે. શિવજીને શરણે માથુ મૂકી દઈને હંમેશા અંતરસ્વરે પ્રાર્થના કરતા થકા માગે કે ‘હે દયાળુ દેવ શિવજી! મારો મોક્ષ કરો!‘ આ રીતે ખોડાજી ઠાકોરે પચીશ વરસ સુધી શ્રધ્ધાપૂર્વક દરરોજ શિવજીનું પૂજન કરીને પ્રાર્થના કરતા રહયા.
એકદિવસે ખોડાજી ઠાકોરને શિવજીએ દર્શન દઈને કહ્યું “હું તારી શ્રધ્ધાપૂર્વક પૂજાથી તારા પર પ્રસન્ન છું! તારે જે જોઇએ તે માગ “ખોડાજીએ હાથ જોડીને માગ્યું કે “હે દયાળુ દેવ ભોળાનાથ! મારો મોક્ષ કરો!” શિવજીએ પ્રસન્ન થઇને કહ્યુ કે હાલ પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન આ ધરા ઉપર પ્રગટ સ્વરુપે અવતરણ કરીને વિચરે છે. તમે એમના મોક્ષપ્રદાતા પવિત્ર સાધુ નો સંગ કરો જેઓ હાલ ગામોગામ સત્સંગ વિચરણ માં ફરે છે. હાલ વડોદરામાં શ્રીસ્વામિનારાયણ ભગવાનના સાધુ ગોપાળાનંદ સ્વામી બીરાજે છે એમના પાસે ખોડાજી ઠાકોરને જવા કહ્યું.
શિવજીનું દર્શન પામીને ખોડાજી તો રાજી રાજી થઇ ગયા, સત્વરે તેઓ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને દર્શન કરવા વડોદરા જવા ચાલી નીકળ્યા.
તે સમયના કાંટાળા વિકટ રસ્તા, નદીઓના પ્રવાહ ને વેઠીને વડોદરા તેઓ પહોંચ્યા.
એ સમયે વડોદરામાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી નાથભકતના ફળિયામાં હરિભક્તોની સભા ભરીને કથાવાર્તા કરતા હતા. તે સભામાં ખોડાજી ઠાકોરે ગોપાળાનંદ સ્વામીના દર્શન કર્યા. ગોપાળાનંદ સ્વામીએ ખોડાજીને પાસે બોલાવ્યા ને અંતર્યામીપણે એમની વાત જાણીને સ્વામીએ તેમને કહ્યું કે ‘તમને શિવજીએ મોક્ષ લેવા માટે મોકલ્યા છે ને?‘ ખોડાજીએ ગોપાળાનંદ સ્વામીના ચરણે માથું નમાવીને હા કહી.
સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ખોડાજી ઠાકોરનો હાથ પોતાના હાથમાં લઈને એમને શ્રીસ્વામિનારાયણ ભગવાનને શરણે લેવા માટે સત્સંગના વર્તમાન ધરાવ્યા. તેમને એક માળા આપીને “સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ !” હાલતા ચાલતા હરેક ક્રિયા મહામંત્ર નો જાપ કરવા કહ્યું. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું ‘હવેથી આ રીતે ભજન કરો, તમારો મોક્ષ નક્કી છે, હુ તમને વચન આપું છું કે શ્રીસ્વામિનારાયણ ભગવાન તમને અંતકાળે અક્ષરધામમાં તેડવા ચોકકસ આવશે.‘ આમ કહીને ખોડાજી ને અભયદાન આપ્યું! ખોડાજીના આનંદનો પાર ન રહ્યો.
ખોડાજી ઠાકોર થોડાદિવસ સુધી સ્વામી પાસે વડોદરા સમાગમ કરવા રોકાયા ને પછી સ્વામીએ એમને પરિપુર્ણ નિશ્ચય કરાવીને ગઢપુર ભગવાન શ્રીહરિના દર્શન કરવા મોકલ્યા.
ખોડાજી ઠાકોર વડોદરાથી ગઢપુર ગયા, ત્યાં શ્રીજીમહારાજના દર્શન કર્યા. દાદાખાચરના દરબારમાં સંતોના સંગમાં રહીને એમને નિશ્ચય દ્રઢ કર્યો.
પોતાને ગામ દાવોલ આવીને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ કહયા મુજબ તેઓ હરેક ક્રિયામાં “સ્વામિનારાયણ! સ્વામિનારાયણ! સ્વામિનારાયણ!“ એમ અખંડ ભજન કરતા.
સમય જતા અંતસમો આવ્યો ત્યારે તેમને અક્ષરધામમાં તેડીજવા સારું ભગવાન શ્રીહરિ અને ગોપાળાનંદ સ્વામી સાથે પધાર્યા. ગામના ઘણા લોકોને દર્શન આપીને ખોડાજીને પોતાના અક્ષરધામમાં તેડી ગયા.
– શ્રીહરિચરિત્રચિંતામણિ ભાગ ૩ વાત ૯૪
સદગુરૂ શ્રીનિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભકતચિંતામણીના પ્રકરણ ૧૨૨ના કડી પ૪ માં દાવોલ ગામના ભકતરાજ શ્રીખોડાજી ઠાકોર ને ચિંતવતા લખ્યું છે કે…
પટેલ ભકત જેઠોભાઇ જાણો, ખોડો ગૂમાન કોળી પ્રમાણો..!
એહ આદિ છે જન અવલ, દાસ સ્વામીના વસે દાવલ..!!
શ્રી ભકતચિંતામણિના મુકતોના ચિંતનમાંથી…