શ્રીજીમહારાજે બામણગામમાં અરુપાનંદ સ્વામીને કહ્યું ‘અમે તમને તેડવા નથી આવ્યા. અમે તો ગામમાં હેમંતભાટ નામે અમારા ભકત છે, તેમને તેડવા આવ્યા છીએ.’

ચરોતર દેશમાં આણંદ જિલ્લામાં બામણગામમાં ભાટ હેમંતભાઈ બહુ સારા હરિભકત હતા ને સદાય શ્રીજીની આજ્ઞાને અનુસારે વર્તતા ને નિયમ ધર્મ બરોબર પાળતા. શ્રીહરિની મરજી મુજબ કાંય આજ્ઞામાં વર્તતા અને હરિભકતો તથા સંતનો મહિમા ઘણો સમજતા.

એમ કરતાં એમને એક વખત શરીરે મંદવાડ આવ્યો ને દેહ મેલવા ટાણું થયું. ત્યારે શ્રીજી મહારાજ માણકીએ ચડીને સાથે સ્વારી લઈને બામણગામ એમને તેડવા પધાર્યા. એ વખતે ત્યાંની બ્રહ્મપોળમાં ઘણાક બ્રાહ્મણ બેઠા હતા, તેમાંના એક જણને મહારાજનાં દર્શન થયાં. ત્યારે તે બોલ્યો જે, ‘ભાઈઓ, મેં સ્વામિનારાયણની સવારી દીઠી, તે તમારે જોવી હોય તો ચાલો સૌ બ્રહ્મપોળથી બહાર નીકળો, તો દેખાડું.’

તે સાંભળી તેની સાથે ઘણાં માણસો જોવા ગયા ને તેમાંનાં ઘણાંકને શ્રીજીમહારાજનાં દર્શન થયાં. તે વખતે ગામની બજારમાં એક સોની પોતાની દુકાનમાં બેઠો હતો. તેને પણ શ્રીજીમહારાજનાં તથા સહું મુકતોની વાજતે ગાજતે જતી સવારીનાં દર્શન થયાં ને પછી શ્રીજીમહારાજ મંદિરમાં ગયા. એ સમયે બામણગામમાં મંદિરે સદ્ગુરુ અરુપાનંદ સ્વામીનું મંડળ હતું ને સ્વામી પોતે થોડા માંદા હતા. તેમને શ્રીજીમહારાજે દિવ્યદર્શન દીધાં ત્યારે સ્વામી બોલ્યા જે ‘હે મહારાજ ! તમે મારા ઉપર કૃપા કરીને આ અવસરે ભલે પધાર્યા, હવે મને તમારા ધામમાં તેડી જાઓ.’

ત્યારે મહારાજ કહે, ‘અમે તમને તેડવા નથી આવ્યા. અમે તો આજે ગામમાં હેમંતભાટ નામે અમારા ભકત છે તેમને તેડવા આવ્યા છીએ.’ એમ કહીને શ્રીજીમહારાજ હેમંતભાટને ઘેર ગયા ને તેને દિવ્યદર્શન દીધાં ત્યારે તે તો બહુ હરખ પામ્યા ને પોતાના સંબંધીઓને કહ્યું, ‘આ શ્રીજીમહારાજ સહુ મુકતો સાથે સવારી લઇને મને તેડવા પધાર્યા છે. તેમની ભેગો હું ધામમાં જાઉં છું.’ એમ કહી દેહનો ત્યાગ કરીને શ્રીજીની સાથે ચાલ્યા ને શ્રીજીમહારાજ તે ભક્તને સાથે લઈને પાછા મંદિરમાં આવ્યા.

ત્યારે અરુપાનંદ સ્વામી વળી બોલ્યા જે ‘હે મહારાજ ! મને પણ તમારી સાથે ધામમાં તેડી જાઓ, આ દેહમાં કાંઈ માલ નથી.’ ત્યારે શ્રીજીમહારાજ કહે, ‘સાધુરામ, હમણાં તમારો દેહ નહિ પડે ને તમારો રોગ છે તે પાંચ છ દિવસ પછી મટી જાશે.’ એટલું કહી મહારાજ અંતર્ધાન થઈ ગયા.

પછી સ્વામીએ તે બધી વાત સંત તથા હરિજન આગળ કરી. તે સાંભળીને સહુ આશ્ચર્ય પામ્યા ને પાંચ છ દિવસ પછી મહારાજના કહેવા પ્રમાણે તે સ્વામીનો રોગ મટી ગયો ને સાજા થયા.

આમ, પ્રગટ પ્રરચો દેખાડીને સહુને દર્શન આપી ને હરિભકત હેમંતભાટને અક્ષરધામમાં તેડી ગયા અને અરૂપાનંદ સ્વામીને સાજા કરતા ગયા.

– શ્રીહરિચરિત્ર ચિંતામણિ માંથી……