એક વખત ગઢપુર મા એકાદશી ના દિવસે રાત્યના સમયે મુકતાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ ત્રણસો હરિભક્તો હારે જાગરણ કર્યું. દરબારગઢ મા લીંબવૃક્ષની ફરતે સૌ સભા કરીને બેઠા હતા, એ સમયે બ્રહ્મમુનિ પોતાના સુમધુર ઉચા સ્વરે કિરતનો ને ગરબીના પદો ગવરાવે ને હારે સૌ તાળી વજાડીને ઝીલે. એ સમે શ્રીહરિ અક્ષરઓરડી એ પોઢ્યા હતા. તાળી વજાડીને સૌ કિર્તન-ગરબી વગેરે ગાતા હતા એ અવાજ સાંભળીને મહારાજ જાગ્યા ને રતનજીને પુછયુ કે શેનો અવાજ આવે છે? ત્યારે પાર્ષદ રતનજી બોલ્યા કે હે મહારાજ લગભગ ત્રણસો જેટલા સંતો-હરિભક્તો સાથે મુકતાનંદ સ્વામી અને બ્રહ્મમુનિ આજે એકાદશીનું જાગરણ કરે છે તો બૃહ્મમુનિ ગાઇને ગવરાવે છે એનો આ અવાજ છે.

મહારાજ બહુ રાજી થયાને બોલ્યા કે આજ તો સંતો-ભક્તોને ઉપવાસ છેને રાતે જાગરણ કરે છે એ બહુ સારુ કરે છે. એકાદશીએ રાતે જાગરણ કરે ત્યારે એકાદશી પુર્ણ કહેવાય. મહારાજ ઢોલીયે થી ઉભા થઇને સાધુ પાસે આવ્યા ને ભેગા કિરતન ગાવા લાગ્યા. મોડીરાતે મહારાજ પોતે પધારતા આખીય સભા જાણે હેતને હિલોળે ચડી ને ગરબીના તાલ સૌ ભાવ થી ગાવા લાગ્યા. ગરબીના તાલે જ્યારે સહુ હેઠા બેહે ત્યારે મહારાજ ઉભા થાય અને બધા ઉભા થાય તો મહારાજ તાલી પાડીને નીચે બેહે આમ થોડીવાર હાલ્યું તે બ્રહ્મમુનિ બોલ્યા કે મહારાજ તમને રમતા નથી આવડતું, અમે બધા ઉભા થઇ એ ત્યારે તમે હેઠા બેહો છો અને અમે બેહિએ ત્યારે તમે ઊભા થાઓ છો. તે તમે અવળું કંરુ છો.

શ્રીજીમહારાજ કહે, એને જ આવડ્યું કહેવાય, હાલો તમારી આ વાત નો ત્રોડ્ય મુકતાનંદ સ્વામી પાહે કરાવીએ, સ્વામી જેમ કહે તેમ અમે માનશું. મુક્તાનંદ સ્વામી કહે હે મહારાજ તમારા જેવુ ગાતા તો કોઇને ન આવડે..! પણ આ બધા ગરબીના તાલે હેઠા બેહે ત્યારે તમે ઉભા થાઓ છો એટલો જ ફરક છે. ત્યારે મહારાજ કહે સ્વામી હવે કેમ કરીશુ ? મુકતાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ અમે વચ્ચે ઢોલીઓ ઢળાવીએ ત્યાં બીરાજો. તમે કહો ત્યાં સુધી અમે કિરતનો ગાઇએ અને આજનું જાગરણ સાર્થક કરીએ.

પછે વચાળે ઢોલીયે ગાદી તકીયે શ્રીહરિ બિરાજમાન થયા ને સંતો ભક્તોએ મોડી રાત્ય સુધી ગરબીઓ ગાઇ ને સહુ રમ્યા.

ત્યારે શ્રીજીના સખા એવા બ્રહ્મમુનિ બોલ્યા કે હે મહારાજ આજ તો સૌ સંતોએ ઘણો દાખડો કર્યો તે હવે કાંક કૃપા કરીને સૌને રાજી કરો. ત્યારે મહારાજ કહે સૌ સંતો વારાફરતી આવો બધાય ને ભેટીને મળીએ. મહારાજ સૌ પહેલા નિત્યાનંદ સ્વામી અને બ્રહ્મમુનિ ને મળ્યા ને પછે વારાફરતી સૌને મળ્યા. સવારના ચાર વાગ્યા ના સુમારે બધાયને મળી રહ્યા, પછી સાધુ સહુ ઘેલે નાવા પધાર્યા ને મહારાજ અક્ષરઓરડી એ પોઢવા પધાર્યા.

સવારે મોડેકથી સહુ દર્શન કરવા પધાર્યા ત્યારે મહારાજ રાજી થતા થકા બોલ્યા કે આજ તો આખીય રાત સંતોએ જાગરણ કર્યું ને..! ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ..! આ જાગરણ મા તો તમે પધાર્યા તે લાભ પણ એવો જ મળ્યો ને..!

શ્રીહરિચરિત્રચિંતામણી…..