ઇ.સ. ૧૯૩૦માં રાજા રામમોહનરાય શ્રીહરિના આશીર્વાદે સતિપ્રથા પ્રતિબંધનો કાયદો પસાર કરાવવાનાં અધિકારી બન્યા.

બ્રહ્મોસમાજના સ્થાપક ‘રાજા રામ મોહનરાય’ નો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં ૨૨મી મે ૧૭૭૨ માં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના હતા, જયારે માતા તારિણીદેવી શૈવ કુટુંબના હતા. રામમોહન રોય બાળપણ થી ભણવામાં બહુ જ તેજ અને પ્રતિભાશાળી હતા. આ સમયે બંગાળ અને ઓરીસ્સા પ્રાંતમાં વિધવા સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ તેને પતિના શબ સાથે જીવતા સળગાવી દેવાનું ‘સતિપ્રથા’ નામે મોટું દૂષણ હતું. તેમજ ભારતના ઘણા રાજ્યોમાં દિકરીને દૂધ પીતી પણ કરતા હતા.
આ રામ મોહનરાયના પીતાજીનું અને ભાઇનું એકાએક અવસાન થતા એમના માતા તારિણીદેવી અને એમના ભાભીને સતિપ્રથાના કૂરિવાજે ઇચ્છા વિરુદ્ધ જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આથી તેઓ અતિ ખીન્ન થયા અને સમાજમાં ચાલતા દૂષણો સામે પોતે અનેક ચળવળો ચલાવી, પોતાના દ્રારા પ્રસિદ્ધ થતા માસિક સામયિક વગેરેમાં સતિપ્રથા, બાળભ્રુણનાશ પ્રથાના પ્રતિબંધનો કાયદો પસાર થાય એવી ઝૂંબેશ ચલાવી અને પ્રતિજ્ઞા લીધી કે પોતે એ કાયદો પસાર કરાવી ને જ ઝંપશે, પરંતું એ કાર્યમાં ત્યાનાં સ્થાનિક લોકોનો કાંય સહયોગ ન મળ્યો.

એ સમયે સંવત ૧૮૮૩ (ઇ.સ.૧૮૨૭ના અંતમાં) માં પ્રયાગરાજમાં જ્યારે કુંભમેળો ભરાયો તેમા પોતે આવ્યા હતા. એ સમયે મોટા મઠાધિશો અને ગાદીપતિઓને તેમણે અરજ કરી પરંતું કોઇ સહાય ન મળી. એ સમયે શ્રીહરિના દિક્ષિત સંતોના મંડળ સાથે નમોનારાયણાનંદ સ્વામી પણ કૂંભના મેળામાં આવ્યા હતા, એમનો ભેટો થતાં તેઓ સાથે રામ મોહનરાયે વિગતે વાત કરી. સંતોના દર્શન થતા એમના વાણી-વર્તન અને ત્યાગ વૈરાગ્ય સભર જીવન જોઇને અંતરમાં શાંતિ થઇ. પોતાની વાત કરતા નમોનારાયણાનંદ સ્વામીએ કહ્યું કે ‘અમારા ઇષ્ટદેવ હાલ ગુજરાતની ધરામાં ગઢપુર ગામે પ્રગટ બીરાજે છે અને આ કળીકાળમાં આવા અનેક સામાજીક દૂષણોથી છૂટકારો કરાવીને પોતાના ભક્તોને મોક્ષરૂપી અભયદાન આપે છે, આપ ત્યાં પધારો..! તમને જરુર એ સહાય કરશે.’ આમ કહીને એમને પોતાની સાથે રામ મોહનરાયને ગઢપુર લાવ્યા. સંતો સાથે રામમોહનરાયે ગઢપુર આવીને શ્રીહરિના દર્શન કર્યા, પોતાને અંતરમાં અતિ ટાઢક વળી, નમોનારાયણાનંદ સ્વામીએ શ્રીહરિને વિગતે વાત કરીને એમનો સંકલ્પ સફળ થાય એ સારું પ્રાર્થના કરી. શ્રીહરિ પણ એમમો સામાજીક ઉત્થાનનો સારો વિચાર જાણીને અતિ રાજી થયા. શ્રીહરિને એ સમયે મોટીબાંએ પણ વિનંતી કરીને કૃપા કરવા અરજ કરી. આથી શ્રીહરિએ સદગુરુ આધારાનંદ સ્વામીને ધ્યાનમાં બેસવા કહ્યુ ને એ ધ્યાનમાં જે અંગ્રેજ અધિકારીનું ચિત્ર માનસપટમાં દેખાય, એ દોરી લાવવા કહ્યું. બીજે દિવસે આધારાનંદ સ્વામીએ આબેહૂબ ચિત્ર તૈયાર કર્યું અને શ્રીહરિના હાથમાં દીધું.

સ્વામીએ સર માલ્કમનું, ચિત્ર દોર્યું આબેહૂબ..!
દેખાડ્યું બીજે દિ હરિને, રાજી થયા પ્રભું ખુબ..!!
શ્રીહરિએ તુંરતંજ શુકમુનિ પાસે મુંબઇના નવનિયુકત ગવર્નર સર જહોન માલ્કમ ઉપર કાગળ લખાવીને કહ્યું કે ‘નામદાર ગવર્નર શ્રી સર જહોન માલ્કમ, આપના રાજ્ય માં નિર્દોષ સ્ત્રીઓને જીવતી સળગાવી દેવી તેમજ બાળકીઓને દૂધપિતી વગેરે કરવા જેવા કૂરિવાજ ચાલે છે, તો આવેલ વ્યક્તિની વાતને સંવેદનાસભર સાંભળજો અને આપના ઉપરી અને સ્નેહી એવા બંગાળના ગવર્નર જનરલ વિલીયમ બેન્ટિકને ભલામણ કરીને એ સત્વરે પ્રતિબંધ થાય એમ કરજયો.’ એવો ભલામણ પત્ર લખાવ્યો. આ પત્ર સાથે આધારાનંદ સ્વામી પાસે દોરાવેલ ચિત્રને વ્યવસ્થિત રીતે પેટીમાં મુકાવીને બંગાળથી આવેલા રામમોહન રાય ને આપ્યું.

શ્રીહરિએ રામમોહનરાય ને એ પત્ર અને ચિત્ર લઇને મુંબઇ જઇને ગવર્નર સર જહોન માલ્કમ ને મળવા કહ્યું, અને તેમની સાથે દાદાખાચરના કારભારી હરજી ઠક્કરને મોકલ્યા. શ્રીહરિએ રામમોહન રાયને આશીર્વાદ દીધા કે ‘અમે આશિષ આપીએ છીએ કે જાઓ તમારું કાર્ય સીદ્ધ થશે.’ આમ, શ્રીહરિની આજ્ઞાએ સહુ મુંબઇ આવ્યા ને ગવર્નર સર જહોન માલ્કમને બંગલે જઇને મળ્યા. શ્રીહરિએ આપેલ ભલામણનો કાગળ અને એ ચિત્ર આપ્યું, ને સતિપ્રથા પ્રતિબંધના કાયદા સારું પોતે શ્રીહરિની ભલામણે આપશ્રી બનતું કરશો એમ વિગતે વાત્ય કરી. સર જહોન માલ્કમ તો પોતાનું ચિત્ર જોઇને અચંબો પામ્યા કે તેઓ કદિયે આ ચિત્ર દોરનારા આધારાનંદ સ્વામીને મળ્યા પણ નથી, તો પણ એમણે આવું આબેહૂબ ચિત્ર કેમ કરીને દોર્યું ? આમ પોતાને શ્રીહરિના ઐશ્વર્યનો અહેસાસ થયો. સર જહોન માલક્મે જાહેર જનતામાં વ્યસન મુકિત, ચોરી-અવેરી, સમાજ સુધારણા, શિક્ષણ, નારીસુરક્ષા અંગે ભગવાન શ્રીસ્વામિનારાયણના કાર્યોની ગુજરાત-મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં ફરજ બજાવતા તેમના અંગ્રેજ અમલદારો પાસેથી ઘણી વાતો સાંભળી હતી.
એ સમયે હરજી ઠક્કરે પણ શ્રીહરિ હાલ ગઢપુરમાં બીરાજે છે અને હજારો હરિભક્તો અને સંતોના ત્યાગ વૈરાગ્ય સભર જીવનની વાતો કરી, આથી સર જહોન માલ્કમ ઘણા રાજી થયા. પોતે તુરંતજ શ્રીહરિનો પત્ર વાંચીને રામ મોહનરાય ને ભલામણપત્ર લખી આપ્યો ને કહ્યું કે ‘તમે કલકત્તા જાઓ અને ગવર્નર જનરલ વિલીયમ બેન્ટિકને આ મારો ભલામણ પત્ર આપજો, એ જરુર ઘટતું કરીને સતિપ્રથા પ્રતિબંધ નો કાયદો બ્રીટીશ રાજ વતિ કરી આપશે.’ આમ કહીને પોતે હરજી ઠક્કરને શ્રીહરિને ભવિષ્ય મમાં ચોક્કસ ગુજરાત આવીને મળવાની ઇચ્છા જણાવી.

હરજી ઠક્કર પોતે ત્યાંથી ગઢપુર આવ્યા અને રામમોહન રાય બંગાળ ગયા. પોતે જઇને વિલીયમ બેન્ટિકને મળ્યા અને એ અંગે પોતાની ચળવળ ને જોરશોરથી શરુ કરી. ઇ.સ. ૧૯૩૦માં બંગાળના ગવર્નર જનરલ વિલીયમ બેન્ટિકે સતિપ્રથા પ્રતિબંધ નો બ્રિટીશ રાજ વતિ કાયદો પસાર કર્યો.
આજ વર્ષમાં ઈ. સ.૧૮૩૦માં તેમણે મુઘલ સામ્રાજ્યના રાજદૂત તરીકે યુકેની યાત્રા કરી અને મુઘલ સમ્રાટના ભથ્થા અને અનુમતિ વધારવા માટે અરજી કરીને સફળતા થી બ્રિટિશ સરકાર પાસેથી મુઘલ સમ્રાટના સાલીયાણા પેટે વાર્ષિક ત્રીસ હજાર પાઉન્ડનો વધારો કરી ને બ્રીટીશ રાજને સમજાવવામાં સફળ રહ્યા, આથી તેમને મુઘલસમ્રાટ અકબર દ્વારા રાજાનું બિરુદ આપવામાં આવ્યું ને ત્યારબાદ તેઓ જાહેરજીવનમાં ‘રાજા રામ મોહનરાય’ તરીકે ઓળખાયા. ૨૭ સપ્ટેમ્બર ૧૮૩૩ના રોજ બ્રીટનના બ્રિસ્ટોલના ઉત્તરપૂર્વમાં આવેલા ગામ સ્ટેપલટોન ખાતે તેમનું અવસાન થયું.

ભારતીય સમાજવ્યવસ્થામાં આવા કૂરિવાજ દૂર કરાવીને કાયદો પસાર કરવામાં શ્રીહરિના આશીર્વાદનો ભલામણપત્ર અને સદગુરુ આધારાનંદનું બનાવેલ સરજહોન માલ્કમનું ચિત્ર નિમિત્ત બન્યું અને રાજા રામમોહનરાય પણ શ્રીહરિના આશીર્વાદે સમાજસુધારક તરીકે કાયદો પસાર કરાવવાનાં અધિકારી બન્યા.

  • સદગુરું શ્રી આધારાનંદ સ્વામીના જીવનકવનમાંથી…