સત્સંગના અતિ પ્રસીદ્ધ અને છોટી કાશી સમાન ગામ ઉમરેઠમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીના જોગથી ઘણા વિપ્રો ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત થયા હતા, આથી ઉમરેઠના અન્ય બ્રાહ્મણોને તેમના પ્રત્યે ખુબ દ્વેષ થયો. ઉમરેઠમાં ખુબ વિદ્વાન અને પવિત્ર બ્રાહ્મણોની મોટી વસ્તી હોવાથી વડોદરા, ખેડા, અમદાવાદ સુરત વગેરે ગામોના ધનાઢ્ય લોકો અવારનવાર ઉમરેઠમાં સમગ્ર વિપ્રોને બ્રહ્મભોજન કરાવવા આવતા, આથી અદેખા અને દ્વેષી બ્રાહ્મણો સત્સંગી બ્રાહ્મણોને હેરાન કરવા માટે બ્રહ્મભોજનના રસોડે દાળ-શાકમાં લસણ, ડુંગળી, હિંગ જેવા સત્સંગીઓ માટે અગ્રાહ્ય પદાર્થો નાખતા, યેનકેન પ્રકારે સત્સંગી બ્રાહ્મણો ને ખુબ હેરાન કરતા, આમ અવારનવાર ઉપદ્રવ થતા હોય સત્સંગીઓ સારું અલગ વાસણોમાં શાક-દાળ બનાવીને જમાડવાનું નક્કી થયું. સદગુરૂં ગોપાળાનંદ સ્વામીએ અલગ રસોઈ બનાવવાની સત્સંગી બ્રાહ્મણોને ના કહી અને પંક્તિમાં જ બેસીને જમવાની આજ્ઞા કરી, જેમાં અગ્રાહ્ય વસ્તુ જણાય તે વસ્તુને પ્રણામ કરીને જમ્યા વિના જ ઉઠી જવા કહ્યું, આવી ઘટનાઓ બનવાથી બ્રહ્મભોજન કરાવનારા પણ નવાઈ પામ્યા. પછી એવું નક્કી કર્યું કે સર્વે સત્સંગી બ્રાહ્મણોની આગેવાનીથી રસોઈ બને અને સૌ ભૂદેવો જમે, આમ સત્સંગી ભૂદેવોના હાથનું પવિત્ર ભોજન જમવાથી બ્રાહ્મણોમાં સત્સંગ પ્રત્યે સદભાવના થઇ અને ઘણા બ્રાહ્મણો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા.
સમયજતા ગોપાળાનંદ સ્વામી પાસે સહુંએ સત્સંગના વર્તમાન લીધા, પરંતુ આમાંના અમુક વિદ્વાન બ્રાહ્મણોએ એવી શરત રાખી કે ‘ અમે ગઢડા જઈને નજરે જોઈને નક્કી કરીએ કે આપ જેમ કહો છો તેમ સત્સંગ થતો હોય, તેમાં વેદ પુરાણોની વિદ્વતાપૂર્ણ વાતો થતી હોય, વળી વેદશાસ્ત્ર મુજબ જ ધર્મ પળાતો હોય, સૌ કોઇ વૈદિક ધર્મ મુજબ નિયમ પાળે છે કે કેમ તે જોઈએ, વગેરે ‘ આ બધું અમને જણાય તો સત્સંગ રાખીએ નહીંતર આપની કંઠીઓ આપને પરત કરીએ ‘ જે મુજબ ગોપાળાનંદ સ્વામીએ સંમત થઈએ સૌને વર્તમાન ધરાવ્યા.
થોડેસમયે નકકી થયા મુજબ ઉમરેઠના વિદ્વાન બ્રાહ્મણો સ્વામી સાથે ગઢડા આવ્યા.
રાજી થયા છે નાતીલા સહુ, સ્વામીનો ગુણ આવ્યો છે બહુ..!
અંગો અંગમાં ઉતાર્યો બોધ, ગુણ આવ્યો ને ટાળ્યો વિરોધ..!!
ત્યાંના વિખ્યાત જે વિદ્વાન, સ્વામી હાથે ધાર્યા વર્તમાન..!
સુણ્યો પ્રભુજીનો મહિમાય, પણ સંશે રહેતો મન માય..!!
એણે એવું વિચાર્યું હતું ઉર, સ્વામી સાથે ગયા ગઢપુર..!
ગઢડા જઈને ઉમરેઠના બ્રાહ્મણો દાદાના દરબારના થતી કોઈ સત્સંગ સભામાં ન બેઠા, પરંતુ ઘેલા કાંઠે સ્નાન સંધ્યા વગેરેમાં સમય વ્યતીત કર્યો, પછી જ્યારે દાદાના દરબારમાં આવે ત્યારે તો કાઠી દરબારો આનંદ વિનોદ કરતા, હોય,
પરંતુ કોઈ શાસ્ત્ર ચર્ચા કે ધર્મ ચર્ચા ન થતી હોય ! આથી આ વિદ્વાન બ્રાહ્મણોને મૂંઝવણ થઇ, સૌ ગોપાળાનંદ સ્વામી પાસે ગયા અને હાથ જોડીને સ્વામીને કહ્યું કે અમને તો ગઢડાના ભક્તોમાં કોઈ શાસ્ત્ર ચર્ચા કે ધર્મ ચર્ચા થતી હોય તેવી દેખાતું નથી, આ તો ગામડાના ભોળા અને ગમાર લોકોનો સમૂહ છે, માટે અમે આપને કંઠીઓ પાછી આપીને હવે ઉમરેઠ જઈએ.
નડ્યું વિદ્વાનપણાનું માન, તેથી ન પડી પુરી પીછાન..!
કાં જે સભા ભરાતી જે વારે, ત્યારે હોય તે નદીના આરે..!!
ભક્તો હોય પ્રવૃત્તિમાં જ્યારે, ઘેલા કાંઠેથી આવતા ત્યારે..!
કરે સંધ્યા ગાયત્રીના પાઠ, એમ દિન વિતાવ્યા ત્યાં સાત આઠ..!!
આથી ગોપાળાનંદ સ્વામીએ અંતરદૃષ્ટિ કરીને જોયું ત્યારે સ્વામીને સમગ્ર પરિસ્થિતિ દેખાઈ, આથી તેઓને થોડા દિવસ વધારે રોકાવા કહ્યું અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી ઘેલા કાંઠે સ્નાન સંધ્યામાં સમય વિતાવતા એ બ્રાહ્મણોને સમજાવીને દાદાના દરબારગઢમાં લાવ્યા ને સાંજની સભામાં અંતર્યામીપણે જાણીને શ્રીજીમહારાજે શાસ્ત્રોની જે ગહન વાતો કરી તે ગઢડા પ્રથમ પ્રકરણના ૧૯ થી ૨૫ માં વચનામૃતમાં કહેવાયેલ છે.
ક્રમશ જોતા … વચનામૃતમ્ પ્રથમનાં ૧૯મું – સાંજની સભામાં, જ્યારે આ બ્રાહ્મણોને ગોપાળાનંદ સ્વામી ઘેલા કાંઠેથી જલદી જલદી સંધ્યા પૂર્ણ કરાવીને લાવ્યા છે ! ત્યારે મહારાજે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તની શાસ્ત્રના રહસ્યની વાત કરી.
વચનામૃતમ્ પ્રથમના ૨૦માં- દિવસની સભા છે, મહારાજને ધરાવેલા ફૂલના શણગારમાં ભક્તોનો સ્નેહ દેખાય છે ! શ્રીજીમહારાજ સમક્ષ કથા વંચાય છે, શાસ્ત્ર મર્યાદા મુજબ કથાના વકતા કરતા પણ શ્રીજીમહારાજ નીચા આસને બેઠા ! સૌ સંતો ભક્તો પણ શાસ્ત્ર મર્યાદાથી કથામાં બેઠા છે !
વચનામૃતમ્ પ્રથમનું ૨૧મું – સાંજની સભામાં કથા કીર્તન થાય છે, શ્રીજીમહારાજે કરેલ એ સભામાં બ્રહ્મને વેદોમાં અરૂપપણે વર્ણવેલા છે, આ વાતને કેવી સરળતાથી સાકાર કહીને પોતાનું વાગ્મી સ્વરુપનું દર્શન કરાવ્યું ! અને ભગવાનના ધામમાં જતા જતા ભક્ત સિધ્ધિઓમાં લોભાય તો મોટું વિઘ્ન થાય છે એવી અલભ્ય વાત કરી.
વચનામૃતમ્ પ્રથમનું ૨૨મું – મધ્યાહ્ન સમયની સભામાં મહારાજને કરેલા ફૂલોના શણગારમાં ભક્તોનો પ્રેમ દર્શન થાય છે ! કીર્તનભક્તિમાં કેવી પ્રભુની સ્મૃતિની સાવધાની રાખવી જોઈએ તે વાત કરી, વળી કીર્તનો ગવરાવીને, કીર્તન ગાવતા ભગવત સ્વરુપની સ્મૃતિ ન રહે તો ગાયું એ ન ગાયા જેવું છે એવી અતિ કલ્યાણકારી વાત કરી.
વચનામૃતમ્ પ્રથમનું ૨૩મું – દિવસના પ્રથમ પહોરની સભામાં સ્કંદપુરાણના રહસ્યરૂપ વાસુદેવ માહાત્મ્યની વાત કરીને ભગવાનના ભક્તને કેવી સ્થિતિમાં રહેવું, તે વાત શાસ્ત્રમાં ગાયેલા ભક્તોના ઉદાહરણથી શાસ્ત્ર મર્યાદાથી જ કહી ! ધ્યાનની વાત સરળતાથી અને શાસ્ત્ર મુજબ કહીને પોતાના વાગ્મી સ્વરુપનું દર્શન કરાવ્યું !
વચનામૃતમ્ પ્રથમનું ૨૪મું – સંધ્યા સમયની સભામાં સ્વરૂપ નિષ્ઠાની વાત કહીને પોતાનું જ્ઞાન આપ્યું ! જ્ઞાન પ્રલયની વાત, બ્રહ્માંડોની રચના, પ્રણવ નાદની વાત, અને છેલ્લે – (એ પુરુષોત્તમ નારાયણ ) જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે, – અને પછી બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ગહન વાત ને સરળતાથી કહી દીધી !
વચનામૃતમ્ પ્રથમનું ૨૫મું – સંતોની જાયગામાં પ્રભાતના સમયની સભામાં જ્ઞાનના ગહન રહસ્યની વાત કરીને જૂનાગઢ નજીકના નાના ગામના સ્ત્રી ભક્ત લાડકીબેન ભાટની સમાધિની વાત કહી ! બ્રહ્માંડમાં આવેલા બ્રહ્માંડના અધિષ્ઠાતા દેવોની વાત સભામાં બેઠેલા ગામડાના ભક્તો આગળ થાય છે તે આ ઉમરેઠના વિદ્વાન બ્રાહ્મણોએ દર્શન કર્યું !
સ્નાન સંધ્યામાં સમય વિતાવ્યો, અભિમાનમાં લીધો નહિ લહાવો..!
તેહ હવે ટાળી છે ખામી, એવી સ્તુતિ કરી શિર નામી..!!
આમ, ઉમરેંઠના બ્રાહ્મણોને અનુભવ થયો કે આપણે કેવો અલભ્ય લાભ ગુમાવ્યો છે ! ઉમરેઠના બ્રાહ્મણોએ જોયું કે અહીં તો સવારે, બપોરે, સાંજે, વહેલી સવારે એમ આખો દિવસ ગહન શાસ્ત્ર જ્ઞાનની વાતો થાય છે ! સહું ને પોતાની ભૂલ્ય સમજાણી.
શ્રીહરિલીલામૃતમ્ અને શ્રીવચનામૃતમ્ ના ચિંતનમાંથી…