એકવખતે શ્રીજીમહારાજ ગઢપુરમાં દરબારગઢમાં સભા કરીને વિરાજમાન હતા. તે સમે પોતાના સખા સુરા ખાચરે આવી શ્રીજીમહારાજને દંડવત પ્રણામ કર્યા ને સન્મુખ બેઠા. શ્રીહરિ કહે સુરાબાપું કાંઇક સૌને હાસ્યવિનોદ કરાવો એટલે સુરાબાપું એ વાત કરી જે, “ભણું મહારાજ ! કેટલાક ગામનું તો નામ લીધે જ માણસને અન્ન નો કટકોય નો મળે અને અનાજને બદલે જૂતિયાં ખાવાં પડે.” એ સુરાબાપુંની કૌતુંક ભરી સુણી શ્રીજીમહારાજ ઢોલીયે તકીયા ઉપર બેસતા થકા કહે કે “સુરાબાપું, એવું વળી ક્યું ગામ છે ?”
સૌ કોઇ સુરાખાચર ની વાત સાંભળવા અધિરા બન્યા એટલે સુરા ખાચર વિગતે બોલ્યા જે, “ભણું મહારાજ ! આજ જીવાબાપુંની ડેલીએ એક ગઢવી આવ્યો હતો. તેને જીવા ખાચરે પૂછયું જે, “ગઢવી ક્યાંથી આવો છો?’ ગઢવી કહે, “ બાપુ, ભગતના ગામથી આવું છું.’ જીવા ખાચર કહે, “ગામનું નામ લે.’ ગઢવી કહે, “તે લીધા જેવું નથી, બાપુ ! નામ લઇએ તો ભૂખ્યા પેટ ટળવળવું ને મોંઢા ના બત્રીસી ભાંગે એવું છે એટલે કરપા કરીને રેવા જ દયો..”
જીવા ખાચર કહે, “મારે ધેર અનાજનો સાદ પડે છે ને તું એક થોડો ભૂખ્યો રહીશ ?’ તોપણ ગઢવીએ નામ ન લીધું. પછી જીવા ખાચરે એ આગંતુક ને બવ જ આગ્રહ કર્યો, ત્યારે ગઢવી બોલ્યો જે, “બાપુ, હું સાયલા ગામથી આવું છું.” તરત જ જીવા ખાચરે તેના રસોયા માણસને સાદ કરીને બોલાવ્યો અને ખાસ ભલામણ કરી જે, “આ ગઢવીને મેદાના લોટની રોટલી ઘીમાં બોળીને દેજે અને ઉપર દૂધ, ચોખા ને સાકર જમાડજે.’ રસોયો માણસ કહે, “બહુ સારું બાપુ, તમારા વેણમાં ફેર નહી પડે.”
પછી જીવા ખાચર તો બપોર ટાણે જમીને ડેલીએ સૂઈ રહ્યા અને ગઢવીને વિચાર થયો જે, રસોઈને હજુ વાર છે એટલે હું ગઢડું ગામ જોવા જાઉં. ગઢવી ગામ જોવા ગયો તે જ વખતે બીજો ગઢવી આવી ને જીવાખાચરની ડેલીએ બેઠો. તે વખતે તેમનો રસોયો વાળંદ સાંગો કરીને હતો. તે બોલાવવા આવ્યો કે “ગઢવી ક્યાં છે ? એલા હાલ્ય જમવા.’ તે સાંભળી ગઢવી બોલ્યો જે, “ભલે જીવા ખાચર ભલે ! ધાનના સાદ તારી ડેલીએ પડે છે અને તું ભુખ્યાનું મોઢું જો તેવો નથી.’ એમ વખાણ કરીને ગઢવી દરબારમાં જઈ જમી આવ્યો અને રસોયે દરબારના કહેવા પ્રમાણે ગઢવીને ખૂબ જમાડ્યો. એ ગઢવી જમીને તુરત ચાલતો થયો અને પહેલો આવેલ ગઢવી જમવાનું ટાણું થય ગયુ હશે એમ માની ને ગામમાંથી આવી દરબારની ડેલીએ લાંબો થઇને જમવા બોલાવવાની વાટે સૂતો. પછી રોંઢા ટાંણું થતા ચાર વાગ્યા એટલે જીવા ખાચર નિદ્રામાંથી ઊઠી, મોઢું ધોઈ પાણી પીને ઢોલીયે બેઠા. એટલે ઓલો ગઢવી પણ સામી ઓસરીએ બેઠો. પછી દરબારે પૂછ્યું કે, “કેમ છે ગઢવી ! ખૂબ જમ્યો ને ?’ ત્યારે ગઢવી બોલ્યો જે, “બાપુ ! જમવાની વાત્ય જ ક્યાં માંડો છ, કેવું જમવાનું? મારે તો હજુ તો પેટમાં ગલુડિયાં બોલે છે ?’ તે સાંભળી જીવા ખાચર બોલ્યા, “ક્યાં ગયો સાંગલો ?’ સાંગલો તુરત દરબાર પાસે આવી ઊભો રહ્યો. તે તેને દરબારે પૂછયું જે, “કેમ સાંગલા, આ ગઢવીને તે જમાડ્યો ને ?’ સાંગલો કહે, “બાપુ ! તમારા કહેવા પ્રમાણે મેદાની રોટલી ઘીમાં બોળીને ઉપર દૂધ, ચોખા, સાકર વગેરે જમાડ્યું.’ તે સાંભળી ગઢવી બોલ્યો જે, “તપાસ તપાસ, તેં કોને જમાડ્યું ?’ સાંગલો તુરત જ આંખ આડા હાથ કરીને ગઢવીનું મોઢું નીરખી નીરખી ને જોવા મંડ્યો અને દરબારને કહ્યું જે, “બાપુ, જમવા વાળો પેલો તો દાઢીવાળો હતો. તે સાંભળી દરબારને ક્રોધ ચડ્યો અને પોતાના પગમાંથી મોજડી કાઢી સાંગલા સામો છૂટ્ટો ઘા કર્યો. તે સાંગલો વાંકો વળી ગયો અને મોજડી સનનનન કરતી ગઢવીના મોઢા ઉપર વાગી. ત્યારે ગઢવી બોલ્યો જે, “હાશ ! હવે શુકન થયા એટલે આ દાંતને કાંક અનાજ મળશે.” એમ સુરાબાપુંની વાત સાંભળી ને શ્રીજીમહારાજ બહુ જ હસ્યા. સભામાં સન્મુખ બેઠેલા સહું સંતો-ભકતો પણ બહું હસ્યા.
– સદગુરુ બ્રહ્મચારી શ્રીઅક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી….