સદગુરુ મુકતાનંદ સ્વામીએ શ્રીહરિને પુછ્યું કે હે પ્રભું, આપે ચંદનથી કેમ આ લીંબવૃક્ષનું પુજન કર્યું ? શ્રીહરિ કહે કે “સ્વામી, આ લીંબવૃક્ષનો આત્મા તે પુર્વે મોટા યોગી હતા, પરંતું એ યોગી પોતાના ઘર્મથી ભ્રષ્ટ થતા એમને વૃક્ષયોનિમાં આ લીંબવૃક્ષ રુપે અવતરણ થયેલું છે.

ગામ ઝીંઝાવદર માં ભોજાભગત ટાંક અને એમના પત્નિ સાવલબાઇ નામે શ્રીહરિના વીશે અતિ હેતવાળા હરિભકત હતા. ગામધણી દરબાર અલૈયાખાચરના દરબારગઢમાં શ્રીહરિ અને સંતો-ભકતો અવારનવાર પધારતા હોય, આ દોઉં દંપતિ શ્રીહરિના દર્શન અને સંતો તેમજ સાંખ્યયોગી બાઇઓના સમાગમ કરવા અવારનવાર ગઢપુર પણ જતા. પોતે સામાન્ય પરિસ્થિતિ ના હોવા છતાં નાનીમોટી સેવા કરીને સહુને રાજી કરતા હતા.

એકસમયે શ્રીહરિ ગઢપુરથી વરતાલ જવા સહું સંતો-ભકતો ને પાર્ષદો સાથે પરીયાણ કર્યું. ગઢપુરથી સંધમાં ચાલતા ઝીંઝાવદર પધાર્યા અને દરબારશ્રી અલૈયા ખાચરના દરબારગઢમાં સહુનો ઉતારા કરાવ્યા. શ્રીહરિ પધાર્યા ના સમાચાર જાણીને ભોજા ટાંક અને સાવલબાંઇ બેઉ શ્રીહરિના દર્શને દોડતા આવ્યા. સાંવલબાઇએ શ્રીહરિને પંચાંગ પ્રણામ કરીને હાથ જોડીને પ્રાર્થના કરતા કહ્યું “હે પ્રભું, આજ તો આપ સંઘના સહુ સંતો-ભકતો પાર્ષદો સાથે અમારે ઘર પધારો અને અમારો સહુને રસોઇ બનાવીને જમાડવાનો સંકલ્પ પુર્ણ કરો.” શ્રીહરિ કહે આજ તો વરતાલની વાટે ચાલવું છે, પણ જો વહેલાસર સહુને જમાડો તો અમે બપોરપછી તુંરત જ વાટે ચાલીશું.” આમ, શ્રીહરિની અનુમતિ મળતા સાંવલબાંઇ તો અતિ હરખભર્યા પોતાને ધરે ગયા અને ગામના બ્રાહ્મણને બોલાવીને અતિ પવિત્રપણે રસોઇ તૈયાર કરીને શ્રીહરિને તથા સહું સંતો-ભકતોને જમવા તેડી લાવ્યા.

ભોજ ટાંક નામે ભલા ભક્ત, અતિશે હરિચરણે આસક્ત..!

તેની સુંદરી સાવલબાઈ, સતસંગી તે તેથી સવાઈ..!

તેહ દંપતિએ શુભ પેર, તેડ્યા જમવાને જીવન ઘેર…!

સાથે લૈ સહુ પાર્ષદ સંત, તેને ભવન ગયા ભગવંત..!

શુદ્ધ બ્રાહ્મણે કીધી રસોઈ, જમ્યા જીવન સદ્‌ભાવ જોઈ…!

ભોજે ટાંક અને સાંવલબાઇએ શ્રીહરિ ને પોતાના ઘરની ઓંસરીમાં બાજોઠ ઢાળીને જમવા બેસાર્યા, શ્રીહરિ પોતાના ભકતનો ભાવ જાણીને ઘણું જમ્યા ને ચળું કરી. શ્રીહરિએ મુખવાસ ગ્રહણ કર્યો અને સહું સંતોને ઓસરી તેમજ ફળીયા માં પંકિત કરીને પોતાના હાથે પીરસી ને જમાડયા.

સહું જમી રહ્યા કેડે ફળીયામાં લીમડાના વૃક્ષ છાંયડે ઢોલીયે શ્રીહરિ બીરાજ્યા અને સન્મુખ સહુ સંતો-ભક્તોની સભા થઇ. ભોજાભગતે શ્રીહરિને ગૌરકપોળમાં ચંદન ચર્ચ્યું અને મધ્યમાં કુમકુમ નો ચાંદલો કરીને પુજન કર્યું. સદગુરુ મુકતાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિક સહુ સંતોને ચંદન ચર્ચીને ભોજાભગતે પુજન કર્યું.

એ વખતે શેષ વધેલા ચંદનનાં વાટકાને શ્રીહરિએ પોતાના હાથમાં લીધો અને પોતે ઢોલીયે થી ઉભા થઇને એ લીંબવૃક્ષના થડ ઉપર ચંદન ચર્ચ્યું અને ચાંદલા કીધા. આ વખતે સન્મુખ સભામાં બેઠેલા સહુંને અચરજ થયું તે સદગુરુ મુકતાનંદ સ્વામીએ શ્રીહરિને પુછ્યું કે હે પ્રભું, આજ આપે વધેલા ચંદનથી આપના હાથે કેમ આ લીંબવૃક્ષનું પુજન કર્યું ? ત્યારે શ્રીહરિ હસતા થકા કહે કે “સ્વામી, આ લીંબવૃક્ષનો આત્મા તે પુર્વે મોટા યોગી હતા, પરંતું એ યોગી પોતાના ઘર્મથી ભ્રષ્ટ થતા એમને વૃક્ષયોનિમાં આ લીંબવૃક્ષ રુપે અવતરણ થયેલું છે, એમનો યોગીનો પવિત્ર આત્મા ને પુર્વજન્મની કમાઇ જાણીને અમે આજે સ્વહસ્તે એમનું પુજન કર્યું છે, એમને આજે અમારા દર્શન અને તમ સહું સંતો-ભકતોના દર્શન થયા તે હવે આ વૃક્ષયોનિમાં થી એમનો છૂટકારો થશે, એ આજના યોગથી સત્સંગ માં ફેર જન્મધારણ કરીને અક્ષરધામના અધિકારી થશે.” આમ, લિંબવૃક્ષના પુર્વજન્મની વાત સુણીને સહું ઘણા આશ્ચર્ય ને પામ્યા.

પછી સંતની પંગત થઈ, પીરસ્યું પ્રભુએ પોતે જઈ..!

ફળીયા વચે લીંબડા તળે, સભા સારી સજી તેહ પળે…!

ભોજે પૂજિયા શ્રીભગવંત, શેષ ચંદને અર્ચિયા સંત..!

વધ્યું ચંદન પાત્રમાં જેહ, હરિએ લીધું હાથમાં તેહ…!

અરચા કરી તે લીંબડાને, સંતે પૂછિ તે વાત વાલાને..!

કેમ ઝાડને અરચા કરી, સુણી હેતથી બોલિયા હરિ…!

જોગી જોગથી ભ્રષ્ટ થયેલો, તેથી વૃક્ષનો દેહ ધરેલો..!

પૂજ્ય જાણીને પૂજિયો એહ, થાશે મુક્ત જ્યારે તજે દેહ…!

સુણિ સૌ જન વિસ્મિત થયા, પછી શ્રીહરિ ઉતારે ગયા..!

ઝીંઝાવદરમાં તેહ કાળે, ઘણી લીલા કરિ છે કૃપાળે..!

શ્રીહરિ એ દિવસે ભોજા ટાંક અને સાંવલબાઇનો થાળ જમાડવાનો સંકલ્પ પુર્ણ કરીને લીંબવૃક્ષ રુપે રહેલા યોગભ્રષ્ટ આત્માનું કલ્યાણ કરીને થોડીવાર પોતાની અમૃતવચનો કહીને ફરીને દરબારગઢ પધાર્યા અને બપોરપછી સહું સંતો-ભકતો સાથે સંઘમાં વરતાલ જવા ચાલ્યા તે સાંજે સારંગપુર જીવાખાચરના દરબારગઢમાં પધાર્યા.

– શ્રીહરિલીલામૃત કળશ ૭ વિશ્રામ ૨૩માંથી….