કચ્છના ગામ ‘રવા’ના વણિક વિપો શેઠ વાતો કરતા થકા દેહ મેલીને ભગવાન શ્રીહરિ અને સહું મુકતો સાથે અક્ષરધામમાં ગયા.

કચ્છના અબડાસા તાલુકામાં ‘રવા’ નામે ગામ છે, આ ગામનો વણિક વિપો શેઠ બહુ સારા સત્સંગી હતા, એકવખતે તે તેનાં સગાં સંબંધી અને સર્વ ઘરનાં મનુષ્યોને સાથે લઇને પરદેશમાં કમાવા માટે ગયા હતા. ત્યાં અચાનક એમની તબીયત લથડતા વિપો શેઠ શરીરે માંદા થયા. તે આખાયે સંઘમાં પોતે એકલા જ સત્સંગી હતા. બીજા તો સર્વે કુસંગીઓ હતા. જ્યારે તે શરીરે બહુ માંદા થયા ને ખાટલાવશ થયા, ત્યારે તેનાં સગાંવ્હાલાં હતાં તે બોલ્યાં જે ‘તમે કહો છો જે ‘અમે સ્વામિનારાયણના સત્સંગીઓ જ્યારે દેહ મૂકીએ ત્યારે અમને અમારા ભગવાન સ્વામિનારાયણ તેડવા આવે છે. તે આજ તમને કેમ તેડવા ન આવ્યા ?’ આમ, કહીને વિપા શેઠને મહેણું માર્યું. ત્યારે તેને આ વાતથી શ્રીજીમહારાજની સ્મૃતિ થઇ આવી, આ સંધના કુસંગીએ એમને સંભારી દીધા એટલે એમને બીમાર અવસ્થામાં શ્રીજીમહારાજની મૂર્તિ સાંભરી આવી. પછી તે વિપા ભક્તે થોડીવાર ‘સ્વામિનારાયણ…. સ્વામિનારાયણ…’ એમ પોતાના મનની વૃત્તિઓ પાછી વાળીને શ્રીહરિને સંભારતા સંભારતા ભગવાનનું નામ લઇને કહ્યું જે, ‘મને મારા ઇષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણ તેડવા આવ્યા છે. તે હવે આ દેહ છોડીને હું જાઉં છું.’ ત્યારે તેનાં સહુ સગાં જે કુસંગી હતાં તેણે કહ્યું જે, અમને કાંઇ નિશાની દયો તો જ સહું માનીએ. ત્યારે તે વિપા શેઠે કહ્યું જે, નિશાની તો એ છે કે, ‘જે આપણા ગામ રવાના સત્સંગીઓ છે, તે સર્વે હાલ સીમમાં વગડે કામે ગયા છે. અત્યારે આપણા રવાં ગામમાં કોઇ નથી, એક કણબીનો છોકરો હંસરાજ ગામમાં છે. તે પણ ગામનો ઝાંપો મેલીને સેઢે થઇને ગામમાં પેઠો તેથી તે ગામના દરબારના ગુનામાં આવ્યો છે, એટલે ગામધણી દરબારે તેને બેસારી મૂક્યો છે. વળી હાલ ‘રવા’ ગામમાં તે સાધુ નિર્લોભાનંદ સ્વામીનું મંડળ સાત મૂર્તિનું (સંતોનું) આવ્યું છે. તેણે ગામના ઝાંપે આવીને ગામમાં મનુષ્યોને આવીને પૂછ્યું જે, સત્સંગીઓ સર્વે ક્યાં ગયા છે ? ત્યારે તે ગામના મનુષ્યોએ કહ્યું જે બીજા સત્સંગીઓ તો વગડે કામે ગયા છે. ને આ હંસરાજને તો દરબારે બેસારી મેલ્યો છે.’ તે એ નિશાની છે.
બીજું કે તમે આજનો દિવસ, વાર, મહિનો, એ સર્વેની યાદી રાખજો અને જ્યારે પાછા રવાં ગામે પોતપોતાના ઘેર જાઓ ત્યારે ગામમાં જઇને પૂછજો.” એમ કહીને વિપા શેઠ દેહ મૂકીને સહું ને ‘જય શ્રી સ્વામિનારાયણ…!’ એમ કહીને વાતો કરતા થકા પંચમહાભૂતનો દેહ મેલીને ભગવાન શ્રીહરિ અને સહું મુકતો સાથે અક્ષરધામમાં ગયા. સાથેના સહું સંઘના માણસોને વાત સાચી મનાઇ જે ‘સ્વામિનારાયણ ભગવાન એના સત્સંગી ને અંતકાળે તેડવા આવે છે.’ તેના સહું સંબંધીઓ જ્યારે એના ગામમાં આવ્યા. ત્યારે એ કણબીના છોકરા હંસરાજને વિગતે પૂછ્યું ત્યારે તે હંસરાજે કહ્યું જે, તમે જે વાત પૂછી તે સર્વે સાચી છે. આમ, સર્વને વિપા શેઠે ધામમાં જતા પહેલા કહેલી સર્વવાત સાચી મનાઇ અને પ્રગટ પરચો જણાયો.

  • શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર અધ્યાય ૯૦માંથી…