કારીયાણીના પટેલ જ્ઞાતિમાં પુરીબાઇને શ્રીહરિ પોતાના અક્ષરધામમાં તેડી ગયા.

ગામ કારીયાણીમાં વસ્તાખાચરના ઘરવાળા પ્રેમીભકત એવા શીતબાંના યોગથી ગામની ઘણીય બાઇઓને સત્સંગ થયો હતો, એમાનાં પટેલ જ્ઞાતિમાં પુરીબાઇ નામે હરિભકત થયા હતા. અવારનવાર દરબારગઢમાં શ્રીહરિ પધારતા હોઈને કથાવાર્તા અને સેવાની હેલીયું લાગતી. આ વખતે પ્રેમીભકત શીતબાં ગામના સહુ મુમુક્ષુ બાઇઓને બોલાવીને આ દિવ્ય સેવા અને દર્શનનો લાભ અપાવતા હતા. પુરીબાઇને સેવાનું અંગ હોઇ અવારનવાર રસોડાની સેવા, દરણા દળવા કે અનાજ કઠોળ ની સફાઇ કરવી વગેરે સહું સથવારે હોંશે હોંશે કરતા.

એકવખતે શ્રીહરિ કારીયાણી થી બીજે ગામ જવા નીસરતા હતા. આ વખતે પુરીબાઇ એ શ્રીહરિને ઢેબરા બનાવીને ઘીમાં બોળીને સાથે ડબરામાં દીધા અને હારે દહી – ગોળ ને અથાણું વગેરે સાથે બાંધી દીધું. શ્રીહરિ ત્યાંથી મુળજી બ્રહ્મચારી સાથે ચાલ્યા ને રસ્તે ચાલતા જમ્યા, એ વખતે પુરીબાઇની બનાવેલ રસોઇની આ તકની સેવા થી પ્રસન્ન થયા.

આ પુરીબાઇને મુળજી નામે એક દિકરો હતો. જે ખેતીવાડી વગેરે સંભાળતો. એકદિવસે તે ગાંડું જોડીને કેરીયાગામને કેડે જતો હતો. એ વખતે બળદો ભડક્યા તે ગાડેથી પડી ગયો. એ વખતે અકસ્માતે આ મુળજીનું યુવાનવયે મૃત્યુ થયું. આમ, પુરીબાઇના દિકરા મુળજીનું એકાએક અકસ્માતે મૃત્યુ થતા પુરીબાઇને બહુ દુખ થયું. તેઓને મનમાં વિચાર આવ્યા કરતો કે મારા દિકરાની શી ગતિ થઇ હશે? પુરીબાઇ એમના દિકરાને સંભારી ને બહુ દિલગીર થઇ જતા અને રડ્યા કરતા હતા.

એકવખતે શ્રીહરિ કારીયાણી દરબારગઢમાં પધાર્યા હતા. એ વખતે કોઇએ શ્રીહરિને પુરીબાઇની વાત કરી તો શ્રીજીમહારાજ પોતે સામે ચાલીને એમના ઘરે આવ્યા. શ્રીહરિએ પુરીબાઇને જીવનની ક્ષણભંગુરતાની વાત કહીને ઘણા ઘણા સમજાવ્યા અને એમને એમના દિકરા મુળજીના સાક્ષાત દર્શન કરાવ્યા. દિકરા મુળજી એ એમના માતાને કહ્યું કે માં, તમે મારો શોક કરશો નહી, હું અક્ષરધામમાં શ્રીહરિની અખંડ સેવામાં છું. મારી કોઇ અસદગતિ થઇ નથી, માટે તમે હવે કોઇ શોક કરશો નહી, આમ એમનો શોક ટાળ્યો.

સમય જતાં આ પુરીબાઇ પોતે શરીરે વૃદ્ધ થયા. પુરીબાઇ જીવનભર શ્રીહરિનું ભજન કરીને સંપૂર્ણપણે નિર્વાસનિક થઇ ગયા હતા. તેઓ શ્રીહરિને દરરોજ પ્રાર્થના કરતા હતા કે હે પ્રભું, હવે મને કશીય ઇચ્છા ઓ રહી નથી, મને કૃપાનાથ આપના ધામમાં તેડી જાઓ. બરાબર એજ સમયે કારીયાણી ગામમાં ટૂંટીયાના રોગથી સંક્રમિત ઘણાય લોકો થયા હતા, એમા એક ત્રિકમ સથવારા નામે યુવાન ભકતને ટૂંટીયાનો રોગ થયો હતો. આ ત્રિકમે ટૂંટીયાના રોગથી બચવા શ્રીહરિને પ્રાર્થના કરતા શ્રીહરિ એ ટૂંટીયાનો રોગ ત્રિકમના શરીરમાંથી આ વૃદ્ધ પુરીબાઇના શરીરમાં પ્રવેશ કરાવ્યો, અને પુરીબાઇના ધામમાં જવાના સંકલ્પને પુર્ણ કર્યો. શ્રીહરિ એમને પોતાના અક્ષરધામમાં તેડી ગયા. ત્રિકમ સથવારા જ્યારે ટૂટીયા ના રોગથી મુક્ત થયો ત્યારે એને શ્રીહરિના પ્રગટપણાનો પરિપક્વ નિશ્ચય થયો હતો. પુરીબાઇ શ્રીહરિ સાથે વિમાન માં બેસી ધામમાં ગયા એ કારીયાણીમાં ઘણાય લોકોએ પ્રત્યક્ષપણે નિહાળી હતી.

વળી પાંચાળ દેશમાં, કાજુ કારીયાણી ગામ..!

અનંત લીલા ત્યાં કરી, હરિએ કર્યું નિજધામ..!!

વળી એ ગામમાં સથવારો, નામ ત્રિકમ સતસંગી સારો..!

તેને આવ્યું ટુંટિયું અનાડી, પેશી તનમાં તાણી છે નાડી..!!

મેલી ગયા ત્રિકમને નાથ, તેડી ગયા ડોશી એક સાથ..!

પછી ત્રિકમે તનમાં આવી, કરી વાત સહુને બોલાવી…!!

કહે મારે માથે બહુ થઈ, મને ગયુંતું ટુંટિયું લઈ..!

તેને હાથથી નાથે મુકાવી, મને મેલ્યો આ દેહમાં લાવી…!!

મારે સાટે જશે પૂરીબાઈ, વાત સાચી માનો મન માંઇ..!

સુણી સહુ થયાં છે વિસમે, તજ્યું તન પૂરીબાઇ એ તે સમે..!!

– શ્રીભકતચિંતામણી પરચા પ્રકરણ ૧૫૮ માંથી….….