કાળાતળાવના ભકત હરભમ સુતારે શ્રીહરિનો ચરણ પોતાના ખોળામાં લઇને હળવા હાથે નેરણીથી અઢાર કાંટા કાઢ્યા.

એકસમયે શ્રીહરિ કચ્છદેશના તેરા ગામે હરિભક્ત ભીમજીભાઇને ઘેર વિરાજમાન હતા. ત્યાં ભીમજીભાઇને આજ્ઞા કરી કે તમે માણસ મોકલાવીને કાળાતળાવ ગામે સમાચાર દેવરાવો કે….

શ્રીહરિ કેછે ભીમજીને, સુણો તમે એક વાત..!

ખબર આપો તેરા ગામે, સત્સંગીને ખ્યાત..!!

કાળે તળાવે આવજ્યો, ત્યાં આવે છે મહારાજ..!

એવા સમાચાર મોકલો, કરો અમારું કાજ..!!

આમ આજ્ઞા કરીને શ્રીહરિ સહું સાથે  તેરા ગામમાં તળાવે નહાવા પધાર્યા. નાહીને આવીને કોરા વસ્ત્રો પહેરીને શ્રીહરિ ભીમજીભાઇને કહે ‘અમને પગમાં કાંટા વાગ્યા છે, તો એ કાઢો ને? ‘

તેની થાયછે પીડા અપાર, માટે સેવા બતાવી છે સાર..!

તે સુણી હરભમ સુતાર, કાંટા કાઢવા લાગ્યા તેવાર..!!

શ્રીહરિનો જે ચરણ એક, જાનુ ઉપર લીધો વિશેક..!

કાંટા ખુંચી રહ્યાતા અઢાર, કાઢ્યા ચરણમાંથી તેણી વાર..!!

તે સુણીને તકની સેવા જોઇને હરભમ સુતારે તુરંત જ શ્રીહરિનો ચરણને પોતાના ખોળામાં લઇને અતિ હળવા હાથે નેરણીથી અઢાર કાંટા કાઢ્યા. શ્રીહરિએ કૃપા કરતા એમને દિવ્યદર્શન કરાવતા એ સમે એમને લક્ષ થઇ ગયો અને સમાધી થઇ. હરભમ સુતારે અક્ષરધામમાં કોટી સુર્યના તેજ મધ્યે દિવ્ય સીંહાસને શ્રીહરિને વિરાજમાન દીઠા, અનંત મુકતો શ્રીહરિની સેવામાં હાથ જોડીને દીઠાં. આમ, બે ઘડી સુધી દિવ્યદર્શન પામીને પોતે સમાધીમાંથી જાગ્યા અને સહુ બાઇ-ભાઇને એ દિવ્યસુખની વાત કરી.

એ વખતે રસોઇ તૈયાર થઇ એટલે શ્રીહરિ થાળ જમી રહ્યા ને સહું સંતો-ભક્તોને પોતાના સ્વહસ્તે પીરસીને જમાડ્યાં.

વળતે શ્રીહરિ દિવસ કેરા ગામે ભીમજીભાઇને ત્યાંથી ચાલ્યાં તે માનકુંવામાં નાથાભકતને ત્યાં પધાર્યા.

ત્યાં દરરોજ તીખા મરચા વાટીને એનો ગોળો વાળીને જમતા, એ સમે દંઢાવ્ય દેશના રાંતોજ ગામના ડુંગરજી ભક્ત શ્રીહરિને ખોળતા – ખોળતાં ત્યાં દર્શને આવ્યા, શ્રીહરિએ એમને ખબર અંતર પુછ્યા અને એમના ઉતારા સારું હરિભક્તો ને ઘેર ઉતારો કરાવ્યો. ડુંગરજીભગત શ્રીહરિ થાળ જમવા બેઠા એ વખતે ત્યાં થોડાક આઘેરાક દર્શન કરવા બેઠા. એ વખતે ડુંગરજીભગતને ભવબ્રહ્માદિક દેવોને દુર્લભ એવી શ્રીહરિના થાળની પ્રસાદી ની ઇચ્છા થઇ, તે મેળવવા સારું શ્રીહરિ પાસે આગ્રહ કર્યો, તો એમને મરચાંના ગોળાનો એક કોળિયો દીધો ત્યારે અતિ તીખો લાગ્યો ને મોઢું બળવા લાગ્યું, એ સમે શ્રીહરિએ ઘીની તાંહળી મંગાવીને ડુંગરજીભગત ને પાઇને પીડા મટાડી.

દેશ દંઢાવ્યે રાંતોજ ગામ, ત્યાંના આવ્યા ડુંગરજી નામ..!

કર્યો પ્રણામ જોડીને હાથ, પાસે બેઠા થઈ તે સનાથ..!!

પુછ્યા શ્રીહરિયે સમાચાર, પ્રસાદી આપી છે તેણીવાર..!

ગોળામાંથી મરચાં લગાર, રોટલા સાથે આપ્યાં તે વાર..!!

મરચાં લીધાં છે કરમાંય, ભક્તે મુક્યાં છે મુખમાં જ્યાંય..!

થયો છે દાહ અગ્નિ સમાન, ભુલી ગયા તે દેહનું ભાન..!!

ઘૃત જમાડી પોતાને હાથે, મટાડ્યું દુઃખ જનનું નાથે..!

ત્યારે શાંતિ થઈ છે રે તન, ડુંગરજી સમજ્યા તે મન..!!

આમ નિત્યનવી લીલા કરતા માનકૂવા ગામને વિશે પંદર દિવસ સુધી રહ્યા અને નાથાભકત સુતાર અને એમના માતુશ્રી વગેરે સહુ ભક્તો ને અતિ આનંદ આપ્યો.

– સદગુરુશ્રી ભૂમાનંદસ્વામી રચિત શ્રીઘનશ્યામલીલામૃત સુખસાગર તરંગ ૪૩માંથી….