કૃષ્ણાનંદ તથા વૈષ્ણવાનંદ સંન્યાસી દિક્ષાનો ત્યાગ કરીને બોલ્યા જે, ‘હે મહારાજ ! તમો વારંવાર સંતોની પંકિતમાં પીરસો છો તે પણ ન જમાય ત્યારે ભેખ લઇને શું કમાણા ?’

એકસમયે શ્રીહરિ ગઢપુરમાં વિરાજતા થકા સંતો-ભકતો સાથે ઘેલા નદીએ નાહવા પધાર્યા હતા, સ્નાન કરીને સહું સાથે ગાતા-વાતા દાદાખાચરના દરબારમાં પરત આવ્યા અને માણકી ઘોડી ઉપરથી ઉતરીને અક્ષર ઓરડીએ પધાર્યા અને ત્યાં પોતાનો પોષાક ઉતારીને થાળ જમવા બિરાજ્યા. થાળ જમીને ચળુ કરીને મુખવાસ લઇને જ્યાં ઓરડાની ઓસરીએ સંતોની પંક્તિ થઇ હતી ત્યાં પીરસવા પધાર્યા. તે મોતૈયા લાડું આદિ પકવાન પીરસતા જાય અને તાણ કરતા જાય, સહું સંતો-ભકતોને અતિ હેતે પ્રેમે પીરસી જમાડી અને પોતે જળ લઇને હાથ ધોયા. ત્યાર પછી પોતાને ઉતારે પલંગ ઉપર પોઢ્યા. 

બપોર પછી જાગીને જલપાન કરીને બીજાં વસ્ત્રો પહેરીને ત્યાંથી ઓરડાની ઓસરીએ આવીને ઢોલિયા ઉપર બિરાજ્યા. પછી સર્વે સંતો ભકતો ને પાર્ષદો મહારાજને પગે લાગીને સન્મુખ સભામાં બેઠા.

તે સમયે કૃષ્ણાનંદ સંન્યાસી તથા વૈષ્ણવાનંદ સંન્યાસી એ બે જણ નર્મદા નદીએ જઇને પોતાના સંન્યાસનો ત્યાગ કરીને શ્રીજીમહારાજ પાસે આવ્યા અને દંડવત કર્યા. શ્રીજીમહારાજ પોતે ઊભા થઇને તેમને સામા જઇને મળ્યા અને બેઉને ભેટીને માથે હાથ મેલ્યા અને ખબર અંતર પૂછ્યા જે ‘તમે આમ કેમ કર્યું ?’ ત્યારે તે બન્ને જણ બોલ્યા જે, હે મહારાજ ! જે તમારી પ્રસાદી માટે શિવજીએ પણ પાર્વતીનો શાપ ગ્રહણ કર્યો હતો, વળી જે પ્રસાદી માટે બ્રહ્માજી યમુના નદીએ માછલું થયા હતા, અમોએ જ પ્રસાદીની ઇચ્છાથી સંસારનો ત્યાગ કરીને ભેખ લીધો છે એવી તમારી પ્રસાદી જો ન લેવાય અને વળી તમો વારંવાર સંતોની પંકિતમાં પીરસો છો તે પણ ન જમાય ત્યારે ભેખ લઇને શું કમાણા ? તે સાંભળીને શ્રીજીમહારાજે કહ્યું જે ‘સંતો, હવે આજથી આપણે સંન્યાસી નહીં કરીએ. કારણ જે કળિયુગમાં સંન્યાસ આશ્રમ નિષેધ છે. વળી ગૃહસ્થને ઘેર સંન્યાસીને એકલું જવાનું થાય અને ત્યાં બાઇઓનો પ્રસંગ થાય, માટે બ્રહ્મચારી આશ્રમ ઠીક છે.’ આટલી વાત કરીને શ્રીજીમહારાજ ઉતારે પધાર્યા અને વસ્ત્રો ઉતારીને થાળ જમવા પધાર્યા. તે થાળ જમીને કૃષ્ણાનંદજી તથા વૈષ્ણવાનંદજીને પ્રસાદીનો થાળ આપ્યો. જ્યારે તેઓ જમવા બેઠા ત્યારે શ્રીજીમહારાજે તેને હેતે સહિત પોતાને હાથે જમાડ્યા. પછી હાથ ધોઇને ઢોલિયે બિરાજ્યા.

આમ, કૃષ્ણાનંદજી અને વૈષ્ણવાનંદજી બેઉ શ્રીહરિના હાથની મહાપ્રસાદીન અતિ મહીમા સમજીને સંન્યાસી દિક્ષા છોડીને સાધું દીક્ષા લઇને શ્રીજી પાસે રહ્યા.

– શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર અધ્યાય – ૭૪માંથી….