ખુશાલ ભટ્ટે (સદગુરુ ગોપાળાનંદ સ્વામી) બડોલી ગામના મૂંગા છોકરાને (ગૌરીશંકર ઘનપાઠી) યજુર્વેદ બોલાવ્યા ને વેદપંડિત કર્યા

ઈડર પાસેના બડોલી ગામે ભિક્ષાવૃત્તિ ઉપર નિર્ભર એવો એક બ્રાહ્મણ રહેતા હતા. તેને પરિવાર માં એક જ છોકરો હતો અને તે પણ જન્મથી મૂંગો હતો. કમભાગ્યે એકદિવસે વૃક્ષ ઉપરથી તે પડી ગયો અને તેના બે પગ ભાંગી ગયા. તે ઊભો થઈ શકતો નહિ. તેથી તેની તમામ ચાકરી એનો બાપ એ ગરીબ બ્રાહ્મણ ભીક્ષા માંગી લાવીને કરતા, તે ચાલી શકતો ન હોય સાવ દેહે પરવશ થઇને ઘરના એક ખૂણામાં પડી રહેતો. તેનો બાપ ભિક્ષા માગી રોટલા બનાવી તેને હાથે ખવડાવતો. આમ કરતા તે ૧પ વર્ષનો થયો ત્યાં તેનો બાપ એકાએક બીમારી લાગતા મરી ગયો. આથી તે મૂંગો અપંગ છોકરો સાવ નિરાધાર ને પરવશ થઈ ગયો.
આવા સમયે બડોલી ગામના લોકોને એ બ્રાહ્મણના મૂંગા છોકરાને જોઇને બહું દયા આવી ને તેને ગાડામાં ટોડલા ગામે ખુશાલ ભટ્ટ (સદગુરુ ગોપાળાનંદ સ્વામી) પાસે લાવ્યા. તેની સમગ્ર દયાજનક કથની કહી સંભળાવી. ખુશાલ ભટ્ટે હાથે પકડીને છોકરાને ઝાલી ઊભો કર્યો, અને ધીમે ધીમે ચાલવા કહ્યું. ત્યાંતો થોડીવારમાં એ છોકરો ઘરની સામે પીપળો અને તુલસીનો કયારો હતો તેની પ્રદક્ષિણા કરવા લાગ્યો. તેથી સૌ ગામલોકો ઘણા વિસ્મય ને પામ્યા.
ખુશાલ ભટ્ટે તેને બોલવા કહ્યું કે ‘છોકરા, તારો વેદ યજુર્વેદ છે. તે ધીરે ધીરે બોલ જોઈએ.’ ખુશાલ ભટ્ટ યજુર્વેદનો પ્રથમ મંત્ર ની શરુઆત બોલ્યા એટલે તુંરત જ તેમની સાથે છોકરો પણ બોલવા લાગ્યો. આમ તેની મેળે શુદ્ધ અને સ્પષ્ટ સ્વરથી થોડીક વારમાં ‘યજુર્વેદ સંહિતા’ના ૪૦ અધ્યાય મુખપાઠ તે સૌ વચાળે ભણી ગયો. ખુશાલ ભટ્ટે પછી તે બ્રાહ્મણો અને છોકરાને જમાડી આશીર્વાદ આપ્યા કે ”જા, હવે તને નિત્ય મિષ્ટાન્ન અને પુષ્કળ દક્ષિણા સમાજમાં મળશે.” એમ એને આશીર્વાદ દઇને વિદાય કર્યા. તે છોકરો પોતાને ગામ પાછો ચાલીને ગયો.
ખુશાલ ભટ્ટના આશીર્વાદથી તે છોકરાની મોટો થતા એ વિસ્તારમાં ખૂબ જ મોટા વૈદિક બ્રાહ્મણમાં ગણતરી થવા લાગી ને ગૌરીશંકર ઘનપાઠી નામે એ પુરાયે પંથકમાં પ્રસિદ્ધ થયા ને સત્સંગનો યોગ થતા ઘણા સારા સત્સંગી થયા.

જ્યારે અમદાવાદમાં શ્રીહરિએ સંવત્ ૧૮૭૮ના ફાગણ સુદ–૩ના રોજ શ્રીનરનારાયણદેવની પ્રતિષ્ઠા કરી ત્યારે એ ગૌરીશંકર ઘનપાઠી યજ્ઞમાં વરૂણી મંડપમાં હતા. એ વખતે તેમની ઓળખાણ ખુદ શ્રીજીમહારાજે પોતે આપી અને તાળી વજાડીને સૌને કહ્યું કે ‘મોટા પુરુષ તો જડને ચેતન કરે છે અને પશુને દેવ કરે છે તે જુઓ આ ગૌરીશંકર બેઠા.’ ત્યારે ગૌરીશંકર ઊભા થઈ, હાથ જોડી સૌને નમસ્કાર કરી બોલ્યા કે “મને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ શારીરિક યાતના અને પીડામાંથી મુક્ત કરી વૈદિક વિદ્યા પ્રદાન કરી. હું તો તેમને ભગવાન જેવા સમર્થ સમજું છું.” આમ, મૂઢ અને જડને ખુશાલ ભટ્ટે પોતાના ઐશ્વર્ય પ્રતાપથી વેદપંડિત કર્યા.

  • યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવનવૃંતાંતમાંથી….