ગઢપુર મંદિરના સર્વપ્રથમ મહંત એવા સદગુરૂ વિરક્તાનંદ સ્વામીનો જન્મ ભાલપ્રદેશમાં ખંભાત બારામાં ‘કલોદરા’ ગામમાં થયો હતો. તેઓ નાનપણથી જ ધર્મનિષ્ઠ અને ભગવાનને વિષે અતિ પ્રીતિવાળા હતા. પોતે પુર્વજન્મના મુમુક્ષું હોય એમને નાનીવયે જ વૈરાગ્યનો રંગ લાગતા અસાર સંસાર કડવા ઝેર જેવો લાગ્યો. તેથી પોતે વિરક્ત સ્થિતિમાં રહેતા. તેથી શ્રીજીમહારાજે જ્યારે તેઓ સાધુ થયા ત્યારે “યથા ગુણ તથા નામ’’ એ ન્યાયે તેમનું નામ સાધું વિરક્તાનંદ પાડ્યું હતું. તેઓને ખૂબ જ ગુણવાન અને વ્યવહારમાં કુશળ જાણી શ્રી હરિએ તેમને ગઢપુર મંદિરના પ્રથમ મહંત કર્યા હતા. મહંત બન્યા ત્યારે શ્રી હરિએ આજ્ઞા કરીકે નિષ્કામ ભાવે સમર્પિત થઈને ગઢપુર મંદિરની સેવા સારી કરજો તથા સંત અને હરિભક્તોની સંભાવના રાખજો.
એકવાર શ્રીજીમહારાજે મંદવાડ ગ્રહણ કર્યો તે વખતે સંતો તથા સૌ પાર્ષદોએ શ્રીજીમહારાજની ખડે પગે સેવા કરી. તેથી શ્રીજીમહારાજ તેમની પર ખૂબ જ પ્રસન્ન થયા. તેથી ગઢપુરના મહંત વિરક્તાનંદ સ્વામીને અક્ષર ઓરડીમાં બોલાવીને આજ્ઞા કરી કે આ સંતો તથા પાર્ષદોએ મંદિરની ખૂબ જ સારી સેવા કરી છે. તેથી તેમને શેર શેર ઘી નાંખીને ખાંડના લાડુ કરીને મારા વતી આગ્રહ કરીને જમાડજો, છતાં પણ વિરક્તાનંદ સ્વામીએ લોભને વશ થઇને ગોળના લાડું બનાવ્યા અને સર્વ બ્રહ્મચારી સંતપાળા તથા હરિભક્તો વગેરેને જમાડ્યાં. જ્યારે શ્રીજીમહારાજને ખબર પડી કે ગોળના લાડુ બનાવ્યા હતાં ત્યારે તેમને ખુબ વઢ્યા અને તેમના પર કુરાજી થયાં.
એકવાર કોઈ ગરીબ બ્રાહ્મણને આપવા માટે રૂપિયા મંગાવેલા હતા તે પણ એમણે સહજ પ્રકૃતિ એ આપેલ નહિ તેથી મહારાજે વિચારીને વિરક્તાનંદ સ્વામીને વ્યવહારના બંધનમાંથી મુક્ત કર્યા ને પછી સદગુરુ પરમાનંદ સ્વામીને ગઢપુરના મહંત બનાવ્યા હતા. દસ વર્ષ સુધી વિરક્તાનંદ સ્વામી ગઢપુરના મહંત રહ્યા હતા.
વિરક્તાનંદ સ્વામીને જ્યારે પોતાની ભૂલ ઓળખાણી ત્યારે મનમાં ખૂબજ પસ્તાવો થયો ને તેમની આંખમાંથી પશ્ચાતાપના આંસું નીકળ્યાકે હું મહારાજની આજ્ઞા પાળી શક્યો નહિ માટે હવે મહારાજ રાજી થાય તેમ વર્તવું. પછી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તી શ્રીહરિની સેવા કરી શેષ જીવન વ્યતીત કરી શ્રીહરિના ધામમાં ગયા હતા.
– શ્રી નંદસંતોના જીવન કવનમાંથી…