ગામ દહીંસરામાં કચરા ભક્ત: ‘આપણે મહારાજનાં દર્શન કરવા જઇએ છીએ, જો ચરણમાં સોળ ચિહ્ન હોય, ને તે જો મને બતાવે તો હું મહારાજને પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ માનું,

ગામ દહીંસરામાં ભક્ત કચરો નામે એક સત્સંગી હતા. કુસંગીઓ તે વખતે ગામમાં ઉપાધિ ઘણી કરતા અને સાધુઓને પણ ગામમાં પેસવા દેતા નહીં. સંવત્‌ ૧૮૮૬ની સાલમાં રામનવમીના સમૈયા ઉપર વડતાલમાં શ્રીજી મહારાજનાં દર્શન કરવા પોતપોતાના ગામથી સંઘ જાવા તૈયાર થયો. ત્યારે કચરો ભક્ત પણ દર્શન કરવા ગયા. ત્યારે માર્ગમાં ચાલતાં રણની સમીપે ગામ શિકારપુર ગયા. ત્યારે પોતાના મનમાં એવો સંકલ્પ કર્યો ‘જે ભગવાનનો અવતાર આ પૃથ્વી ઉપર જ્યારે થાય ત્યારે ભગવાનના ચરણારવિન્દમાં સોળ ચિહ્નો હોય છે તે શાસ્ત્રમાં પણ કહ્યાં છે. તો શ્રીજી મહારાજનાં ચરણારવિન્દમાં હું જો સોળચિહ્ન જોઉં. જો તે ચિહ્ન હોય તો તે ભગવાન ખરા. જો તે ન હોય તો હું શ્રીજીમહારાજને ભગવાનના કોઇ સંત માનું, પણ પૂર્ણપુરુષોત્તમ ભગવાન ન માનું. વળી મને સ્વપ્નમાં પણ શ્રીજી મહારાજ અક્ષરધામમાં દર્શન કરાવવા તેડી ગયા હતા. તે દિવસે અક્ષરને દરવાજે બે બાજુ બે કદમનાં અલૌકિક તેજોમય ઝાડ મને દેખાડ્યાં હતાં. અને તેની માંહેલી બાજુ અક્ષરધામમાં મહા અલૌકિક એક અદ્‌ભુત તેજોમય દિવ્ય અનંતમણીઓ મને દેખાડ્યાં હતાં.

તેમાં કેટલાંકતો રક્ત મણીઓ હતાં તથા અપાર શ્યામ મણીઓ તથા અપાર પીત મણીઓ તથા અનંત નીલમણીઓ તથા અનંત શ્વેત મણીઓ હતાં. આવા મણીઓથી જડિત એવું દિવ્ય સિંહાસન હતું. તેમાં બિરાજમાન એવા શ્રીજીમહારાજનાં અલૌકિક અદ્‌ભુત દર્શન મને પૂર્ણ સ્વપ્નામાં થયાં હતાં. અને તે સમયે દિવ્ય ચંદન પુષ્પે શ્રીજીની અનંત મુક્તોએ પૂજા કરી હતી; તે ચંદને કરીને શ્રીજી મહારાજનાં ચરણકમળ પર તથા તળામાં એક આંગળ ચંદનનો લેપ ચડી ગયો હતો તેનાં પણ મેં દર્શન કર્યાં હતાં. અને તે ચરણના તળામાં સ્વસ્તિક, અષ્ટકોણ, અંકુશ, ધ્વજ, કમળ, જવ, જાંબુ, વજ્ર, ઉર્ધ્વરેખા તથા મચ્છ, ત્રિકોણ, અર્ધચન્દ્ર, વ્યોમ, ગોપદ, ધનુષ્ય, કળશ એ સોળ ચિહ્નો શ્રીજી મહારાજે મને બતાવ્યાં હતાં. એવી રીતે મને સ્વપ્નમાં અક્ષરધામમાં દર્શન થયાં હતાં. ફરીવાર તે ચિહ્નો શ્રીજી મહારાજ મને દેખાડે તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ હું માનું.’ એવો સંકલ્પ મનમાં કરીને પછી પોતાના ભેળા ગામ બળદીઆના જે રતનો ભક્ત હતા તેને પૂછ્યું જે, રતનાભાઇ ! આપણે મહારાજનાં દર્શન કરવા જઇએ છીએ, તે જો મહારાજનાં ચરણમાં સોળ ચિહ્ન હોય અને તે જો મને બતાવે તો હું મહારાજને પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ માનું, અને જો ન દેખાડે તો ભગવાનના મુક્ત સંત માનું, પણ પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ ન માનું, કેમ જે મને સ્વપ્નામાં મહારાજનાં દર્શન થયાં હતાં, ત્યારે મેં ચિન્હો જોયાં હતાં. ત્યારે રતના ભક્તે કહ્યું જે, ‘કચરાભાઇ ! મહારાજનાં ચરણમાં તમે કહો છો તેમજ સોળ ચિન્હ છે. તેનાં દર્શન પણ મહારાજ આપણને કરાવશે.’ એવી રીતે માર્ગમાં ચાલતાં વાત કરી. પછી શ્રીજી મહારાજનાં રામનવમીના સમૈયામાં વડતાલે દર્શન કર્યા.

બેઉ નવ દિવસ સુધી રહ્યાં. અને દસમે દિવસે કચરો ભક્ત તથા રતનો ભક્ત તથા દેવજી તથા જગજીવન ભટ્ટ આદિક હરિ ભક્તોએ શ્રીજી મહારાજને કહ્યું જે, ‘હે મહારાજ ! આજે અમારે સર્વને તમારી પૂજા કરીને ચાલવું છે.’ એમ કહીને તે હરિભક્તોએ કહ્યા મોર મહારાજની પૂજા કરી. તે સમયે કચરો ભક્ત પણ મહારાજની પૂજા કરીને ચાલ્યા. ત્યારે શ્રીજી મહારાજે બોલાવીને કહ્યું જે, ‘કચરાભગત, તમે આંહી આવતા વખતે માર્ગમાં ચાલતાં ગામ શિકારપર આવ્યા ત્યારે તમારા મનમાં સંકલ્પ કર્યો હતો જે, જો મહારાજનાં ચરણમાં સોળ ચિહ્ન હોય તો ભગવાન અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ખરા. અને તે જો ન હોય તો ભગવાનના મુક્ત ખરા, પણ પૂર્ણ પુરુષોત્તમ નહીં. અને વળી માર્ગમાં ચાલતાં રતના ભક્તને પણ તે વાત કરેલી હતી જે મહારાજનાં ચરણમાં સોળ ચિહ્ન હોય તો હું પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાધિપતિ માનું અને ન હોય તો ભગવાનના મુક્ત સંત માનું તમારો તે સંકલ્પ રહી જાશે. અને તે તમે ભૂલી કેમ ગયા ? અને અમને પૂછતા પણ કેમ નથી ? માટે આવો હું અમારાં ચરણમાં જે સોળ ચિહ્ન છે તેનાં તમને દર્શન કરાવું.’ એમ કહીને પ્રથમ જમણા ચરણને પોતાના ઢીંચણ પર મેલીને પોતાના હાથથી ચિન્હ ગણીને કહેવા લાગ્યા જે, “કચરા ભક્ત જુવો આ સ્વસ્તિ છે, આ અષ્ટકોણ છે, આ અંકુશ છે, આ ધ્વજ, આ જવ, આ જાંબુ, આ વજ્ર છે. આ અંબુજ છે. આ ઉર્ધ્વરેખા છે. ડાબા ચરણમાં મચ્છ છે. આ ત્રીકોણ, આ ગોપદ, આ અર્ધચંદ્ર, આ વ્યોમ, આ ધનુષ્ય, આ કળશ છે. આ સોળ ચિન્હ છે.” એમ કહીને ચંદને લીપેલાં ચરણારવિન્દના તળામાં પોતાના હાથે સોળ ચિન્હોને ગણી દેખાડ્યાં. તે જોઇને કચરા ભગતને પરિપૂર્ણ પુરુષોત્તમ પણાનો અડગ નિશ્ચય થયો જે, જે પ્રત્યક્ષ પુરુષોત્તમ છે તે જ આ શ્રી સહજાનંદ સ્વામી છે. એવી રીતે નિશ્ચય કરીને પોતાને ગામે ઘેર આવ્યા.

શ્રીજી મહારાજની ઇચ્છાએ કરીને ગામમાં સત્સંગ થયો, ગામમાં બે મંદિરો થયાં, સત્સંગીઓ પણ ઘણા થયા. ને તે ગામમાં જે કોઇ સત્સંગી દેહ મૂકે છે તેને શ્રીજી મહારાજ તેડવા આવે છે. કોઇ માંદું હોય તેને પોતે શ્રીજી મહારાજ દર્શન દેવા પધારે છે.

  • શ્રીપુરુષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય ૯૦માંથી….