ગુજરાતના મહિલા મુકતોએ શ્રીહરિ પાસે ફગવામાં માગ્યું કે ‘મહા બળવંત માયા તમારી , જેણે આવરીયા નરનારી..!’

ભગવાન શ્રી સ્વામિનારાયણે ભારતીય સંસ્કૃતિના દરેક વ્રત ઉત્સવોને ભક્તિભાવથી ને ધર્મમર્યાદામાં રહીને ઉજવ્યા છે. દરેક ઉત્સવ ઉજવણીને મહીમાંસાથે સમાજજીવનનું ગરિમાપૂર્ણ સ્થાન આપી ભારતીય સસ્કૃતિને જીવંત બનાવી. છપૈયા, અયોધ્યા, પીપલાણા, લોજ, કારીયાણી, ગઢપુર, ભુજ, ડભાણ, કરિયાણા , નાગડકા, ધમડકા, વડતાલ, પંચાળા, બોટાદ, સારંગપુર વગેરે સ્થાનોમાં શ્રીજીમહારાજે રંગોત્સવ મનાવ્યા. તેમા એક અદ્ભુત અને અવિસ્મરણીય ઉત્સવ એટલે સારંગપુર ગામમાં શ્રીહરિએ રંગે ચંગે ઉજવણી કરેલ રંગોત્સવ.

ધૂળેટીના દિવસો નજીક આવ્યા. ભકતવત્સલ શ્રીહરિને દેશ-દેશાંતરમાં વસતા પોતાના ભક્તો સાંભરી આવ્યા. શ્રીજીમહારાજે પોતાના વહાલા ભક્તો ઉપર શુકમુનિ પાસે પત્ર લખ્યો કે… ‘સારંગપુરમાં ફૂલડોલ ઉત્સવ કરવાનો છે. ત્યાં દેશોદેશમાં વિચરણ કરતા સહુ સંત-ભકતો પધારશે. જેને દર્શનનો ભાવ હોય તે સુખેથી આવજો. સંબંધીની રજા વિના આવવું નહિ. આવવા-જવાનો ને રહેવાનો ખર્ચ લેતા આવવો. ખર્ચનો યોગ ન હોય તેને ઘરે રહીને ભજન કરવું. દર્શન કરવા આવો ત્યારે સંધના માણસો અને ઉતારો કરો ત્યાના ભક્તો દુખી ન થાય ને તમારો અભાવ ન આવે તેવી રીતે રહી શકતા હોય તેજ આવજો.’

મહારાજનો પત્ર મળતા ભક્તો ઉત્સવમાં જવાની તૈયારી કરવા લાગ્યા. હુતાશાનીના દિવસે સવારે શ્રીજીમહારાજ સંતો ભક્તો સાથે નદીએ સ્નાન કરીને પરત દરબાર ગઢમાં પધારતા હતા. ગામના રસ્તામાં ચોક આવ્યો. ત્યાં જેતલપુરથી નિત્યાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી આવ્યા. શ્રીજીમહારાજ રોઝા ઘોડા ઉપરથી ઉતરીને તેમને મળ્યા. સંતો હજારીના (ગલગોટા) હારનો ટોપલો લાવ્યા હતા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી એ હારતોરા, બાજુબંધ, પોચી, ગુચ્છ વગરેથી પૂજા કરી. સાથેના સંતોને પ્રભુએ કહ્યું કે આ બન્ને  સંતો દુરથી ચાલીને આવ્યા છે. તેમની સેવા કરજો. તે જ દિવસે હુતાશણીની રાત્રે શ્રીજીમહારાજ સર્વ સભાજનો ને કહે કે ‘ધુળેટીના દિવસે જગતના જીવો મન ફાવે તેમ વર્તે છે. કાદવ, ગોબર, ગારો ઉડાડે છે. ગાળો બોલે. દારૂ પીધો હોય તેમ ઉન્માત્ત થાયછે. વિવાહ, ફાગનો દિવસ, ભાંડભવાઈ, યુવતી, દર્પણ, બાળક, જળ, અને માદક દ્રવ્યો એમાં જે મનને નિયમમાં રાખે તેને દેવ જેવો જણાવો. આવી રીતે ઘણી ઘણી કથા વાર્તા કરીને શ્રીહરિ જેઓ રંગોત્સવની તૈયારી કરતા હતા તેને દર્શન દેવા પધાર્યા. ગઢપુરના નાથ ભાવસાર ને બોટાદના એક ભગત રંગના રંગેડા લાવ્યા હતા તે રંગ બનાવતા હતા. શ્રીજીમહારાજે ત્યાં પધારી ને રંગ જોયો. શ્રીજીમહારાજ કહે કે રંગ ઘણો ઘાટો છે. રંગ જેટલું બીજું પાણી નાખો. અમે રંગે રમીએ ત્યાં સુધી રંગ ખુંટવો ન જોઈએ. ખુંટે તેમ પાણી ઉમેરતા રહેવું. રંગ ઉડાડતા અને રસોઈ પીરસતા ખૂટે ત્યારે અમને આનંદ રહેતો નથી. કોઈ પણ વસ્તુ આપતા ખૂટે તે અમને ગમતું નથી. એટલી વાત કરી શ્રીજીમહારાજ પોઢવા પધાર્યા.

ધુળેટીના દિવસે વિશાળ સભા થઇ. શ્રીહરિ કહે ‘ઉત્સવના માહાત્મય વિના રમે તે જગતના લોકો જેવું કહેવાય. બાઈઓ અને પુરુષોએ સાથે ન રમવું. એક જૂથ ગુજરાતની બાઈઓનું અને બીજું જૂથ કાઠીયાવાડની બાઈઓનું થાય. પુરુષો રમી રહે પછી જ બાઈઓએ રમવું. જગતની રીતે રમે તેને કોટી બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. પછી પશ્ચિમ કુંડી પર શ્રીહરિ અને ભક્તો ને પૂર્વની કુંડીએ સંતો ઉભા રહ્યા.

શ્રીહરી કહે કે તમારે અમારા એક ઉપર રંગ નાખવાનું તાન છે. પણ કોઈ વિચારતા નથી કે તમારામાંથી કોઈ એક પર રંગ નાખીએ તો શું થાય ?  તે સમજીને અમારા ઉપર રંગ નાખજો. વિવેક રાખજો. પાર્ષદો એ અમારી ચારે બાજુ કોટની પેઠે રહેવું. શ્રીજીમહારાજે જય ઘોષ કર્યો એ સમયે કાઠી અને પાર્ષદોએ બંધુકો ફોડી ને અવાજો કર્યા. સંતોએ શ્રીજીમહારાજ ઉપર ગુલાલ ઉડાડીયો. રંગની ધૂમ મચી. આકાશમાં દેવતાઓ મહારાજની દિવ્ય રંગ લીલાના દર્શને આવ્યા. શ્રીજીમહારાજ સોનાની પિચકારીથી સંતો ઉપર કેસુડાનું કેસરી પાણી ઉડાડતા હતા. વિવિધ કલરથી શ્રીજીમહારાજના શ્વેત વસ્ત્રો રંગબેરંગી બની ગયા. સંતોએ મહારાજનું મુખારવિંદ ગુલાલથી ગુલાબી કરી દીધું . રંગોત્સવ લીલા આશરે એક પહોર ચાલી. સહુ કોઇ એટલા રંગે રમ્યા કે કોઈ કોઈના ચહેરા ઓળખી શકાતા ન હતા. શ્રીજીમહારાજે આજ્ઞા કરી એટલે સહુ સંતો-ભક્તો નદીએ સ્નાન કરવા પધાર્યા. પછી મહિલા ભક્તો રંગે રમ્યા.

શ્રીજીમહારાજ સહુ સંતો-ભકતો સાથે નદીએ નહાવા પધાર્યા, ત્યાં સ્નાન કરીને કોરા વસ્ત્રો પહેરીને દરબારગઢમાં પરત આવ્યા. થાળ જમી ને સંતો-ભક્તોને પંગતે પાંચ વખત પીરસીને તૃપ્ત કર્યા.

બપોર પછી સભા થઈ ત્યારે શ્રીજીમહારાજે કૃપાવચન કરતા મહિલા ભક્તોને કહ્યું કે “આજ અમે ઘણા રાજી છીએ, ફગવા માંગો.”  એ સમે કાઠીયાવાડના મહિલાભક્તોએ શ્રીહરિ પાસે ૨૦૦ રૂપિયા માંગ્યા. ગુજરાતથી આવેલા જેતલપુરના ગંગાબાં, ડાંગરવાના જતનબાં, વહેલાલના વખતબાં, વિસનગરના ઉદયકુંવરબાં આદિક મહિલા મુકતોએ હાથ જોડીને શ્રીહરિ પાસે માગ્યું કે…

મહા બળવંત માયા તમારી , જેણે આવરીયા નરનારી..!

એવું વરદાન દીજિએ આપે, એહ માયા અમને ન વ્યાપે..!!

સતસંગી જે તમારા કહાવે , તેનો કેદી અભાવ ન આવે..!

દેશ કાળ ને ક્રિયાએ કરી , કેદી તમને ન ભૂલીએ હરી..!!

પછી બોલિયા શ્યામ સુંદર , જાઓ આપ્યો તમને એ વાર..!

મારી માયામાં નહિ મુંઝાઓ , દેહાદિક માં નહિ બંધાઓ..!

શ્રીજીમહારાજ તેમના ઉપર રાજી થયા ને રૂડા આશીર્વાદ આપ્યા.

– શ્રીહરિચરિત્રામૃત સાગર અને શ્રીભકતચિંતામણી પ્રકરણ ૬૪ માંથી…