ગુરુદેવ રામાનંદ સ્વામી એ હાથમાં ધ્યાન કરવાની પાવડીં હતી તે સાધુંના માથામાં મારી..! એમ સંકલ્પ કહેવા એ રીત ત્યાગી ની નથી.

એકવખતે સદગુંરું રામાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતાં કરતાં ગામ સાંકળી પધાર્યા. વાડીએ નાહવા ગયા, તે વાવમાં નાહીને કાંઠે એક પત્થરની મોટી ભેખડ હતી તેના ઉપર બેઠા. સ્વામીના મંડળમાંથી બે સંતો ગામમાં ભીક્ષાવૃત્તિ કરવા ગયા. ગામમાં એક કણબીના ફળીયામાં જઇને ભીક્ષા સારું સાદ કર્યો જે “નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભું..!” એ સાંભળીને કણબીની બાઇને રહોડે રસોઇ કરતી હતી તે સાધુ ફળીયામાં આવ્યા જાણીને ભીક્ષા દેવા સારું તૈયાર થઇ. પોતે વિચાર કર્યો જે ‘જાકરામાં એક આખો રોટલો પડ્યો છે, એ આ સાધુંને ભીક્ષામાં આપું..!’ એમ મનમાં વિચારી ઉભી થઇને જાકરાંમાંથી રોટલો હાથમાં લીધો ત્યાં મનમાં વિચાર થયો જે ‘આંખોય રોટલો દેવા કરતા અર્ધો દઉં..!’ એમ અર્ધો દેવા તત્પર થઇ. ત્યાં વળી એમ મનમાં વળી સંકલ્પ થયો જે ‘આ સાધું ને તો ગામમાં બીજે ક્યાંક ભીક્ષા મળી રેહે એટલે પાં રોટલો દઉં..!’ આમ મનમાં વિચાર કરતી એ પટલાણી બાઇ હાથ માં રોટલો લઇને ઓસરીની કોરે પહોંચી, તે સમે એ સાધું બોલ્યા જે ‘પટલાણી બાં, આખોય રોટલો લાવોને, એમ વળી શું મનમાં સંક્લપ કર્યા કરો છો..?’ તે સાંભળી એ બાઇએ જાણ્યું જે આ સાધું તો અંતરજામી છે, એમ મહીમાં સમજીને આખોય રોટલો જ ભીક્ષા માં આપી દીધો અને મનમાં સાધું પ્રત્યે અહોભાવ થયો. સાધું તો ગામમાં બીજા ઘરે પણ ભીક્ષા માંગીને વાડીએ ગુરુદેવ રામાનંદ સ્વામી રોકાયા હતા, ત્યાં વાડીએ આવ્યા.
આવીને ભીક્ષાની ઝોળી સ્વામી પાસે મેલીને પગે લાગીને બેઠા. એ સમયે ગુરુદેવ રામાનંદ સ્વામી એ પોતાના હાથમાં ધ્યાન કરવાની પાવડીં હતી તે પેલા સાધુંના માથામાં મારી..! સાધુંને માથામાં પાવડી વાગતા લોહી નીકળ્યું પણ ગુરુદેવ સામે કશુંય બોલ્યા નહી ને હાથ જોડીને ઉભા રહ્યા. સ્વામીએ તુરતં જ ઉભા થઇને પોતાના ધોતીયાનો છેડો (લીરો) ફાડીને એ સાધુના માથે જ્યાં વાગ્યુ હતું ને લોહી નીકળતું’ત્યાં ઝીણી ધૂળ દબાવીને કઠણ પાટો બાંધી દીધો. પછી ગુરુદેવ રામાનંદ સ્વામી અને બેઉ સાધું એમ ત્રણેય જમવા બેઠા તે ભીક્ષામાં તે કાંય મળ્યું હતું એ જમ્યા.
એ વખતે ત્યાં ત્રણ સુતાર એ વાવને કાંઠે સઝા ઉભા કરીને મંડાણ માંડતા હતા, એ ત્રણેય સુતારોએ એ બધુંય જોયું. તેથી તેઓ સ્વામી પાસે આવ્યા અને પગે લાગીને પ્રણામ કરીને પુછયું જે ‘હે સ્વામી, તમે આ સાધુંના માથામાં પાવડી કેમ મારી? ને વળી એ સાધું ને માથામાં લોહી નીકળ્યું કંકો પણ કેમ કાંય બોલ્યા નહીં..? ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામી હસતાં હસતાં બોલ્યા જે ‘જુઓ ભાઇઓ, એ સાધું ગામમાં ભીક્ષા માંગવા ગયા હતા, તેમણે એક કણબીની બાઇનો સંકલ્પ જાણીને કહીને પોતાના સારું એમના પાસેથી આખોય રોટલો માંગી લીધો..! એમ સંકલ્પ કહેવા એ રીત અમારી ત્યાગી ની નથી એટલે એને દંડ દેવા સારું એના માથામાં પાવડી મારી હતી. અને આ સાધું પણ પોતાનું પ્રાયશ્ચિત જાણીને કશુંય બોલ્યા નહી. અમારે સાધુંને તો જે કાંય મળે એ ભીક્ષામાં જમવું એ સારું પરંતું કોઇના મનનાં સંકલ્પ વિકલ્પ જાણીને વાત કરવી યોગ્ય નહી. એ સારું આ સાધું ને વર્તન માં રાખવાને દંડ દીધો હતો.’ ત્યારે એ ત્રણેય સુતારોને સ્વામીને વિશે અહોભાવ થયો અને ત્રણેય અંદરોઅંદર વાતો કરવા લાગ્યાં જે ‘આ કોઇ મોટા મહાપુંરુષ ખરા, બાકી આમ હોય જ નહી..!’

  • ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામીના જીવનપ્રસંગોમાંથી….