સૌરાષ્ટ્રમાં ગોંડલ ના દેવાજીનો રાજપરિવાર સદગુરૂ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ માં રંગાયેલ હતો. રામાનંદ સ્વામી સ્વધામ સીધાવ્યા અને શ્રીહરિ ગાદીએ આરૂઢ થયા પછી દરબાર દેવાજી ને એમના ભાઇ હઠીસીંહને શ્રીહરિમાં અતિ સ્નેહ બંધાયેલ હતો. શ્રીહરિને વખતોવખત ગોંડલમાં તેડાવીને અતિ સ્નેહે પોતાના દરબારગઢમાં રોકતા. ‘યથા રાજા તથા પ્રજા’ એ ન્યાયે શ્રીહરિ તેમજ સંતોના વિચરણથી ઘણા બીજા મુમુક્ષુંઓ પણ સત્સંગી થયા હતા. વિપ્ર જેઠા મહારાજ, કડીયા રત્નાભગત, તેમજ સંતોના વિચરણ અને ગામમાં મંદિરના યોગે સુતાર પરિવારમાં કરમણ ભગત, બાઇઓમાં લક્ષ્મીબાઇ વગેરે સહું પરમ એકાંતિક ભકતો હતા.

આ કરમણભાઇ સુતાર સત્સંગી થયા એટલે પંચવર્તમાન ને પરિપુર્ણપણ્ પાળતા. નિત્ય સાંજ-સવાર પોતાના ઘરે ઠાકોરજી ને થાળ આરતિ વગેરે થાય ને પરિવારના સહું સભ્યો સાથે મળીને ઠાકોરજીના ધૂન-કિર્તન વગેરે કરે. એમના પાડોશમાં મુમુક્ષું જગમલભાઇ ઘાંચી નામે રહે, એમણે એકદિવસે કરમણભાઇ ને પુછયું કે ‘તમારા ઘરમાં રોજ સાંજ-સવાર ટોકરી વાગતી હોય અને તમે સહુ ઉંચા સ્વરે સાથે મળીને ગાતા હોવ છો, એ શું ગાઓ છો? વળી તમારા નબાળકો પણ ક્યારેય ગાળો બોલતા નથી ને બહુ વિવેકી અને સદગુણી છે, તેનું શુ કારણ છે? ત્યારે કરમણભાઇ કહે કે ‘અમે પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણ ના ઉપાસક છીએ, એ પ્રગટ શ્રીહરિની આજ્ઞા પ્રમાણ્ અમે રોજ સવારે દિવસ ઉગયા પેલા જાગીને નાહી પરવારીને ભગવાનના મંદિરમાં પરિવારના સહું ઠાકોરજીની આરતિ કરીએ છીએ, દરરોજ સહું સાંજે વાળુ કરીને સાથે બેસીને સત્સંગ કથાવાર્તા સાથે ઘરસભા કરી એ છીએ, સંતોના યોગ અને ઉપદેશથી બાળકો માં સારા સંસ્કારો આવ્યા છે. વળી, પ્રભું નો કોલ છે કે ‘શ્રીહરિ એમના ભકત ને અગાઉથી કહીને દર્શન દઇને અંતકાળે હાથી ઘોડા કે વિમાન વગેરે લઇને તેડવા પણ આવે છે. વળી કોઇ વખતે પાડોશી કે ગામના લોકને પણ દર્શન દઇને પ્રતિતી પોતાના પુરુષોત્તમપણાની કરાવે છે.” આ સુણીને જગમાલભાઇને મનમાં ઘણું આશ્ચર્ય થયું અને બોલી ઉઠયા કે “તો તો તમારા ભગવાન ઘણા પ્રતાપી કહેવાય, આમ કળીકાળમાં અંતકાળે તેડવા આવે એ તો પ્રભુંની બહું મોટી દયા કહેવાય, મને પણ તમારા ભગવાનના કયારેક દર્શન થાય તો સારું.”

ઉપરોક્ત વાતને વર્ષોના વાણા વાઇ ગયા ને કરમણભગત શરીરે વૃદ્ધ થયા ને શરીરે થોડો મંદવાડ આવ્યો. પોતે તો અહર્નિશ શ્રીહરિને હાલતા ચાલતા ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ..!’ એમ ઉચ્ચસ્વરે સંભાર્યા કરતા. પરિવારજનો એમની યથાયોગ્ય સેવા કરતા હતા. એકદિવસે થોડી માંદગી વધી એટલે તેઓ ઓંસરીની કોરે ખાટલો નાંખીને સુતા હતા. સર્વે કુટુંબીજનો પણ એમના આસપાસ બેઠા થકા ભજન કરતા હતા. આ વખતે એકાએક કરમણ ભગતને શ્રીહરિનું દર્શન થયું, પોતે સફાળા બેઠા થઇ ગયા અને બોલી ઉઠયા કે ‘જુઓ મને શ્રીજીમહારાજ સર્વે મુકતો સહિત તેડવા પધાર્યા છે, લયો ત્યારે સહુ ભજન કરજયો, હું શ્રીજીમહારાજ સાથે ધામમાં જાઉ છું. સૌને ‘જય શ્રી સ્વામિનારાયણ..!’ આમ કહી ને અક્ષરધામ સિધાવ્યા.

બરાબર આ સમયે એમના પાડોશી જગમાલભાઇ ઘાંચી બહાર ગામ ગયા હતા, અને ભોજપરાથી ગોંડલ આવી રહ્યા હતા. એ વખતે એણે હાથી જોડેલો સુવર્ણ જડિત રથને જોયો. એ સુવર્ણ રથમાં એમણે શ્રીજીમહારાજ અને કરમણભાઇ બેઠા હતા. રથની આગળ પાછળ સંતોના વૃંદ હતા. જગમાલભાઇ નજીક ગયા એટલે કરમણભાઇ બોલ્યા કે ‘આ અમારા ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રભું છે, દર્શન કરીને ધન્ય થાઓ, જુઓ જગમાલભાઇ હું શ્રીહરિ અને સહું સાથે તિર્થયાત્રાએ જાઉ છું, તમે અમારા પાડોશી છો તે અમારા પરિવારના સહુંનું ધ્યાન રાખજો.’ આમ સુણીને જગમાલભાઇ એ તો ભાવે કરીને શ્રીહરિના દર્શન કર્યા અને મનમાં વિચારતા ચાલ્યા કે ‘જુઓ ભગવાન તો કેવા દયાળું છે, પોતાના ભકતને રથમાં બેસાડીને યાત્રા કરાવે છે.’ આમ વિચારતા વિચારતા પોતાના ગામ તરફ ચાલ્યા. ઘરે આવ્યા ત્યાં એમની દીકરી એ કહ્યું કે ‘બાપું, કરમણબાપા આજે ગુજરી ગયા..!’ તે સાંભળીને જગમાલભાઇ કહે કે ‘બેટા, ના ના.. એ તો યાત્રા કરવા ગયા છે, હજું હમણા જ એ મને નદી કાંઠે તો મળ્યા’તા.’ ત્યારે એમના પત્નિ કહે કે ‘દિકરીની વાત સાચી છે, જુઓ આ એમના પરિવારના લોકો કરમણભાઇનો અગ્નિસંસ્કાર કરીને જ ચાલ્યા આવે છે.’ જગમાલભાઇ તો એકાએક આ બધુંય જોઇને દિગ્મૂઢ થઇ ગયા. તેઓ ને શ્રીહરિ એમને અંતકાળે તેડી ગયા અને પોતાનો સંકલ્પ પુરો કરવા નદિકીનારે દર્શન દેવા પધાર્યા હોવાની પ્રતિતી થઇ. પોતાને શ્રીહરિના પુરુષોત્તમપણાનો પરિપુર્ણ નિશ્ચય થયો. થોડેસમયે જયારે પોતે સદગુરુ ગોપાળાનંદ સ્વામી પધાર્યા ત્યારે વર્તમાનધારણ કરીને કંઠી પહેરીને સત્સંગી થયા. જીવ્યા ત્યાં સુધી શ્રીહરિ પોતે અક્ષરધામ માં તેડવા પધારે છે એમ કેફ ભરી વાતો કરતા, આમ પોતે પણ ભજન કરતા થકા અક્ષરધામના અધિકારી થયા.

સદગુરૂ નિષ્કુળાનંદ સ્વામી એ પણ પોતાના ભકતને અંતકાળે તેડવા આવવાના શ્રીહરિના બિરુંદને ગાવતા શ્રીભકતચિંતામણીના પ્રકરણ ૬૫માં લખ્યું છે કે…

જે દી’ આવે આ દેહ નો કાળ, તે દી’ આવે તેડવા દયાળ..!

રથ વેલ્ય વિમાન ને વાજીં, ઘણું દેહ મુકે થઇ રાજી..!!

મને તેડવા આવ્યા છે નાથ, હું જાઉ છું મહારાજને સાથ..!

માનજો મારું હિત વચન, સહું સ્વામી નું કરજયો ભજન..!!

– કૃપામુકિતમાંથી…