ગોંડલના સુથાર જીકોરબાઈએ હૈયાનાં હેત ઢોળી ઢોળીને શ્રીહરિ અને સંતોને થાળ પીરસી જમાડયા.

સવંત ૧૮૬૮માં ભક્તવત્સલ ભગવાન શ્રીહરિ પોતાના ભક્તોને આગોતરા દૂકાળની ચેતવણી આપવા સારું વિચરણ આરંભ્યું હતું. મુમુક્ષુ ભક્તોને ગામોગામ પ્રભું પોતે જઇને કહેતા કે “ચેતી જજો ! સાવધાન રહેજો ! આવતા વર્ષે ભયંકર ઓગણોતેરો કાળ પડશે. માટે ઢોર-ઢાંખર કે ઘરેણા વેચી નાંખજો, પરિવાર પુરતા અનાજનો સંગ્રહ કરજો.” આમ, શ્રીહરિ વિચરણ કરતા કરતા સોરઠમાં આવ્યા. તેમની ઇચ્છા જૂનાગઢ જવાની હતી, પણ ગોંડલમાં સુથાર જીકોરબાઈએ શ્રીહરિને પોતાના ભક્તિભાવથી બરાબર ખેંચ્યા.
એ દિવસે દેવરામ સુથારે પોતાના ઘરે બ્રાહ્મણોને જમાડવા પોતાનો સંકલ્પ પૂર્ણ કરવા માટે બ્રાહ્મણોને તેડાવી રસોઈ કરાવી. ત્યારે જીકોરબાઈએ ઠાકોરજીને થાળ ધરાવતા મનમાં સંકલ્પ કર્યો, ‘હે મહારાજ ! આજે અમારે ત્યાં બ્રાહ્મણ જમશે, તો તમે પણ આવો અને મારો મનોરથ પૂર્ણ કરો. પણ તમે આ બપોરટાણે ક્યાં હશો ? આજે પંદર પંદર દિવસથી તમારા તો ક્યાંયથી વાવડ મળ્યા નથી. નહિ તો અમે તમને તેડવા આવત.’ જીકોરબાઇના હૈયાના પ્રેમભર્યા બોલ સાંભળી દેવરામ બોલ્યો, “અરે ! થાળ ધર્યો, તે એવો ભાવ રાખોને કે તે થાળ શ્રીજીમહારાજ પ્રત્યક્ષ પધારીને જમે છે ! નાહકના હૈયાનો વલોપાત ન કર્ય, હૈયું ન બાળ્ય, ભગવાન તો ભાવના ભૂખ્યા છે, જરૂર પ્રભુંએ થાળ જમ્યા, તેમ માની લ્યો.” જીકોરબાઇ બોલ્યા કે ‘પણ જુઓને આપણા એવા ભાગ્ય ક્યાં છે કે શ્રીજીમહારાજ પ્રત્યક્ષ પધારીને થાળ જમે ! એમ કહી જીકોરબાઈએ હૈયાનાં ઊંડાણેથી શબ્દોના વહેણ વહાવ્યાં.

પોતાના મંદિરીયે ઠાકોરજી સમક્ષ થાળ ગાતા જીકોરબાઇ બોલ્યા કે…

મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર…
લાડુ જલેબીને સેવ સુંવાળી, હું તો ભાવે કરી લાવી છું ભારી…
પળવારમાં જીકોરબાઈની વૃત્તિ શ્રીજીની મૂર્તિમાં મનની વૃત્તિ ચોંટી ગઈ.

શ્રીહરિ તે વખતે જૂનાગઢના રસ્તે જતા હતા. જીકોરબાઈના થાળનો ભાવ અને હૈયાનો પોકાર શ્રીજીમહારાજનાં અંતરે અથડાઈ. તેઓ અચાનક સંઘને રસ્તામાં ઊભો રાખતા બોલ્યા, “સંતો-ભક્તો ! તમે બધા જૂનાગઢ પહોંચો, ત્યાં અમે તમને મળશું. અમને એક ભક્ત ગોંડલમાં પોકારે છે, તો તેને મળતા આવીએ.” એમ કહી મહારાજ પાંચ સંતોને સાથે લઈ ગોંડલના માર્ગે ચાલ્યા. ત્યાંથી શ્રીહરિ સીધા જ ગોંડલ ગામે પોતાના ભક્ત એવા દેવરામ સુથારના ઘરે આવ્યા. શ્રીહરિને અચાનક આવેલા જોઈને દેવરામને આશ્ચર્ય થયું. તેણે બે હાથ જોડી પ્રણામ કરી કહ્યું, “ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી, પધારો પ્રભુ ! તમારી જ રટના હતી. આપ અચાનક એકાએક ક્યાંથી ?” શ્રીહરિ તેના ભાવ જોઈ હસ્યા અને બોલ્યા, “આ અમારા ભક્ત જીકોરબાઈએ અમને અહીં ખેંચી લાવ્યા, અમે તો સંઘ સાથે જૂનાગઢ જતા હતા, પણ અમારું ધાર્યું ક્યાંથી થાય ! અમારા ભક્તની અમને જમાડવાની ઈચ્છા પૂરી કરવા અમે અહીં આવ્યા.” દેવરામ સુથાર શ્રીજીમહારાજનાં મધૂરાં વચન સાંભળી હરખાતા બોલ્યા કે , “અરે અહીંતો આવો ! સાંભળો છો કે ? જે થાળ ઠાકોરજીને મંદિરમાં પીરસ્યો છે, તે થાળ અહીં જ લાવો. પ્રગટ પ્રભુ તમારા ભાવને પૂર્ણ કરવા પધાર્યા છે !”
જીકોરબાઈએ સાંભળી ઉતાવળા પગલે બહાર આવ્યા અને શ્રીહરિને નયનો માંડીને નીરખ્યાં. પ્રથમ તો તેને ભ્રમણા કે સ્વપ્નનું લાગ્યું, પરંતુ તે શ્રીહરિનાં દર્શન પામીને અતિ આનંદ પામ્યા અને ચરણે ઢળી પડયા. શ્રીહરિનાં એકાએક આગમનથી જીકોરબાઇ ને અશ્રુની ધારા વહેતી થઈ.
શ્રીહરિ કહે કે ‘અરે બાઇ ! તમે અમને જમાડવા સારું સાદ કર્યો એટલે અમે આજે તમારે ઘરે જમવા જ આવ્યા છીએ !’ જીકોરબાઈ બોલ્યા, “હા… હા… આવોજ ને ! આજે પંદર દિવસથી કાંઈ અમને વાવડ જ ન મળ્યા, એટલે બ્રાહ્મણ જમાડીએ છીએ, પણ તમે ખુદ જમ્યા વિના રહો તો આ જમણ એળે જાશે. એટલે તમને જમવાં સાદ કર્યો.!”
શ્રીહરિ હસીને બોલ્યા, “ભક્તિનો અમૃત સમો પ્રવાહ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે ભક્તને માટે ભગવાન ગમે ત્યાં હોય ત્યાં સુખે રહી જ ન શકે. લ્યો હવે થાળ પીરસો, એટલે અમે જમીએ !”
જીકોરબાઈએ હૈયાનાં હેત ઢોળી ઢોળીને શ્રીહરિ અને સંતોને થાળ પીરસી જમાડયા. શ્રીહરિ અને સહું સંતો જમીને તૃપ્ત થયા, પછી શ્રીહરિએ દેવરામને અને જીકોરબાઈને કહ્યું, “સાંભળો, આવતે વરહે કારમો દુષ્કાળ પડશે. માટે અન્નનો સંગ્રહ રાખજો. અમે ગામેગામ ભક્તોને એ કહેવા માટે વિચરણ શરુ કર્યું છે.” એમ કહી શ્રીહરિએ દેવરામનો હાથ પકડી દક્ષિણ દિશાકોર પગલાં માંડતાં કહ્યું, “દેવરામ ! આ તમારું ઘર પવિત્ર છે. આવતા સમયમાં આ સ્થળે સુંદર મંદિર થશે ને અમારા પરિવાર સાથે અમારી મૂર્તિ મધ્ય મંદિરમાં પધરાવાશે.” શ્રીહરિનાં વચન પ્રમાણે સદગુરુ શ્રી બાલમુકુંદદાસજી સ્વામીએ એ જગ્યાએ મંદિર બંધાવ્યું અને ધર્મ-ભક્તિ સાથે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી, શ્રીહરિની આગમ વાણીને આગમ સત્ય કરી.

  • નારી રત્નોમાંથી….