જીવુંબાં એ શ્રીહરિના રીંગણાનું શાક અને ઓળો જમવાનો સંકલ્પ જાણીને થાળ બનાવીને શ્રીહરિને રાજી કર્યા.

શ્રીજીમહારાજ ગઢપુરમાં બીરાજતા હતા. એકદિવસે શ્રીહરિ સંતો-ભક્તો સાથે રાધાવાવે પધાર્યા હતા. શ્રીહરિ સન્મુખ સહું સભામાં બેઠા હતા અને શ્રીહરિની અમૃતવાણીનું સહુ પાન કરતા હતા. એ વખતે પ્રેમમુર્તિ એવા સદગુરુ સચ્ચિદાનંદ સ્વામીએ રાધાવાવે વાડીમાં શ્રીહરિના થાળ સારું રીંગણી વાવેલી, તે જોઈ શ્રીજીમહારાજ રાજી થતા બોલ્યા, ”ઓહોહો…! રીંગણી તો સારી જામી છે ને રીંગણા પણ ઘાટે સારા અને સ્વાદે મધૂરા ઘી જેવા લાગે છે. જુવોને તેની કેવી સરસ સુગંધ આવે છે !” એમ કહીને શ્રીજીમહારાજે બે મોટા રીંગણા તોડયા. પાર્ષદ બેચર ચાવડા સાથે હતા તેને હાથમાં આપ્યા અને કહ્યું, ”બેચરભગત, આ રીંગણા દરબારગઢમાં મોટીબાં ને આપી આવો અને કહેજો, આજે બપોરે અમારા થાળમાં રીંગણાનું શાક બનાવે.” શ્રીજીની આજ્ઞા થતા જ બેચર ચાવડો તો હડી કાઢતા દરબારગઢ તરફ ગયા.

તે પછી થોડીવારે શ્રીજીમહારાજને થયું, ”માળું ! ઉતાવળ કરી. બેચરભગતને કહ્યું હોત કે એક રીંગણાનું શાક કરે ને એકનો ઓળો કરે.” આમ, શ્રીજીમહારાજ મનમાં સંકલ્પ થયો અને તે પછી બપોરટાણે થાળ જમવા ગામમાં પધાર્યા.

આવીને અક્ષરઓરડીની આથમણી ઓશરીએ ગંગાજળીયા કૂવા પાસે ચાકળા ઉપર બિરાજ્યા, એટલે સદગુરુ મુકતાનંદ સ્વામી આદિ સહું સંતો આવી આવીને સામે બેસવા લાગ્યા.

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા, ”આ જગતમાં જે કાંઈ થાય તે બધું જ આપણાં સંકલ્પ દ્વારા જ બને છે. જે માણસ પોતાના નિશ્ચય પર દૃઢ હોય તે આખી દુનિયાને પોતાની રીતે બદલી શકે છે. સંકલ્પથી મનની ઉપર પણ વિજય મેળવે છે.” તે વખતે વેળાવદરનાં વિપ્ર હરિભક્ત દેવજી મહારાજ પોતાના વાડીએ વાવેલા ગાજર લાવેલા. શ્રીજીમહારાજ આગળ મેલીને પગે લાગ્યા અને સભામાં બેઠા ત્યારે મહારાજે બ્રહ્મચારીને કહ્યું, ”લ્યો, આનું અથાણું કરાવજો. બ્રહ્મચારીજી જઈને આ ગાજર રસોડે આપો. દેવજી મહારાજ અહીં રહે તેટલા દિવસ નિત્યે તેને અમારા થાળની પ્રસાદી જમાડજો.” એ સાંભળી દેવજી ભગતે મનમાં વિચાર્યું કે, ”લ્યો મનમાં ખાવાનો જે સંકલ્પ હતો તે તો મહારાજે ટાળ્યો, નહિ તો આજ તો ભૂખ્યા પેટે રહેવું પડત.”

બ્રહ્મચારી ગાજર આપી આવ્યા અને બોલ્યા, ”મહારાજ થાળ તૈયાર થઈ ગયો છે. અહીં લાવું કે ?” શ્રીહરિ કહે

‘ના…! ઓસરીએ જ જમવા જશું..!’

તે સુણી બ્રહ્મચારીજી કહે ‘ભલે મહારાજ, તો તો હું આપને જમવા સારું પાથરણાં ઓસરીની કોરે પાથરીને જ આવ્યો છવ.” એટલે શ્રીજીમહારાજ મુકતાનંદ સ્વામી વગેરે સહું સંતો હારે વાતું પડતી મેલીને તરત ઊઠયા, નાહી ને પીતાંબર પહેરી ચાખડી પહેરીને ચટકંતી ચાલે બાજોઠે બિરાજ્યા ને જમવા બેઠા. તે વખતે બાઈઓ ઓરડાની જાળીએથી દર્શન કરતી, ઊભી જોઈ રહી.

ઓસરી માં બાજોઠે જમતા બેસતા શ્રીજીમહારાજે થાળ જોઈને હરખાતા હળવા શબ્દોથી કહ્યું, ”લ્યો ! અમારો સંકલ્પ તો વગર કહ્યે બાયુંએ હૈયામાં બેસીને પૂરો કર્યો. એક રીંગણાંનું શાક અને એકનો ઓળો જ બનાવ્યો. જીવુબા તો અમારો સંકલ્પ જાણી ગયા.” એમ કહી થાળ જમી પછી બાયુંને પ્રસાદી આપી. તે લઈ બ્રહ્મચારીજી લાડુંબાં-જીવુંબાં આદિ બાઇઓને આપવા સારું ગયા. આમ, એ દિવસે જીવુંબાં એ શ્રીહરિના રીંગણાનું શાક અને ઓળો જમવાનો સંકલ્પ જાણીને થાળ બનાવીને શ્રીહરિને રાજી કર્યા.

શ્રીજીમહારાજ થાળ જમીને જળ ગ્રહણ કરીને મુખવાસ લઇને રાજી થતા થકા ઊભા થઈને અક્ષર ઓરડીએ પોઢવા સારું પધાર્યા.

સદગુરું શ્રીનિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભકતચિંતામણીમાં પ્રકરણ ૧૧૨ની ૨૭ થી ૨૯મી પંક્તિમાં ગઢપુરના મુકતો ચિંતવતા લાડુંબાં-જીવુંબાં આદિ સાંખ્યયોગી બાઇઓને લખ્યા છે કે…

હવે સાંખ્યયોગી બાઈયો જેહ, જેને પ્રભુ સાથે છે સનેહ..!

અતિ ત્યાગી ને વળી અકામ, કહું તેનાં સાંભળજ્યો નામ..!!

મુખ્ય રાજબાઈની એ રીતિ, પ્રભુ વિના નહિ કિયાં પ્રીતિ..!

જીવુબાઈ જીવનાં ઉદાર, રાખ્યા પ્રભુ ન રાખ્યો સંસાર..!!

લાડુબાઈ પ્રભુજીને પ્યારાં, સુબુદ્ધિ સુલક્ષણે સારાં..!

મીણબાઈ જેવા મુનિરાજ, જેણે રાજી કર્યા મહારાજ..!!

– શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી…..