ઝીણાભાઇ હાથ જોડી બોલ્યા કે “અરર… મહારાજ ! આ સંસારીનુ સંકટ સમયનું ધાન તમારે ગળે તે શે ઊતરશે ?”

તિર્થધામ પંચાળાના ગામધણી મનુભા બાપુ (ગરાસિયા) ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અષાઢી સં. ૧૮૫૮ના નવરાત્રિ સમયે, રામાનંદ સ્વામી સાથે દરબાર પણ સાથે વિચરણ કરતા હતા. ભગવાન શ્રીહરિને પ્રથમવાર પંચાળા પોતાના દરબારગઢમાં પધરાવ્યા, તે વખતે તેમના પત્ની ગંગાબાને પણ શ્રીહરિનાં પ્રથમ વખત દર્શન થયાં. તેમના બે કુંવર ઝીણાભાઈ અને ગગાભાઈને શ્રીહરિનો પ્રથમવાર યોગ થયો હતો. તે પછી તો શ્રીહરિ આ ભક્તપરિવારનો પ્રેમ અને અતૂટ શ્રદ્ધાવાન ભાવ સ્વીકારી વખતો વખત પંચાળા પધારતા.

સંવત ૧૮૬૮ની સાલે શ્રીજીમહારાજ પંચાળા પધાર્યા, ત્યારે અચાનક અધીરાઈથી મહારાજે કહ્યું, “ગંગાબા ! અમને ખૂબ ભૂખ લાગી છે.” ગંગામાં બોલ્યા કે ‘અરે પ્રભુ ! થોડી વાર ખમો, હમણાં ઝટપટ રસોઈ કરી દઉં’ શ્રીહરિ અધિરાઇ કરતા બોલ્યા કે “ના બા ! અત્યારે જ જે કાંઈ તૈયાર પડયું હોય, તે આપો.” શ્રીહરિ માટે આમ તો કાયમ મૂળજી બ્રહ્મચારી જુદી જ રસોઈ કરતા, પણ આજે અંતર્યામીને કાંઈ લીલા કરવાની ચાનક ચડી હશે. ગંગાબાએ પરિવાર જમતા હતા, તે જુવારનો રોટલો અને વધેલી કઢી લાવીને આપી. શ્રીહરિ તો હોંશેથી જમવા લાગ્યા. ત્યાં ઝીણાભાઈ આવ્યા. તેમણે જોયું કે મહારાજ તો ખોરી જુવારનો રોટલો જમે છે. એટલે તુરંત બોલ્યા, “હં.. હં… મહારાજ ! તમારા માટે તો જમવાની જુદી વ્યવસ્થા કરાઇ છે.” એમ કહી તેમણે ગંગાબા તરફ જોઈને કહ્યું, “મા ! તમેય આવું ઉતાવળીયું પગલું કેમ ભર્યું ? મહારાજને તે કાંઈ આવો ખોરી જારનો રોટલો અપાય ?”

ગંગામાં કહે “અરે દીકરા ! મેં તો મહારાજને કહ્યું કે થોડીવારમાં રસોઈ કરી દઉં, પણ તેમણે ઉતાવળ કરી કે જે પડયું હોય તે આપો, અમને ખૂબ ભૂખ લાગી છે, એમ કહ્યું.

ઝીણાભાઇ હાથ જોડી બોલ્યા કે “અરર… મહારાજ ! આ સંસારીના સંકટ સમયનું ધાન તમારે ગળે તે શે ઊતરશે ?” એટલું બોલતાં અતિ પ્રેમી એવા ઝીણાભાઈની આંખે મોતીના દાણા જેવા આંસુના ટીપાં ખરવાં લાગ્યાં. હૈયેથી હળવો નિસાસો સરી પડયો.

જમતા જમતા શ્રીહરિ એ કહ્યું, “પહેલા એ કહો કે આવી ખોરી જુવાર તમારે ખાવાનો વખત કેમ આવ્યો ?” ત્યારે ગંગાબાએ રડતા અવાજે કહ્યું, “મહારાજ ! અમારા ભાગ્ય ફૂટયાં હશે ! જમીન ઘણી બધી છે, પણ તે વાવનારા આહિરો પહેલા વરસોવરસ બોલી થયા પ્રમાણે ભાગ આપતા, પરંતુ હમણાં બે’ક વરસથી તેઓ આડોડાઇ કરીને તેઓ ભાગ આપતા નથી ને બા’ના કાઢતા કહે છે કે, ઓણ સાલ તો મોલાતમાં રોગ આવ્યો તે કાંઈ પાકયું નહિ, કાં કહે બી વાવ્યું પણ ઊગ્યું જ નહિ…!” એ સાંભળી ભકતવત્સલ શ્રીહરિનું મન દુભાયું, તે થોડું જમીને ઊભા થઈ ગયા. જળપાન કર્યું અને કહ્યું, “તમે ફિકર ન કરશો. એ બધા આહિરોને હું સીધા કરીશ. તેઓ પ્રમાણિકપણે વર્તે એવું અમે કરીશું.” એમ કહી શ્રીજીમહારાજે નવલસંગ તથા શુકસ્વામીને બોલાવ્યા. તેઓ આવીને મહારાજને પગે લાગીને બેઠા એટલે મહારાજે કહ્યું, “શુકસ્વામી ! પોરબંદરમાં વિદેશથી બાકર સાહેબ આવેલ છે, તેના ઉપર અમારે કાગળ લખાવવો છે. કલમ અને કાગળ લ્યો અને અમે કહીએ એમ લખો.”

આમ વાત કરી મહારાજ શુકસ્વામી પાસે કાગળ લખાવવા માંડયા. પહેલા મહારાજે બાકર સાહેબની કેટલીક ઉપમાઓ લખાવી, ત્યારબાદ સમાજ કલ્યાણની કેટલીક ભલામણો લખી. સાથે સાથે પંચાળાના માથાભારે આહીરોની હકીકત પણ જણાવી. આમ કાગળ પૂરો કરી શુકસ્વામીએ મહારાજના હાથમાં દીધો. મહારાજે પત્ર વાંચીને પોતાના નામની સહી કરી.

મહારાજે તે પત્ર બીડીને નવલસંગજીને આપ્યો અને કહ્યું, “નવલસંગ ! તમે પોરબંદર જઇ આ કાગળ બાકર સાહેબને હાથોહાથ આપી આવો.”

નવલસંગજી તો તુંરત જ શ્રીહરિની આજ્ઞાએ પત્ર લઇને પોરબંદર ગયા. બાકર સાહેબે પત્ર વાંચી તાત્કાલિક અંગ્રેજોની સેના પંચાળા મોકલી. આહિરો આ ટોપાધારી પોલીસથી ડરીને પોતાનાં ખળાં મેલી આડાઅવળા ભાગી સંતાવા લાગ્યા. સૌને ડર લાગ્યો કે એ ટોપાવાળા અંગ્રેજો અમને ભડાકે દેશે. તે વખતે શ્રીહરિને ખળે આવતાં જોઈ સૌ આહીરો તેમની પાસે આવી, હાથ જોડી કરગરી બોલવા લાગ્યા, “અરે મહારાજ ! અમારા પર સંકટ આવ્યું છે, એ ટાળો. આ અંગ્રેજો અમારી મહેનતનું ધાન લઈ જાશે તો અમારા છોકરાં-પરિવારને બાર મહિના સુધી ભૂખ્યા ટળવળવું પડશે.” શ્રીહરિએ કહ્યું, “જેવું તમને દુઃખ સમજમાં આવ્યું છે, તેવું તમે જે દરબાર મનુભાં બાપુંની જમીન વાવો છો ને બોલે બંધાયા છો તેનો કાંઈ વિચાર કદિય ન સૂઝ્યો ? અત્યાર સુધી તમે અણહકનું ખાધું એટલે તેની સજા તો ભોગવવી પડે ને ?” સૌ આહિરો ઢીલા ઘેંશ જેવા થઈને નીચું જોઈ હળવેકથી ભૂલનું પ્રાયશ્ચિત કરતા બોલ્યા, “મહારાજ ! તમે જેમ કહો તેમ અમે કરીશું. અમારી ભૂલને માફ કરો.”

શ્રીહરિ બોલ્યા, “તમે ઝીણાભાઈનો જેટલા વરસનો ભાગ બાકી રાખ્યો છે, તે તેને આપી કોઠારમાં ભરી આપજો અને તેમની માફી માગજો. તમારા લીધે તેને ખોરી જાર ખાવાનો વારો આવ્યો છે, તોએ કદીએ તમને તેણે કાંઈ ખબર ન પડવા દીધી.” આહિરોએ શ્રીહરિના કહ્યા પ્રમાણે અન્ન ઝીણાભાઈને ત્યાં આપી, તેમની માફી માંગી. એ પછી સૌ શ્રીહરિના આશ્રિત થયા.

શ્રીહરિએ સૌને રાજીપાથી એ દિવસે શેલણ જમાડીને રાજી કર્યા. પછી ઝીણાભાઈને કહ્યું, “આવતા વરસે ભયંકર દુષ્કાળ પડશે, માટે અત્યારથી તમે ઢોર વેચી નાખજો.” શ્રી હરિએ કહેલ આગમ પ્રમાણે ઝીણાભાઈએ તેમના માતૃશ્રી ગંગાબાને વાત કરી. એ સાંભળી ગંગાબા બોલ્યા, “મહારાજે કહ્યું તેમ કરો, એમ કરવાથી આપણે સુખી થઈશું.” શ્રીહરિની આજ્ઞા માની ઝીણાભાઈએ પોતાના બધાં જ પશુ વેચી નાંખ્યા અને બીજે વરસ ભયંકર દુષ્કાળના ડાકલા વાગ્યા. શ્રીહરિ પણ જ્યારે સહું કાઠી-દરબારો સાથે પંચાળા પધાર્યા ત્યારે વગાડ કરીને એક મહીનો સુધી સહુંને એ ખોરી જારના રોટલા ખવરાવ્યા હતા.

આમ શ્રીહરિએ પોતાના પરમ ભકતની રક્ષા કરીને પોતાના આશ્રિતોનું દુઃખ ટાળ્યું.

ઝીણાભાઈની ઈચ્છાથી શ્રીહરિએ સંવત ૧૮૭૭ માં પંચાળામાં ફૂલદોલનો ઉત્સવ ઉજવી રાસોત્સવ કરેલો. તે વખતે સર્વે સંતો, ભક્તો, પાર્ષદો, સાંખ્યયોગી બહેનો તેમજ દેશદેશથી ઉત્સવ માણવા આવેલા ભક્તોને પોતાને ઘેર રોકીને ભોજન-ઉતારા વગેરેની વ્યવસ્થા ગંગાબા, અદીબા, ઝીણાભાઈના પત્નીએ સારી રીતે કરેલી અને શ્રીહરિને અતિ રાજી કર્યા.

– નારીરત્નો માંથી….