ગોંડલના નાગડકાં ગામના નાથુજી દરબાર જમપુરીમાં ગયા ત્યારે યમરાજાએ કહ્યું કે ‘તમે તો પ્રગટના દર્શન કર્યા છે, માટે તમારે અહીં જમપુરીમાં આવવાનું ન હોય, પણ આ દુઃખો જગતના પાપી જીવો ને સારું છે.

સૌરાષ્ટ્રમાં ગોંડલથી ૮ કિલોમીટર દૂર નાના મહીકા અને બિલિયાળા તરફ નાનું એવુ નાગડકા ગામ આવેલું છે. આ નાગડકા ગામમાં નાથુજી દરબાર પુર્વ જન્મના કોઇ અતિ મુમુક્ષું હતા. નાથુજી દરબારને નાગડકા નજીકના ગામોમાં સંતોના વિચરણે થયેલા ઘણા સત્સંગીઓ મળતા રહેતા, આમ એમના સહવાસમાં રહેતા થકા એમને સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી એવા ભકતરાજ નારણજીભાઈ સુતાર સાથે મિત્રતા હતી. નાથુજી દરબારને સત્સંગીઓ પ્રત્યે ઘણો સદ્ભાવ હતો, આમ પોતે મુમુક્ષું હોઇ દેશ, કાળ, ક્રીયા અને સંગે કરીને એમને પણ પ્રગટ શ્રીહરિની ઓળખાણ થઇ. તેઓ હરિભકતો સાથે બેસતા થકા અનેકવાર શ્રીહરિના મહીમાં ની વાતો સાંભળતા.

એક વખતે નાથુજી દરબાર પોતાના મિત્ર નારણજીભાઈ સુતાર સાથે ગઢપુર શ્રીજીમહારાજના દર્શન માટે જવા નીકળ્યા. ગઢડા તેમના ગામ નાગડકાથી લગભગ ૯૦ કિલોમીટર જેટલું દૂર હોવાથી રસ્તે જમવા માટે ઢેબરાં, ગોળ ને અથાણા વગેરેનું ભાતું લીધું, તે બપોરટાણે રસ્તામાં કોઇની વાડીએ બેઉ જમ્યા અને ફરીને ચાલ્યા. ગઢપુર ઘેલા કાંઠે બેઉ પહોંચ્યા ત્યારે તેમના ભાતામાં માત્ર એક થેપલું જમતા વધ્યું હતું, તે ઘેલાના નિર્મળ જળમાં સ્નાન કરીને ભાતામાં વધેલ એક થેપલું હતું તે બંનેએ અડધું અડધું કરીને ખાધું. બેઉ જમીને ચાલતા દાદાખાચરના દરબારમાં શ્રીહરિના દર્શને આવ્યા. શ્રીહરિ એ વખતે ઉગમણાબારની ઓસરીએ બેઠા થકા સૌને કથાવાર્તા કરતા હતા. બેઉએ શ્રીહરિના ભાવથી દર્શન કર્યા, શ્રીજીમહારાજે એમના કુશળ સમાચાર પુછ્યા અને મુળજીબ્રહ્મચારીને બોલાવીને કહ્યું કે ‘આ બેઉ ભક્તો ચાલીને દર્શને આવ્યા છે તો એમને લાડુંબાં-જીવુંબા પાસે લઇ જઇને જમાડો..! ‘ એટલે હરિભકત નારણજીભાઈએ કહ્યું કે ‘મહારાજ, અમે તો હમણાં જ ઘેલા કાંઠે જમ્યા છીએ, એટલે બવ ભૂખ નથી, નાહકની લાડુંબા-જીવુંબાં ને અમારા સારું જમવાની તકલીફ નથી કરવી.” શ્રીજીમહારાજે અંતર્યામીપણે જાણીને તુરંત કહ્યું કે ‘એક થેપલાંમાંથી અડધું અડધું કરીને બેઉ જમ્યા એ કાંઈ જમ્યા કહેવાય ?’ આમ શ્રીજીમહારાજનું અંતર્યામીપણું જાણી નાથુજી દરબારને ખુબ નવાઈ લાગી.

એ વખતે નાથુજી દરબાર અને એમના મિત્ર નારણજીભાઈ બંને ભક્તો ગઢડામાં પંદર-વિસ દિવસ સુધી રોકાયા, એકદિવસે નારણજીભાઈએ શ્રીજીમહારાજની ભાવે કરીને ચંદન-પુષ્પાદિકે કરીને મહીમાંથી પૂજા કરી, નારણજીભાઈએ નાથુજી દરબારને પણ પૂજા કરવા સાથે ઉભા કર્યા.

એ વખતે સત્સંગમાં પ્રથમ વખત આવેલા એવા નાથુજી દરબારને સંતોની અને સત્સંગની પવિત્ર રીત ખુબ ગમી, પરંતુ નાથુજી દરબારને કોઈ બીજા ગુરુની કંઠી હોવાથી બીજા ગુરુ મંત્ર કે કંઠી ન લઇ શકે, એવા એના ગુરુએ કહેલા આદેશથી નાથુજી દરબારે શ્રીસ્વામિનારાયણ ભગવાનના સંત્સગના વર્તમાન ન ધારણ કર્યા. પરંતુ ગઢડામાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા તેથી તેમના હૈયામાં ભગવાન શ્રીહરિની એ દિવ્ય મૂરત હૃદયમાં વસી ગઇ હતી.

થોડાદિવસ રોકાઇને ગઢપુરથી નાથુજી દરબાર ઘરે નાગડકાં ગામે આવ્યા,કેટલાક સમય પછી નાથુજી દરબાર બીમાર થયા, મૃત્યુ સમય નજીક આવવા જેવું થયું, તે દરમિયાન થોડા વખત માટે એમને મુર્છા જેવું થઇ ગયું. તે સમયે નાથુજી દરબારના જીવને યમરાજાના દૂતો જમપુરીમાં લઇ ગયા, ત્યાં જમપુરીના દુઃખો જોઈને નાથુજી દરબાર ખુબ ગભરાયા ત્યારે યમરાજાએ તેમને કહ્યું કે ‘તમે તો પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કર્યા છે, માટે તમારે અહીં જમપુરીમાં આવવાનું ન હોય, પણ આ જમપુરીના દુઃખો જગતના પાપી વિષયી જીવો ને સારું છે. તમને તો કેવળ દેખાડવા માટે જ તમને આંહી લાવ્યા છીએ, તમારે જો આ દુઃખોમાંથી છૂટવું હોય તો તમે તમારા દેહમાં પરત જાઓ અને જેના દર્શન કર્યા છે એવા શ્રીસ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઇને ભક્ત થાઓ.’ આમ જમપુરીના દુઃખો દેખાડીને નાથુજી દરબારને પાછા દેહમાં મોકલ્યા, સૌ કુટુંબીઓ નાથુજી દરબારને મૃત્યુ પામ્યા જાણીને સ્મશાને એમને અંતિમક્રીયા કરવા લઇ જવાની તૈયારી કરતા હતા. ત્યાં તો થોડીવારમાં દરબાર બેઠા થયા! આમ તેમને જીવતા થયેલા જોઈને સૌ કુટુંબી અને ગામજનો તો ઘણા નવાઈ પામ્યા, થોડા સમયમાં નથુજી દરબારની બીમારી દૂર થઇ ગઈ, સાજા થઈને તરત નારણજીભાઈને સાથે લઈને ફરીને નાથુજી દરબાર ગઢડા ગયા, શ્રીજીમહારાજના ચરણમાં માથું મૂકીને સત્સંગના વર્તમાન લીધા અને પરમભકત થયા ને પોતાનું બાકી આયુષ્ય ભોગવીને અક્ષરધામના અધિકારી થયા.

– શ્રીહરિચરિત્રચિંતામણિ ભાગ ૧ વાત ૨૮૬

આજે પણ પરમભકત નાથુજી દરબારના વંશજો ગામ નાગડકામાં વસે છે અને પુરાયે પરિવાર માં સારો સત્સંગ છે.

સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભક્તચિંતામણી ના પ્રકરણ ૧૧૬ની કડી ૯માં આ નાગડકા ગામના દરબાર નાથુજી ને ચિંતવતા લખ્યું છે કે….

નાથુજી ઉદોજી જેઠીભાઇ, રૂડા ભકત કહીએ ક્ષત્રીમાંઇ..!

ભકત હરજી જીણો કૂંભાર, વિપ્ર ગણેશ લાલો ઉદાર..!

એહ આદિ જે જન કેવાય, વસે ગામ નાગડકામાંય..!

– શ્રીભકતચિંતામણિના મુકતોના ચિંતનમાંથી…