ઓઢાના સમઢિયાળાના વીરા શેલડીયા કહે કે, “સોળ હજાર એકસો ને આઠ લઈ જાય ત્યાં સુધી તો શ્રીકૃષ્ણ ભગવાન જેવા કહેવાય અને તેથી વધારે લઈ જાય તો તેની મોટ્યપ જાણીશ !”

ખાંભા તાલુકાના ગામ ઓઢાના સમઢિયાળામાં વીરાભાઇ શેલડીયા નામે એક કણબી શૂરવીર હરિભક્ત હતા. સદગુરુ રાઘવાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી અને ગુરુદેવ ગુણાતિતાનંદ સ્વામી વગેરેના યોગથી સત્સંગી થયેલા આ પુર્વ જન્મના મુમુક્ષું એવા સમઢિયાળાના વીરાભગત શેલડીયાની દ્રઢ નિષ્ઠા, પ્રગટ પ્રભુંની પ્રાપ્તિ નો મહીમાં અને સત્સંગ મળ્યાની ખુમારી અજોડ હતી. તે ગઢપુર મહારાજને દર્શને આવીને વર્તમાન ધારીને ઘેર ગયા. પછી થોડાક દિવસ થયા કેડે તેનાં ઘરનાં ખોરડાં બળી ગયાં, એ વખતે પોતે સીમમાં ખેતીનું કામ કરવા ગયા હતા. સાંજે જયારે ઘેર આવ્યા, ત્યારે ગામને ચોરે સહુ ગામના ગલઢેરા બેઠા હતા. તે કહેવા લાગ્યા જે, “વીરા ! તારે તો સત્સંગ ફળીભૂત થયો જે, તારાં રહેઠાણના ઘર-ખોરડાં બળી ગયાં.” તે સાંભળીને વીરો પટેલ કહે કે, “અમારાં પંડ્યનાં પાપ તો સ્વામિનારાયણે મુકાવ્યાં હતાં પણ અમારા અમે પુર્વે ઘરમાં જે અણહકકનું ભેળું કર્યું હતું તે જો ખાત, તો તે પાછાં પાપ અમને વળગત. હવે સીમમાં જે મોલ ઊભા છે એનો નવો કાટમાળ લાવીને ખોરડાં નવાં ચણાવશું અને નવા દાણા ઘરમાં ભરશું. તે ભગવાન સ્વામિનારાયણે અમારાં પાપ તો મુકાવ્યાં પણ અમારાં ખોરડાનાં પણ પાપ મુકાવ્યાં. માટે સ્વામિનારાયણ તો ભગવાન છે.” ત્યારે ચોરે બેઠેલ ડાયરામાંથી ગલઢેરાઓ કહે કે ‘આ વીરો, તો ખરેખરો સ્વામિનારાયણ નો ભગત છે, એને એનો પુરેપુરો ભરોહોં છે.’

એકવખતે વીરો પટેલ સીમમાંથી ઘેર આવતા હતા અને સૌ ડાયરો ચોરે બેઠા હતા. એ ટાણે સહું ચોરે બેઠેલાઓ એ વીરાભગતની મશ્કરી કરી જે, “વીરાભગત ! આજ એક ગઢવી ગઢડેથી આવ્યો છે. તે સમાચાર લાવ્યો છ કે, સ્વામિનારાયણ તો ત્રણ બાઈડીઓ લઈને ભાગી ગયા છે.” ત્યારે વીરો પટેલ કહે જે, “ત્રણ જ ?” ત્યારે તે કહે કે, “કેટલીક લઈ જાય ?” ત્યારે વીરો પટેલ કહે કે, “સોળ હજાર એકસો ને આઠ લઈ જાય ત્યાં સુધી તો શ્રીકૃષ્ણ ભગવાન જેવા કહેવાય અને તેથી વધારે લઈ જાય તો તેની મોટ્યપ જાણીશ !” તે સાંભળી કાઠી બોલ્યા જે, “વોય માળો વીરો કોઈ વાત સાચી માનતો નથી.” વીરો પટેલ કહે, “સાચી હોય તો માનું ને ?” આમ, વિરાભગત ને શ્રીહરિ ના સ્વરુપનો ખરેખરો નિશ્ચય અને પુરુષોત્તમપણામાં પરિપુર્ણ નિશ્ચય હતો.

એક વખત તો ગામમાં(સમઢિયાળામાં) એક બાવો આવ્યો હતો અને ગામને ચોરે ઊંચા પગ બાંધીને ઊંધે માથે તપ કરતો હતો. તેને જોવા સારું ગામનાં સૌ લોક ભેળાં થયાં હતાં. તે સમે વીરોભગત ક્યાંઈકથી ત્યાં આવી ચડ્યા. ત્યારે સૌએ કહ્યું જે, “વીરાભગત ! આ બાવાને તમે કેવો મોટો જાણો છો ?” વીરાભગત કહે, “ભાઈ ! બહુ મોટા.” ડાયરો બોલ્યા જે, “ના, તમે જેવું જાણતા હો તેવું કહો.” વીરાભગત કહે કે, “આ હેઠલો માળ છે તે હેઠે રાખ્યા જેવો છે અને ઊંધે માથે થયો એટલે હેઠલો માળ ગળે આવ્યો, એવો મોટો.” એટલે પૂંઠ ને ગળું બેય સરખાં થયાં. એવું કહીને પોતે ચાલ્યા ગયા પણ એ બાવા પાહે માથું નમાવ્યું નહીં.

સંવત ઓગણોતેરાના કાળમાં સમઢીયાળાના વિરાભાઇ શેલડીયા, બારપટોળીના કાળુંભાઇ વાવડીયા અને પીઠવાજાળના ખીમા ડોબરીયા એ ત્રણેયે ગઢપુર આવીને શ્રીહરિ પાસેથી દુષ્કાળમાં ગુજારો કરવા વીસ સંતોના મંડળ ને પોતાને ગામ તેડી જાવા કહ્યું, શ્રીજી મહારાજ કહે કે દૂષ્કાળ નું વરહ છે, તમારે ઘરસંસારનો વરો અને દૂષ્કાળ વર્તવા દાણા જોઇએ એટલે સદગુરુ કૃપાનંદ સ્વામી, ગુણાતિતાનંદ સ્વામી વગેરે દસ-બાર સંતોના મંડળને મોકલીએ છીએ’. આમ, એ ભયંકર દૂષ્કાળ ના વરહમાં ચાર-ચાર મહીના આ ત્રણેય ભકતો એ વારાફરતી સંતોને પોતાને ઘેર રાખીને સંતસમાગમ કર્યો હતો.

સદગુરુ શ્રીનિષ્કુળાનંદ સ્વામીએ શ્રી ભકતચિંતામણીના પ્રકરણ ૧૧૪ની ૩૯મી કડીમાં ભકતરાજ શ્રી વિરાભાઇ શેલડીયાને ચિંતવતા લખ્યા છે કે…

વીરો નારણ કણબી કહીએ, ભકત સારા સમઢીયાળે લહીએ…!

શેઠ દ્રારકો આંબો વિઠ્ઠલ, વસે ઝિંઝૂડે જન અવલ..!!

-શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી…..