વડતાલમાં એક બાઈએ કહ્યું જે, “મહારાજ ! હું ત્યાં બેસી રહી ત્યાં તો ફૂતરો થાળ ખાઈ ગયો.” મહારાજ હસતા હસતા કહે, “ચાલો, જે એ થાળ ખાય ગયા છે એ કૂતરાને તો હું ઓળખું.”

એકવખતે દંઢાવ્ય દેશના રાજપુત પરમભકત ડુંગરજીભાઇ શ્રીહરિને દર્શને માનકુવા પધાર્યા. એ સમયે સુતાર નાથાભાઇને ઘેર શ્રીજીમહારાજ જમવા બેઠા હતા. એ વખતમાં શ્રીહરિ ભોજનમાં દરરોજ અર્ધાશેર મરચાંનો ગોળો કરીને જમતા હતા, આ વખતે ડુંગરજીભાઇ આવ્યા તે દંડવત્‌ પ્રણામ કરીને બારણાની સાખ પકડીને ઊભા રહ્યા. પછી શ્રીજીમહારાજે કુશળ સમાચાર પૂછ્યા ને કહ્યું. ‘આ પ્રસાદ જમશો ?’ એમ કહીને થોડોક બાજરાનો રોટલો ને એક ગ્રાસ જેટલો મરચાંનો લાડુ આપ્યો. તે ડુંગરજીભાઇએ પ્રેમે કરીને લીધો. પ્રથમ તો ડુંગરજીભાઇએ મહીમાં જાણી ને મરચાંનો ગ્રાસ ભર્યો. તેથી અતિશય તીખું લાગતા મોઢું બળ્યું તેણે કરીને પોતાના દેહની શુધ્ધિ રહી નહી. શ્રીજી મહારાજે પોતાને હાથેથી ગાયનું તાજું ઘી એમને જમાડ્યું. તેણે કરીને શાંતિ વળી. પછી ફરી વાર શ્રીજીમહારાજે જમવા બેસાડ્યા ને દાળને રોટલો પ્રસાદી તરીકે પોતાને હાથે જમવા આપ્યો. એટલે જમતાં જમતાં સબડકો બોલ્યો. ત્યારે શ્રીહરિએ કહ્યું, ‘સબડકો બોલાવ્યા વિના એમને એમ જમો. ત્યારે ડુંગરજીભકતે કહ્યું, ‘હે મહારાજ ! એમ સબડકો બોલ્યા વિના તો ગળે ઉતરતું નથી.’ એ વખતે શ્રીજીમહારાજે કહ્યું, ‘સબડકો લેવો એ પણ એક સ્વાદ છે.’ પછી ડુંગરજીભાઇ જમીને ઊઠ્યા તે કેડે શ્રીહરિએ પોતાની થાળીમાંથી નારાયણજી સુતારને પણ પ્રસાદ આપ્યો. આમ, દુર દેશથી દર્શને આવેલા ડુંગરજીભકત ની પોતે બરદાસ્ત જાળવીને જમાડ્યા.

એકસમયે શ્રીજીમહારાજ વડતાલમાં સભા કરીને વિરાજમાન હતા અને એક બાઈએ પોતાને ઘેર મહારાજ માટે થાળ કર્યો હતો. તે ઢાંકીને શ્રીજીમહારાજને બોલાવવા આવી. તે વખતે મૂળજી બ્રહ્મચારીએ કહ્યું જે, “બોલ મા બોલ માં ! શ્રીજીમહારાજ હજી સૌને વાતું કરે છે.” તે સાંભળીને બાઈ ડોસીઓની સભામાં બેસી ગઈ. તે વાતની ડુંગરજીભગતને ખબર પડી જે, “ડોસી મહારાજ સારુ થાળ કરીને આવી છે માટે તેને હું જમી આવું.’ પછી ડુંગરજીભગત તો તુરંત જ ત્યાં જઈને થાળ જમી આવ્યા અને પાછા મહારાજ પાસે આવીને છાનામાંના ઊભા રહ્યા. પછી બ્રહ્મચારી બોલ્યા, “મહારાજ ! પેલી ડોસી ક્યારની થાળ લાવીને આંહી તમારી વાટ જોઇને બેઠી છે.” મહારાજ કહે, “ચાલો ડોસી ! થાળ જમવા આવીએ.” પછી ડોસી એકદમ ઉતાવળી ઉતાવળી ગઈ અને જઈને જુએ ત્યાં તો વાસણમાં કાંઈ ન મળે. પછી ઘરની ખડકીએ આવીને બાઈએ મહારાજને કહ્યું જે, “મહારાજ ! હું ત્યાં બેસી રહી ત્યાં તો ફૂતરો થાળ ખાઈ ગયો.” મહારાજ હસતા હસતા કહે, “ચાલો, જે એ થાળ ખાય ગયા એવા કૂતરાને તો હું ઓળખું.”

પછી શ્રીજીમહારાજે સામું જોયું અને બોલ્યા જે, “હે ડુંગરજી ! આ તે બે પગા ફૂતરાએ ખાધું હશે કે ચાર પગા ફૂતરાએ ખાધું હશે ?” ડુંગરજી કહે, “મહારાજ ! મને શી ખબર ?” મહારાજ કહે, “હમણાં તું ખાઈને આવ્યો અને મને શી ખબર એમ કેમ કહે છે ?” ડુંગરજી કહે, “મહારાજ ! મારા પેટમાં તો ભૂખે ગલુડિયાં બોલતાં હતાં અને તમારે માટે તો હમણાં ડોસી થાળ કરશે પણ મારે માટે કોણ કરત ?” પછી ડોસીએ ફરીને બીજો થાળ કરીને મહારાજને જમાડ્યા.

એક વખત શ્રીજીમહારાજ સભામાં વિરાજમાન હતા અને કોઈ સત્સંગી બાઈ નાળિયેરનો મોટો ગોટો લાવી. પછી સભાથી છેટે ઊભી રહીને બોલી જે, “ભગત ! આ નાળિયેર મહારાજ પાસે મેલો.” પછી ડુંગરજીભગત નાળિયેર લેવા ગયા, તે અરધો ગોટો ભાંગીને પોતાની કેડમાં ખોસ્યો અને અરધો ગોટો મહારાજ પાસે મેલ્યો. તે જોઈ બાઈ બોલી જે, “એ ભાઈ ! એને કહો કે બધો ગોટો નાળિયેર મહારાજ પાસે મેલે અને તમારે જોતું હશે તો હું બીજું લાવી દઈશ.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ડુંગરજી ! ઓલી ડોસી શું કહે છે ?” ડુંગરજી કહે, “મહારાજ ! હું તો સારો તે એટલો અરધો ગોટો મેલ્યો નીકર દેવને તો ત્રણ શેષું જોઈએ. ” એમ કહીને શ્રીજીમહારાજને ઘણા રાજી કર્યા. પછી ઊભા-ઊભા જ ત્યાં એ નાળીયેરની પ્રસાદી જમી ગયા.

આમ, ડુંગરજીભગત ને અવારનવાર પોતાના થાળની પ્રસાદી આપીને શ્રીહરિ જમાડતા.

– શ્રીપુરુષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય-૬ અને સદગુરૂ અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી…