દેવળીયાવાળા મુકતરાજશ્રી જાલમસિંહના માતુશ્રી કેશાબાને સત્સંગ થયો

દેવળીયાવાળા મુકતરાજ દરબારશ્રી જાલમસિંહના માતુશ્રી કેશાબાને સત્સંગ થયો, એ પછી પ્રથમ તે શ્રીજીમહારાજનાં દર્શન કરવા ગઢડા આવ્યા.
પોતાના રાજઘરાનાના સુખ, દેહના સ્વરૂપ, ધનનો ઘમંડ, સત્તાનો કેફ. એવા વખતે શ્રીજીમહારાજને દીઠા, એ વખતે દાદાખાચરના દરબારગઢમાં ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર શ્રીજીમહારાજ બેઠા છે. આગળ સદગુરુ મુકતાનંદ સ્વામી, પરમચૈતન્યાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે મોટા મોટા સભા થઈ હતી. એ સમયે શ્રીજીમહારાજ પાસે લુણીની ભાજીનો કરંડિયો ભર્યો પડયો હતો. તેમાંથી શ્રીહરિ પુંણી લઈને મોંઢેથી તોડી તોડી ને લૂણીના પૂમડાં જમતા હતા. આવી ચેષ્ટા જોઈ કેશબા બહેનોની સભામાંથી ઊભા થતા બોલ્યા, ”અરે ! આ તે કાંઈ ભગવાન હોય ! એ આને તો મનમાં આટલા બધા બેઠેલા લોકની જરાએ શરમ કે સંકોચ નથી. અને એ ભાજી ખાવાની રીતભાત અવળી છે. કોઈ સાદો મનુષ હોય એ હોતન એને વીણીને સુધારી ખાય, ને આ તો ઢોર-બકરા જેમ હાથમાં આખી ઝૂડી લઈ, દાંતે દાંતે મુખે મેલીને તોડીને ખાય છે. આને કોણ ભગવાન જાણે ? એ તો મુરખ-ગાંડા જ ગણાય. દેવળીયાથી આયા આવીને આંહી આપણે ખોટો ધક્કો ખાધો.” – એમ કેશાબાના મનમાં વિચારો અફળાઈને કિનારે ચડ્યા ને બેચેન થઈને ઊભા થઈ ઉતારે ચાલવા તૈયાર થયા.
શ્રીજીમહારાજે તે વખતે બ્રહ્મચારીને પૂછયું, ”બ્રહ્મચારીજી, આ બાઈ કેમ ઊઠીને ચાલ્યા ? જરાક તપાસ કરો !”
એટલે મુળજી બ્રહ્મચારીએ હડી કાઢી કેશાબા પાસે આવી પૂછયું, ”કાં, બાં ? કેમ ઊઠીને ચાલ્યા આવ્યા ? શું કાંઈ તકલીફ પડી કે કામ સાંભર્યું એમ શ્રીજીમહારાજ પૂછાવે છે !”
કેશાબાં છણકો કરતાં બોલ્યા જે “અરે ! તને અને તારા મહારાજને જોયા હવે, મલકમાં આને ભગવાન કહેવાય છે, એ સાંભળી દર્શને આવી હતી. પણ અહીં જોયું તો તમે બધા ગાંડાઓ છો. આવા ગાંડા તે કાંઈ ભગવાન થોડા હોય ? જેને આ લોકની રીતભાત, ખાવું-પીવુંય આવડતું નથી !”
મુળજી બ્રહ્મચારીજી હસતા હસતા કહે “બા ! ઈ તમારી નજરની ભ્રમણા ભાંગો, તમે અંતર વીંછળી બરાબર જુઓ તો એની ઓળખ થાશે. તમે નાહકના ઉતાવળ ન કરો. પાછા ફરો, ધીરજથી તપાસો તો ખરા ? આવ્યા છો જે આશા, શ્રદ્ધાએ તો એમ રઘવાયા થયે કંઈ તેની ઓળખ ન થાય !” એમ આગ્રહ કરી કેશાબાને અને જાલમસિંહને બ્રહ્મચારીએ સમજાવી પાછા સભામાં બેસાડયા.

થોડીવારે મહારાજ ઉતારાની ઓસરીએ ઊભા રહી સૌને દર્શન દેતા હતા. તે વખતે કેશાબા પણ તેને જોઈ રહ્યા. શ્રીજીમહારાજ ઉત્તરાદા ઓરડાના બારણા પાસે ઊભતા એક તકિયો હાથમાં લઈ રમાડતા. તેને થોડીવાર ઊંચો-નીચો કરીને ઉછાળીને લીંબતરૂની હેઠે ઓટા ઉપર ઢોલિયે પોતાનાં આસને તકીયાને આઘેથી ઘા કર્યો, ને એ તકીયો ઓશીકાંની કોર્ય જેમ સરખો ગોઠવવો પડે તેમ ગોઠવાઈ ગયો.
ત્યારે કેશાબાના હૈયામાં વીજળીનો ચમકારો થયો. માળું ! આ ઉખત્ય કે’વાય ! નક્કી આ કાંઈ દેવતા છે ! આપણે જ અધીરાઈથી ઓળખ્યા નહીં. એ પછી તે બીજી બાયું ભેળા જઈ બેઠા અને મહારાજ સામે નજર બાંધી જોઈ રહ્યા. ત્યાં તો મહારાજની મૂર્તિ સોળ વરસની અતિ પ્રકાશવાન અને જરિયાન વસ્ત્રોથી શોભતી રમણીય-દિવ્ય-તેજયુક્ત નજરે થઈ. એ દર્શન થતાં તે આનંદમાં આવી ગયા. એ દિવ્યતાથી તેનું મન સાવ શ્રીજીમહારાજના પ્રભાવમાં ઓગળી ગયું. આમ મહા દિવ્યતાના દર્શન થતાં તેને રોમેરોમે આનંદનો ઉભરો ચડયો અને અંતરમાંનો તમામ સંશય ટળી ગયો અને બોલ્યા, “બેટા જાલમસિંહ ! આ જન્મારામાં હવે બીજે ક્યાંય વખત બગાડવા જેવું છે નહીં. જો તો ખરો ! આ ભગવાનનાં સાક્ષાત્ દર્શન થતાં બધી જ ભ્રમણા ભાંગી, જે ઐશ્વર્ય આ મૂર્તિમાં છે. એની અવનવી લીલા તો અપરંપાર છે. આપણાથી ઝટ એ ઓળખાતી નથી. માટે હાલ મને હવે એની પાસે લઈ જા ને વર્તમાન ધરાવ્ય.”

એ પછી મા-દીકરાએ મહારાજ પાસે વર્તમાન ધરાવ્યા ને કેશાબા પાંચ દિવસ સુધી ગઢપુર રોકાયા, શ્રીજીમહારાજની વાતું સાંભળી. તે વખતે મૂળજી બ્રહ્મચારી બોલ્યા, ”બા ! લ્યો જુવો, એમ કાંઈ ઉતાવળે આંબા થોડા પાકે ? ઈ કીધું છે તે કાંઈ ખોટું નથી કીધું ને ? આજ ખેતરે બીજ વાવ્યા ને કાલે લણવાની ઇચ્છા થાય એ કાંઈ બને ખરું ?”
કેશાબા એ સાંભળી થોડું હસ્યા ને બોલ્યા, ”ખરું કહ્યું હોં બ્રહ્મચારી ! મારી ભૂલ મને હવે સમજાણી.”

  • સત્સંગ સાગર ના મોતીમાંથી…