દ્રવિડ દેશના વિપ્ર મગ્નિરામને પ્રગટ ભગવાન મળે એવી તિવ્ર આકાંક્ષા હતી એટલે યુવાનવયે તીર્થોમાં ફરતો બંગાળ દેશમાં આવ્યો. ત્યાં સાંભળ્યું કે અહી પીપા મહારાજ હતા તેમના ઉપર શારદાદેવી પ્રસન્ન હતી, આથી થયું કે, ”મને પણ શારદાદેવી સિદ્ધ કરાવે એવો કોઈ મળે !” એવી શોધ કરતાં એક ભૂદેવ મળ્યા, તેના શિષ્ય થઇ માં શારદાદેવીની ઉપાસના શરૂ કરી. થોડાક વર્ષોમાં શારદાદેવીનો સાક્ષાત્કાર થયો. ત્યાંથી હવે મને પ્રગટ ભગવાન મળશે એવી આકાંક્ષાથી ત્યાંથી વિદાય થવાનું વિચાર્યું. પોતાના વિપ્રગુરૂની પાસે રજા માગતા કહ્યું કે, હવે હું જાઉં છું. મને રજા આપો.” ગુરૂએ કહ્યું કે, ”જો બેટા, તું દ્રવિડ દેશનો છે, હું પણ દ્રવિડ દેશનો બ્રાહ્મણ છું. મારે આ યુવાન કન્યા છે, મારી દીકરીનો હાથ ગ્રહણ કરી લે ને, તું અહીંયા જ રોકાઈ જા. તારા સર્વે કાર્યો સિદ્ધ થશે.” ત્યારે પેલા યુવાન મગ્નિરામે એમ કહ્યું કે, ”ગુરૂ મહારાજ ! શું કહો છો ? ગુરૂપુત્રી એ તો મારી ભગિની કહેવાય, મને ક્ષમા કરો.” આટલું કહીને સડસડાટ ત્યાંથી નીકળી ગયો.

મગ્નિરામ ફરતો ફરતો જગન્નાથપુરી આવ્યો. જગન્નાથપુરીમાં હજારો વૈરાગી બાવાઓ તાંત્રિક ને અતિ મલિન દેવી-દેવતાના ઉપાસકો હતા. એમની હાંક-ડાંક, ખરાબ કરતૂતો ને કુસંગનો પાશ મગ્નિરામને પણ લાગ્યો. તે માનવા લાગ્યો કે, ”આ બધા આવું કરી શકે તો હું તેમનાથી ક્યાં કમ છું ?” આમ, મલિન સાધનાઓનો પ્રારંભ કર્યો અને સિદ્ધિઓ હાંસલ કરી. થોડા જ સમયમાં જગન્નાથપુરી પંથકમાં ‘દેવીવાળા મગ્નિરામ’ તરીકે ચારે બાજુ તેની હાંક-ડાંક વાગવા માંડી. રાજા-મહારાજાઓની પણ મગ્નિરામથી ફેં ફાટે ને પોતે પાંચસો નાગાબાવાઓની જમાત સાથે હાથી, ઘોડા, ઊંટની સવારીઓ કાઢે. નોબતની ગડગડાટીઓ સાથે મગ્નિરામની સવારી નીકળે. મગ્નિરામ રાજા-મહારાજાઓના નજરાણામાં મોં-માંગ્યા પૈસા લેતો લેતો કાશી પહોંચ્યો. પોતાની સિદ્ધિના બળે અનેક મઠાધિપતિઓને નમાવ્યા. ત્યાંથી ફરતો-ફરતો દ્વારિકા થઇને પોરબંદર પહોંચ્યો. ત્યાં ગોસાંઈજીના મઠમાં વૈભવ જોઈને મગ્નિરામે એમ કહ્યું કે, ”મને રોકડા ૧૦,૦૦૦ રૂપિયા આપો.” આનાકાની કરી ત્યારે મગ્નિરામના શિષ્યો તેના ઉપર તૂટી પડયા, ઢોર માર માર્યો અને બેશુદ્ધ કરી દીધા. ભાનમાં આવ્યા પછી ગોસાંઈજી એટલું બોલ્યા કે, ”ભલા માણસ ! મારા જેવા દેડકાને ડાંભ્યે તને શું પ્રતિષ્ઠા મળશે? તારામાં બહુ તાકાત હોય તો જા માંગરોળમાં. ત્યાં ‘સહજાનંદ સ્વામી’ નામે જીવનમુક્તા છે. એની આગળ તારું બળ બતાવ તો તું ખરો ને તારું સામર્થ્ય સાચું.” આ સાંભળી મગ્નિરામને રોમ રોમ આગ લાગી ગઈ. ”આ દુનિયામાં એવો કોણ છે કે જે મને આટલો પડકાર કરે ?” એ તો સીધો માંગરોળના રસ્તે આવ્યો.

તે વખતે માંગરોળમાં નવાબ વજરૂંદ્દિન નું રાજ હતું. એમને કહેણ મોકલ્યું કે, ”મને પાંચ હજાર રૂપિયા રોકડા દિયો..!”

શ્રીહરિને ખુદા માનતા નવાબ વજ્રુદ્દીને એમ કહ્યું કે, ”પાંચ નહિ તને દસ હજાર રૂપિયા આપું, પણ અત્યારે સ્વામિનારાયણ જીવનમુક્તા છે, એને જીતી બતાવ તો તને પાંચના દસ હજાર આપું.” મગ્નિરામ પોતાની વૈરાગીઓની ફોજ સાથે શ્રીજી મહારાજ પરમહંસોની સભા સજીને બેઠા છે ત્યાં આવ્યો. આવીને શ્રીહરિને પડકાર કર્યો કે, ”જીવનમુક્તા, મારે ચરણે અત્યારે જ દસ હજાર અર્પણ કરો. નહીંતર મારણમંત્રનો પ્રયોગ કરી એક-એકને ખતમ કરી નાખીશ.”

શ્રીજી હસતા હસતા કહે, ”બાબાજી, અમે તો સાધુ છીએ. અમારી પાસે સંપત્તિ નથી. હા, તમારે ભોજન કરવું હોય તો માગો, પેટ ભરીને ભોજન કરાવીએ.” મગ્નિરામ ઉશ્કેરાઇને કહે “મારે ભોજનની જરૂર નથી. મારે ચરણે દસ હજાર રૂપિયા ધરો.” શ્રીહરિ કહે “એ અમારાથી થઈ શકે તેમ નથી. જમવું હોય તો તમે જમી લો.” નકારમાં જવાબ મળતાં, મગ્નિરામે બળનો પ્રયોગ કરવા વિચાર્યું, પરંતુ એ મહાપ્રભું સામે હિંમત ન ચાલી, એટલે મારણમંત્રનો પ્રયોગ કરવા માંડયો. પણ તમામ શક્તિઓ શિથિલ થવા લાગી. અંદરથી વિશીર્ણ ને બહારથી ખિન્ન થઈ ગયો. જતાં જતાં કહ્યું કે, ‘’જીવનમુક્તા, કાલ સવારે હું પાછો આવીશ. દસ હજાર રૂપિયા રોકડા તૈયાર રાખજો. નહીંતર જે દશા થશે તે જોયા જેવી નહિ હોય.” ત્યાંથી પાછો ચાલ્યોને પોતાને ઉતારે આવ્યો. રાત ભાંગી એટલે સ્નાન કર્યું ને આસન બિછાવ્યું. કુંભ સ્થાપન કરી, માં શારદાનું આહવાન કરવા માંડયું. મંત્રો ઉપર મંત્રો જપવાના શરૂ કર્યાં, રાત ભાંગતી જાય છે. માં શારદા હોંકારો આપતી નથી. બ્રાહ્મમુહૂર્ત થયું ત્યારે એકદમ માં શારદા પ્રગટ થયાં. દર્શન થતાંની સાથે જ મગ્નિરામ પગ પકડીને રડી પડયો. “હે માં, મહાસાગરોને ઓળંગનાર મગ્નિરામ આજે એક ગાયના પગલાંના ખાબોચિયામાં ડૂબી જાય છે. અહીંયા સ્વામિનારાયણ નામના જીવનમુક્તા છે. એની આગળ હું પરાજિત થાઉં તો તને લાંછન લાગે. તું મને હોંકારો કેમ નથી દેતી ?” આમ, જેટલી ફરિયાદ મગ્નિરામને કરવી હતી તેટલી કરી. માંત્ શારદા મંદ મંદ હસતા કહ્યું કે, ”મગ્નિરામ, થોડો વિચાર કર. બેટા, તે ઘર શા માટે છોડયું હતું ? કેવળ ભગવત્ પ્રાપ્તિ માટે દ્રવિડ દેશ છોડી બંગાળ આવ્યો, ભગવત્ પ્રાપ્તિ સાધ્ય થયા પછી, તું કુસંગને સંગે ચડી ગયો, ખરું?” એટલું સુણતાં જ મગ્નિરામને પશ્ચાત્તાપની સ્ફુરણા થઈ ને આંખમાં આંસુની ધારા વહી. તેણે કહ્યું, ”મા, હું ભૂલો પડયો છું. મેં અનંત પાપ કર્યાં છે. મા, હું ક્યાં હતો ને કુસંગે કરીને ક્યાં પહોંચ્યો છું. મા મને બચાવ, મને કોઈ રસ્તો બતાવ કે જેથી હવે મારો મોક્ષ થાય.” શારદા દેવી કહે “જો સાંભળ બેટા, તારે ભગવત્પ્રાપ્તિ કરવી હોય તો તે સહજાનંદ સ્વામી જ સાક્ષાત્ પરબ્રહ્મ પુરુષોત્તમ છે. જા તેને ચરણે જઈને નિવાસ કર.”

મગ્નિરામ સવાર પડતાં જ મહારાજ પાસે આવ્યો. શ્રીજી મહારાજ સભા સજી બેઠાં’તા ત્યાં આવીને દંડવત્ પ્રણામ કરવા લાગ્યો. મગ્નિરામે રડતાં રડતાં શ્રીજીમહારાજના પગ પકડયાં, ત્યારે મહારાજે એમ કહ્યું, ”બોલો બાવાજી, અબ ક્યા ઇચ્છા હૈ ?” મગ્નિરામથી બોલી શકાયુ નહી ને ગળે ડૂમો આવી ગયો. સ્વસ્થ થઇને ને બોલ્યો કે ‘મહારાજ, મારા અપરાધ ને ક્ષમા કરો. મને હવે કાયમ માટે આપને ચરણે રાખી લ્યો.”

શ્રીજીમહારાજે કહ્યું, ”જુઓ મગ્નિરામ, તમે તો મહાઅભિમાની છો અને અમારું સંતમંડળ અતિ નિર્માની છે. તમારો અહંકાર જાય, તો અમે તમને રાખી શકીએ. જો તમે આ તમારી જટા ઊતરાવી નાખો અને આ સંતો અને હરિભક્તો આવે છે ત્યારે રસ્તામાં પાથરી દો તો…”

મૂછ વાલી ભૂપાળને જેવી જટ્ટા સિદ્ધ ને તો પ્રિય એવી..!

એમ જાણી મુખે બોલ્યા માવો તમે શિરની જટા ઉતરવો…!!

સામાન્યતઃ જોગીઓની જટાનું અપમાન ન થઈ શકે અને ક્ષત્રિયોને મૂછનું અપમાન ન થઈ શકે એવું કહેવાય છે. શ્રીજી મહારાજે જટા ઊતારવાનું કહ્યું એ જ ક્ષણે મગ્નિરામે જટા ઊતરાવી નાખી, રસ્તામાં ફેંકાવી દીધી. હરિભક્તોના પગની નીચે કચરાવી સ્નાન કરી મહારાજની પાસે આવી પ્રણામ કર્યા. શ્રીજીમહારાજે કહ્યું કે, ”તમે અનંત પાપ કર્યાં છે. તેનું પ્રાયશ્ચિત કરવું પડશે. જો તમારે સાધુ થઈને રહેવું હોય તો અહંકાર છોડીને આ જે બધા સભાજનો છે, તેમના પગરખાંનું પોટલું વાળી માથા ઉપર મૂકીને આ આખીય સભાને પાંચવાર પ્રદક્ષિણા કરો અને દંડવત્ પ્રણામ કરો.” તેણે પગરખાંની ગાંસડી વાળી અને માથે મૂકી, આખી સભા સહિત શ્રીજી મહારાજને પાંચ પ્રદક્ષિણા ને સાષ્ટાંગ પ્રણામ કર્યાં. શ્રીજી મહારાજે એમને રાજી થઇ પોતાના હાથે જ સાધું મહાદીક્ષા આપી ને ‘અદ્વેતાનંદ સ્વામી’ એવું નામ પાડી, પોતાની મંડળીમાં ભેળવી દીધા.

– ‘દેવીવાળા મગ્નિરામ’ માંથી…