પંચાળા-અગત્રાઇ સત્સંગીઓએ ગોળ પાર્ષદોને આપ્યો અને કહ્યું જે, ‘મહારાજ ભલે ના કહે, તમે આ ગોળ લઇ જજો અને અમારા વતિ શ્રીજીમહારાજને જમાડજો. અમારું જીવતર લેખે લાગશે’.

સંવત્‌ ૧૮૮૪ના વૈશાખ વદ ૨ ને દિવસે જુનાગઢ મંદિરમાં શ્રીહરિએ પોતાના સ્વહસ્તે મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધી કરી, તેમાં વચલા મંદિરમાં શ્રીરણછોડજી અને શ્રીત્રિકમજી અને ઉગમણા મંદિરમાં સોરઠના ધીંગાઘણી શ્રીરાધારમણ દેવની મૂર્તિ અને આથમણા મંદિરમાં શ્રીસિધ્ધેશ્વર મહાદેવજી અને માત્ પાર્વતી અને શ્રીગણપતિજી ને પધરાવ્યા.

શ્રીહરિ જુનાગઢ રોકાઇને ચાલ્યા તે ઝીણાભાઇના આગ્રહે એમના ગામ પંચાળા પધાર્યા ને ત્યાંથી અગત્રાઇ આવ્યા અને ગામના ભક્તજનોએ સામૈયું કર્યું તે ગાજતે વાજતે પર્વતભાઇને ઘેર જઇ ઘોડી ઉપરથી ઉતરીને ઢોલિયે બિરાજમાન થયા. ગામના સત્સંગી અતિહરખ ભર્યા સર્વે ભેટો મેલીને શ્રીજીમહારાજના અભય ચરણનો સ્પર્શ કરીને બેઠા. સર્વે શેરડીને ગોળ લાવ્યા તે સુધારીને શ્રીજીમહારાજને શેરડી જમાડી અને નવો ગોળ પણ જમાડ્યો, બાકીની પ્રસાદી સર્વ હરિભક્તોને વહેંચી આપી.

થાળ તૈયાર થયા એટલે પર્વતભાઇને ઘેર જમવા પધાર્યા અને ત્યાં જમતા જાય અને પર્વતભાઇના ઘરનાં માણસ સાથે વાતો કરતા જાય ને વાનગીઓ વખાણતા જાય. જમીને જળપાન કરીને મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. ગામના જીવણભાઇ ગોર અને પર્વતભાઇ તે બેઉ જણા શ્રીજીમહારાજનાં ચરણ ખોળામાં લઇને દબાવતા જાય અને મહારાજ સાથે વાતો કરતા જાય. થોડીવારે મહારાજ પોઢ્યા ને બપોરે વહેલા જાગીને નદીએ નહાવા પધાર્યા. ત્યાં સ્નાન કરીને નિત્યવિધિ કરીને વસ્ત્રો પહેરીને માણકી ઘોડીએ સ્વાર થઇને ગાજતે વાજતે ગામમાં પધાર્યા. ઘોડીએથી ઉતર્યા ત્યારે પર્વતભાઇએ મહારાજના હાથ પગ ધોવડાવ્યા.

સા્જે વાળું તૈયાર થતા જમવા બિરાજ્યા. પર્વતભાઇ ભાવે કરીને જમાડતા જાય. એવી રીતે દૂધ સાકર અને ભાત જમીને જળપાન કર્યું ને મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા, સભા થઇ અને વાતો કરીને મોડીરાતે સહું પોઢ્યા.
સવારે જાગીને જળના કોગળા કરીને સાબદા થાવા માંડ્યા, ત્યારે પર્વતભાઇ આદિ હરિભક્તો તાણ કરવા લાગ્યા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘હવે નહીં રહીએ.’ ત્યારે હરિભક્તોએ મહારાજનો પોષાક અને ઘોડીનો સામાન જે હતો તે સર્વે સંતાડી મૂક્યો. પર્વતભાઇનો દીકરા મુળજીભાઇ મહારાજને ગાડામાં બેસારી ગાડીના બળદ હાંકીને શેરડીના વાઢે લઇ ગયા. ત્યારે મહારાજ પાળાને કહેવા લાગ્યા જે, વસ્ત્રો લાવો અને ઘોડીએ પલાણ માંડો અને ગાડી જોડો. પછી પાર્ષદે આમતેમ સામાન જોયો પણ ત્યાં સામાન મળ્યો નહીં, તેથી શ્રીજીમહારાજને જાણ કરી. ત્યારે મહારાજે કહ્યું જે, આ કામ ગામના સત્સંગીઓનું છે. ત્યારે પર્વતભાઇએ કહ્યું જે ‘હે મહારાજ ! શેરડીનો વાઢ ફરે છે તે પાવન કરવા પધારો.’ શ્રીહરિ મોજડી પહેરીને ચાલ્યા. તે પાર્ષદો અને ગામના સત્સંગીઓએ સહિત વાઢે પધાર્યા. ત્યાં ઢોલિયે બિરાજ્યા. ત્યારે મહારાજ કહે જે, ‘જેમ જમાય તેમ સૌ લઇને જમો.’ જે બાઇઓ છેટાં બેઠેલાં હતાં તેમને શ્રીજીમહારાજે પોતાને હાથે પ્રસાદીના શેરડીના સાંઠા લઇને બાયુંને મોકલાવ્યા. હરિભક્તો ગોળ લાવ્યા તેને મહારાજ જમ્યા અને સર્વને ગોળ જમાડ્યો. ગામમાંથી ગાડી લાવ્યા. તે સમયે મહારાજ હાથ ધોઇ જળના કોગળા કરીને ગાડીમાં બિરાજ્યા. અને હરિભક્તોએ ગોળનાં ચાર ભીલાં લઇને ગાડીમાં નાખ્યાં. ત્યારે મહારાજે કહ્યું જે, તે નહીં જોઇએ. ત્યારે પર્વતભાઇએ કહ્યું જે, ‘હે મહારાજ ! ગામ સુધી રહેવા દો.’ શેરડીના ભારા સત્સંગીઓએ લીધા. અને ગામમાં પધાર્યા અને ગાડીમાંથી ઉતરીને ઢોલિયે બિરાજ્યા. ત્યારે સત્સંગીઓએ ગાડામાં જે ગોળ હતો તે પાર્ષદોને આપ્યો અને કહ્યું જે, ‘મહારાજ ભલે ના કહે, તમે આ ગોળ લઇ જજો અને અમારા વતિ શ્રીજીમહારાજને જમાડજો. અમારું જીવતર લેખે લાગશે’ આમ કહીને હરિભક્તો પગે લાગીને બેઠા. મહારાજે બપોરનો થાળ જમીને જળપાન કરીને મુખવાસ લીધો પછી ઢોલિયે બિરાજ્યા.

  • શ્રીપુરુષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય ૮૪માંથી….