પ્રાતઃકાળની માનસીપૂજા કઈ રીતે કરવી ?

પ્રાતઃકાળની માનસીપૂજા કઈ રીતે કરવી ?

તો સૌપ્રથમ પોતાના આત્માને વિષે પ્રભુનું ધ્યાન કરવું. મનમાં એવી ભાવના કરવી કે શ્રીહરિ પ્રભુ સુંદર રાજમહેલમાં છપ્પર પલંગ ઉપર પોઢયા છે. પ્રભુને ઊઠવાનો સમય થયો છે માટે હું પ્રભુના શયનખંડમાં પ્રવેશ કરું છું. પ્રભુનાં મુખકમળનાં મને દર્શન થાય છે. હું પ્રભુને દંડવત્પ્રણામ કરું છું. પ્રભુને પ્રાર્થના-કીર્તન દ્વારા જાગ્રત કરું છું. હવે પ્રભુ જાગ્રત થયાં છે. હું તેમનાં ચરણકમળનો સ્પર્શ કરું છું. પ્રભુને હું હળવી પાદુકા પહેરવા આપું છું. હું તેમને સ્નાનગૃહ તરફ દોરી જાઉં છું. સુંદર બાજોઠ ઉપર બેસાડીને હું તેમને દાતણ આપું છું. પ્રભુ દાતણ કરે છે. હું જળઝારી લઈને ઊભો છું. દાતણ કર્યાં પછી હું પ્રભુને હાથ અને મુખ ધોવડાવું છું. હાથ અને મુખ લૂછવા માટે પ્રભુને ટુવાલ આપું છું.

ત્યારબાદ સુંદર બાજોઠ બિછાવીને તેના ઉપર પ્રભુને સ્નાન માટે બિરાજમાન કરું છું. ઋતુ અનુસાર ઠંડાં અથવા ગરમ જળથી હું પ્રભુને અંગમર્દન કરી કરીને સ્નાન કરાવું છું. ત્યારબાદ પાતળા સુતરાઉ વસ્ત્રથી શરીર લૂછી આપું છું અને કોરાં વસ્ત્રો પહેરવા આપું છું. ત્યારબાદ સ્નાનગૃહમાંથી બહાર પધારીને હું પ્રભુને સુંદર જરિયાની વસ્ત્રો પહેરવા આપું છું, મસ્તક ઉપર સુંદર મોળીડું અથવા પાઘ ધારણ કરાવું છું અને ત્યાર પછી હું પ્રભુને સભામાં દોરી જાઉં છું જ્યાં પરમહંસો સંકીર્તન કરીને સભા સજીને બેઠા છે. પ્રભુ ત્યાં પધારે છે. રાજસિંહાસન પર બિરાજમાન થાય છે. હું પ્રભુની ચંદન-પુષ્પોથી પૂજા કરું છું. લલાટમાં ચંદનની અર્ચા કરું છું. કંઠમાં પુષ્પની માળા અર્પણ કરું છું. પ્રભુને સુવર્ણના વિવિધ અલંકારો ધારણ કરાવું છું. પછી, પ્રસાદીભૂત ચંદન-પુષ્પથી સભામાં બિરાજમાન દરેક પરમહંસોની પૂજા કરું છું. ત્યાર બાદ હું પ્રભુની આરતી ઉતારું છું. થોડી ક્ષણો સુધી પ્રભુ સભામાં બિરાજે છે.

પછી પ્રાતઃભોજન માટે પધારે છે. હું પ્રભુને સાકર, કેસર, કસ્તુરી, બદામ વગેરે યુક્ત ઉકાળેલ દૂધ તથા મગજ, જલેબી, અડદિયા, પૂરી વગેરે પકવાનો અને રોટલો, ઘી, સાકર, માખણ, અથાણાં વગેરે જમાડું છું. ત્યારબાદ પ્રભુને જળપાન કરાવી પાનબીડું, તજ, એલચી, લવિંગ, સોપારી, જાવંતરી વગેરે મુખવાસ અર્પણ કરું છું. ત્યાર પછી, પ્રભુ સભા સજીને વચનામૃતની વર્ષા કરે છે. હું પ્રભુની સેવામાં હાજર છું. પ્રભુનાં દર્શન કરું છું. પ્રભુની અમૃતવાણીનું શ્રવણ કરું છું. હું ધન્ય થયો છું.