બરાઇના કૃપારામ બોલતા ચાલતા સહુંને ‘જય સ્વામિનારાયણ’ કહીને પંચમહાભૂત નો દેહ છોડીને અક્ષરધામમાં પધાર્યા.

મધ્યપ્રદેશના ગ્વાલીયર શહેર નજીક બરાઇ નામે નાનું એવું ગામ છે, આ ગામમાં શ્રીહરિના વીશે અતિ હેતવાળા કૃપારામ અને સીતારામ નામે બેઉ ભાઇઓ કૃપાપાત્ર સત્સંગી હતા. સંતોને યોગે સત્સંગ થયા બાદ બેઉ ભાઇઓ પંચવર્તમાનને ખબડદાર થયા થકા પાળતા હતા. બેઉ ભાઇઓ માં સંપ અને પરસ્પર અતિ સ્નેહ હતો.

ઉંમર થતા બેઉ ભાઇઓએ એકબીજાને વદાડ કરેલો કે ‘જેને અંતકાળે શ્રીજીમહારાજ પહેલા તેડવા આવે તેને શ્રીજીમહારાજને લઇને બીજાને તેડવા આવવું અને બેઉ ભાઇઓને દેહ છોડીને સાથે અક્ષરધામમાં જાવું.’ આમ બેઉ ભાઇઓ વચ્ચે વચનની આપ-લે થયા પછી થોડા સમયે મોટાભાઇ કૃપારામને એકદિવસ થોડો તાવ આવ્યો. શરીરે થોડી નબળાઈ જેવું હતું તે ઓસરી ની કોરે ખાટલો ઢાળીને કૃપારામ સુતા હતા. એ વખતે શ્રીજીમહારાજ અનેક મુકતોને સાથે લઇને હાથીની સુવર્ણ અંબાડીએ અને સહું મુકતો ઘોડેસવાર થઇને બરાઇ ગામની ભાગોળે પધાર્યા. ત્યાં તંબું-રાવટીઓ બાંધી, પાર્ષદોએ બંધુકોના ભડાકા કર્યા એટલે બરાઇ ગામના ગામજનો એ અવાજ સુણીને સહું દોડતા આવ્યા. એમને શ્રીહરિએ સહુંને કહ્યું જે ‘અમે અમદાવાદ થી આવીએ છીએ, અને છપૈયા જઇએ છીએ.’ ગામજનોએ પ્રણામ કર્યા અને ભેંટ મેલી. સહું જયાં તંબુમાંથી દર્શન કરીને બહાર આવ્યા એટલી વાર માં દિવ્ય સ્વરુપે શ્રીહરિ સુવર્ણ રથમાં બેસીને ગામમાંથી આવતા જણાયા, સાથે બીજું માં કૃપારામ બેઠા હતા. આ વખતે નાના ભાઇ સીતારામ બોલ્યા જે “મોટાભાઇ, તમને તો તાવ આવતો હતો ને આમ રથમાં બેસીને કયા જાઓ છો?” ત્યારે કૃપારામ બોલ્યા કે ‘ભાઇ, મને શ્રીજીમહારાજ આ બધા સહું સાથે અક્ષરધામમાં તેડી જાવા સારું પધાર્યા છે. હું એમના સાથે અક્ષરધામ જાઉ છું.” ત્યારે સીતારામે શ્રીજીના રથને રોક્યો અને બોલ્યા જે ‘ભાઇ, તમને યાદ છે, આપણા બેઉ વચાળે વદાડ છે કે જેને શ્રીહરિ પેલા ધામમાં તેડવા આવે તેને પરસ્પર ધામમાં તેડવા આવવું, બોલો હવે મને કયારે ધામમાં તેડવા સારું પધારશો?

તે સુણીને મોટાભાઇ કૃપારામ કહે કે ‘ભાઇ સીતારામ, મારા તેરમાં ના દિવસે તું તૈયાર રેજે, હું શ્રીજીમહારાજ ને લઇને તને તેડવા પાછો જરુંર પધારીશ, માટે તૈયાર રેજે. અને બીજી વાત મેં ઘરમાં દિવાલમાં બે હજાર રુપીયા દાટ્યા છે, એમાંથી એક હજારના શ્રીરાધાકૃષ્ણ દેવ અને શ્રીજીમહારાજને થાળ કરીને સહું ભકતોને જમાડજો અને બીજા તમને યોગ્ય લાગે એમ કરજયો. સારું લ્યો હવે સહુંને ‘જય શ્રી સ્વામિનારાયણ…!’ આમ કહીને એ દિવ્યરથ તો થોડે આઘેરા જતા અદ્રશ્ય થઇ ગયો. સીતારામ તુંરત જ દોડતા પોતાને ઘેર ગયા ત્યાં તો મોટાભાઇ નો નશ્વર દેહ પથારીમાં પડ્યો હતો. પછી સહું ગામજનો સાથે અગ્નિસંસ્કાર કરવા ગયા.

મોટાભાઇ કૃપારામ ની વીત પ્રમાણે એક હજાર રુપીયા મંદિરમાં થાળ સારું જમા કરાવીને બધીય જરુરી વ્યવસ્થા કરાવી અને બીજા હજાર રુપીયા વાપરીને સહું ને ભાવથી જમાડયા અને બારમાં ના દિવસે મોટાભાઇનું કારજ કર્યું.

વળતે દિવસ સવારમાં જ અગાઉ દિધેલ કોલ મુજબ શ્રીજીમહારાજ કૃપારામને સાથે લઇને નાનાભાઇ સીતારામ ને અક્ષરધામ માં લઇ જવા તેડવા પધાર્યા. સીતારામ ગાયનું છાણ લીપાવીને તલ વગેરે છાંટીને એ ચોકો કરીને બેઠા અને બોલતા ચાલતા સહુંને ‘જય સ્વામિનારાયણ’ કહીને પંચમહાભૂત નો દેહ છોડીને અક્ષરધામમાં પધાર્યા.

– કૃપા મુક્તિ માંથી….