બામરોલીના ભક્તરાજ તખા પગીને ઉજમબા: ‘કહે કૃષ્ણ તમારો આ કૂપ, ગંગા તુલ્ય થયો તીર્થરૂપ…!!’

વડતાલધામથી ફક્ત ૩ કિ.મી. દુર બામરોલી ગામ આવેલું છે. સંપ્રદાયના ગ્રંથોમાં ભક્તરાજ તખા પગીનું નામ ખુબ જ લખાયેલું છે, આ તખા પગી ગામ બામરોલીના હતા. ભગવાન શ્રીહરિ જ્યારે જ્યારે વડતાલ પધારતા ત્યારે તખા પગીના પ્રેમને વશ બામરોલી ખાસ પધારતા. તખા પગીના ઘણા સગાસંબંધીઓ હતા તે બધા પણ એમના યોગે સત્સંગી થયા હતા. બામરોલી ગામમાં જેટલા સત્સંગી ભક્તોના ઘર હતા ત્યાં બધાનાં ઘરે શ્રીહરિ પધારીને આ ગામની ધરાને પાવન કરી છે.

તખા પગીનાં પત્ની ઉજમબા પણ શ્રીહરિને વીશે અનન્ય હેતવાળા પરમભકત હતા. એક વર્ષે એમના ખેતરોમાં ડાંગરનો પાક સારો થયો. ઉજમબા અને એમની બે દીકરીઓએ મનમાં સંકલ્પ કર્યો કે આ ડાંગરના ચોખા બનાવી શ્રીહરિના ઉત્સવમાં વાપરવા.

એ વખતે શ્રીહરિ જન્માષ્ટમીનો સમૈયો ઉજવવા વડતાલ પધાર્યા હતા. ઉજમબાએ પોતાનો મનોરથ તખા પગી ને કહી ને શ્રીહરિને તેડવા મોકલ્યા. તખા પગીએ શ્રીહરિને અરજ કરી કે હે મહારાજ…! અમારે ઘેર મારા ધર્મપત્ની તથા દીકરીઓએ શરદ પૂનમનો ઉત્સવ ઉજવવાના પૌવા પણ તૈયાર કરી રાખ્યા છે, તો આપ સહુ સંતો-ભકતો સાથે પધારો. શ્રીજી મહારાજે તખા પગી ના પરીવારજનોની વિનંતી સ્વીકારી, શ્રીહરિ સહુ સંતો હરિભક્તો સહિત બામરોલી પધાર્યાં. પોતાનો ઉતારો પણ શ્રીજી મહારાજે તખા પગીનેં ત્યાં જ રાખ્યો. શ્રીહરિ અને સંતોની પાવન ઉપસ્થિતિમાં બામરોલીનાં ગામ જનોએ અતિ દિવ્ય શરદ પૂર્ણિમાં ઉત્સવ માણ્યો. ઠાકોરજીને દૂધ પૌઆ ધરાવવામાં આવ્યા. શ્રીહરિ અને સંતો દૂધ-પૌઆ જમ્યા. ગામના સહુ ભકતોને પણ શ્રીહરિના હસ્તે જ દૂધ પૌઆની પ્રસાદી આપવામાં આવી. શરદપુનમની રઢિયાળી રાત્યમાં શ્રીહરિ સંતો-હરિભક્તો સાથે રાસ રમ્યા. ઉજમબા અને તેમના પરિવારની ભક્તિથી પ્રસન્ન થયેલા શ્રીહરિએ પોતાનાં વસ્ત્રો તેમને પૂજવા આપ્યાં.

સંવત ૧૮૭૨માં વૈશાખ માસમાં આમ્ર રસોત્સવ કરવાં ભક્ત તખા પગીના આમંત્રણથી શ્રીહરિ ગામ બામરોલી ગયેલાં. શ્રીહરિ અને સંતો-ભક્તો માટે આઠ ગાડા ભરીને કેરીઓ તખા પગી લાવ્યા. એ વખતે ભગવાને ખૂબ મોટો રસ-રોટલી નો ઉત્સવ કર્યા બાદ પણ ખૂબ કેરીઓ વધી. પછી ત્યાં આવેલા હરિભક્તોને મહારાજે સાત સાત કેરીઓ પ્રસાદીની આપી. આ બધી જ લીલાંઓ પ્રસાદીની રાયણની નીચે બનેલી. શ્રીહરિ અને સહુ કાઠી દરબારોએ રાયણની નજીક ખેતરમા ઘોડાઓ ખેલવવાની લીલા કરેલી.

તખા પગીએ રાયણની ડાળીએ હિંડોળો બાંધીને પ્રભુને ખુબ ઝુલાવ્યા. પછી બપોરે શ્રીહરિ રસ રોટલીનો થાળ જમ્યા. સહુ સંતો-હરિભકતોને પણ રસ-રોટલી ખૂબ ભાવથી જમાડ્યા.

એક વખત મહારાજ સંવત ૧૮૭૯ની સાલમાં બામરોલી પધાર્યા ત્યારે આ રાયણના વૃક્ષ નીચે ભવ્ય રંગોત્સવ કર્યો હતો. શ્રીહરિ  પ્રીતિ પૂર્વક સર્વે સંતો ભક્તો ઉપર ખોબેને ખોબે વારંવાર ગુલાલ નાખેલ. એ સમયે આ રાયણનું વૃક્ષ ગુલાલના રંગથી આખું લાલ થઈ ગયેલું અને નીચે જે હિંડોળામાં મહારાજ બેઠા હતા તે પણ હિંડોળા સહિત આખા લાલ વર્ણના દેખાતા હતા.

આ રાયણની નજીકમાં પ્રસાદીનો કુવો પણ આવેલો છે. આ કુવામાથી પાણી કાઢીને શ્રી હરિએ સ્નાન કરેલું. પછી એ સ્નાન કરેલ પ્રસાદીનું પાણી લઈ તખા પગીએ તે કૂવામાં ફરી નાખ્યું. તેથી તે કુવો પણ પ્રસાદીનો છે. આ પ્રસાદીના કુવાનુ પાણી બામરોલીના નર-નારીઓ પીતા હતા. તેના કારણે ઘણા નર-નારીઓ તે પ્રસાદીનું પાણી પીવાથી સત્સંગી થયેલા.

સંવત ૧૮૬૯ની સાલમાં જે દુષ્કાળ પડેલો ઓગણતેરા કાળ ભગવાન સ્વામિનારાયણ દુષ્કાળના આગલા વર્ષે શ્રીહરિ ગામડાઓમાં વિચરણ કરી કરીને કહેતા કે અન્નનો સંગ્રહ કરજો દુષ્કાળ પડવાનો છે.

આ વાત મહારાજે બામરોલીમાં તખા પગીને પણ કરી. પરંતુ લેશું-લેશું કરતાં ગાફલાઇમા મહારાજનું વચન ભુલાઈ ગયું. અને દુષ્કાળ શરૂ થઈ ગયો. ઘરમાં રહેલા અનાજ ધીરે ધીરે ઓછું થવા લાગ્યું. તેથી પરિવાર સહિત તેઓ ચિંતા કરવા લાગ્યા. જયારે ભગવાન શ્રી હરિ બામરોલી પધાર્યા. એ વખતે તખા પગીના ઘેર જઈ એમને અનાજ બાબતે પૂછ્યું ત્યારે તેમની દીકરીઓ એ કહ્યું, મહારાજ…! કોઠીમાં હવે અડધો મણ બાજરી છે. પછી મહારાજે કહ્યું “આ કોઠીનું ઢાંકણું બંધ કરી એને છાણથી લીપી નાખજો. તેને ક્યારેય ખોલશો નહી, કોઠીના નીચેથી સાણેથી બાજરો કાઢી ને વાપરજો. જો કોઈ ભૂખ્યો આવે તો એને અનાજ આપજો. હવેથી આ કોઠીમાં બાજરી ક્યારેય નહીં ખૂટે, પણ ઉપરથી ક્યારેય ખોલશો નહીં.” આ પ્રમાણે વરદાન આપી ત્યાંથી શ્રીજીમહારાજ વડતાલ પધાર્યા. શ્રીજીના વરદાન મુજબ આખું વર્ષ તેમાંથી બાજરી કાઢ્યા કરી પણ ખુટી નહી ને ઓગણોતેરા નો દૂષ્કાળ પસાર કર્યો.

સમયજતાં ભુલથી એ કોઠીને ઉપરથી ખોલી ને જોયુ તો અગાઉ પ્રમાણે અડધો મણ જ બાજરી હતી. આ મહાપ્રસાદીની કોઠી હાલમાં પણ બામરોલી મંદિરમાં દર્શનાર્થે રાખવામાં આવી છે.

સવંત ૧૮૮૨ના કારતક માસની બીજના દિવસે શ્રીજી મહારાજ સંધ્યા આરતી બાદ વડતાલ મંદિરના ધર્મદાદાના શિખર પાછળ સભા ભરીને બેઠા હતા. તે દરમિયાન બાજુમાં આવેલ એક વૃક્ષ પર ‘ચિબરી ’ બોલતી હતી. જે સંદર્ભે શ્રી હરિએ ભકતરાજ જોબન પગીને પુચ્છા કરી હતી કે ચીબરી શું બોલે છે? તેની ભાષા સમજ પડે છે ત્યારે તેઓએ કહ્યું હતુ કે પક્ષીની ભાષા તખા પગી ને ખબર પડે છે. તેને બોલાવી તે પુચ્છા કરતાં તખા પગીએ કહ્યું હતું કે, ચીબરી ખરાબ બોલે છે. ચીબરી બોલે છે કે, આ વક્ષને હમણા. કપાવી નાખો . જો નહી કપાવો તો અહીંયા લોહી પડશે. અને જો કપાવશો તો આ મંદિર ભવિષ્યમાં સુવર્ણનું થશે. જે હાલ વડતાલનું ભવ્ય મંદિર જોતા તખા પગીની એ વાત સત્ય જણાય છે.

પંચમી ત્યાં વસંતની આવી, સમૈયો કર્યો સૌને તેડાવી..!

બામણોલી થકી તેહ ટાણે, પગી આવ્યા તખો આ ઠેકાણે..!!

ઘણા હેતે કહ્યું જોડી હાથ, બામણોલિયે ચાલો હે નાથ..!

કરો ખાંતે રુડો રંગ ખેલ, આશા પૂર્ણ કરી અલબેલ…!!

મારે ગામ લીલા ભલી થાય, સતશાસ્ત્રમાં તેહ લખાય..!

સુણી સંઘ સહિત જગસ્વામી, બામણોલી ગયા બહુનામી..!!

રુડી રીતે ત્યાં રાયણ પાસે, રંગખેલ કર્યો અવિનાશે..!

જોઈ ત્યાંથિ ઈશાનમાં કૂપ, નાહ્યા ત્યાં કોટિબ્રહ્માંડ ભૂપ…!!

નાથ નાહ્યા તણું નીર રાખ્યું, તખા પગિએ તે કૂપમાં નાખ્યું..!

કહે કૃષ્ણ તમારો આ કૂપ, ગંગા તુલ્ય થયો તીર્થરૂપ…!!

– શ્રીહરિલિલામૃત કળશ ૮ વિશ્રામ ૯માંથી..!