ભકતરાજ અલૈયા ખાચર કાયમ ખુબ ઉદાસ થઈને પોતાનું બનાવેલું કીર્તન આર્તનાદે ગાતા: ભણે અલૈયો કાં જઉંને ભણું વાલા, મોળા સામીને ભણજો ! મોળા વાલા ! સેજાનંદ સામી વન્યા, ઘડીયે રયો નો જાય..!

ઝીંઝાવદર ગામના રાજા અલૈયાખાચર શ્રીજીમહારાજના અનન્ય ભક્ત હતા. તેમનું જીવન ખુબ રજવાડી ઠાઠમાઠવાળું હતું, છતાં શ્રીહરિ ના એકવચને તેઓ પરમહંસ દીક્ષા લઇને પોતાનો રજવાડી વેશ પોતાની ઘોડી ઉપર મેલીને ગામ બહારથી જ અઢાર પરમહંસો સાથે ભૂજ જવા ચાલી નીકળ્યા હતા. તેમની વાણી ખુબ બળભરી અને રોચક હતી, તેના સંગમાં આવનાર પોતાના પરિવારજનો તેમજ દરેકને તે શ્રીસ્વામિનારાયણ ભગવાનનો મહિમા કહીને સત્સંગી કર્યા હતા.

એકવખતે શ્રીહરિ પંચાળા ઝીણાભાઇ ને ઘેર સહુ સંતો અને કાઠીદરબારો સાથે પધાર્યા હતા. એ વખતે શ્રીહરિએ પ્રકરણ ફેરવતા સર્વને એવું કહ્યુ કે હવે થી સર્વને મન માંગે એવું ન ખાવું એવું નિયમ લેવરાવ્યા. ત્યારે સૌ કોઇને પુછતાં કોઇ કહે હું બાજરો ખાઉ, કોઇ કહે ખોરી જાર, કોઇ કહે બાંવટો કે કોઇ કહે બંટી તો વળી કોઇ કહે કોદરાનો રોટલો જ જમીશ, આમ સૌ કોઇ ને અલગ અલગ અરુચી હોય એવા ભોજન જમવાના નિયમ લીધેલ હોય ભકતરાજ ઝીણાભાઇ મૂંઝાયા અને શ્રીહરિ ને પુછ્યુ કે આમા કેમ સૌનો મેળ પાડવો?

પંચાળુ ઝીણાભાઈનું ગામ, માટે આવિયા તે તેહ ઠામ..!

જોવા જે સંત કેવા છે સહુ, પ્રભુ પ્રકરણ ફેરવે બહુ..!

ત્યારે પ્રકરણ ફેરવ્યું એવું, મન માગે તે તનને ન દેવું..!

ત્યારે કોઈ કહે ખોરી જાર, તેની બાટી જ હું તો ખાનાર…!

કહે કોઈ હું કોદરા કેરો, રોટલો જ જમીશ ઘણેરો…!

કહે કોઈ હું બાવટો ખાઉં, મનઇચ્છાથી ઉલટો થાઉં..!

કહે કોઈ હું તો ખાઉં બંટી, શબ્દ દળતાં કરે નહીં ઘંટી..!

જેના મનને ગમે નહીં જેહ, અન્ન ખાવાને માગીયું એહ;

ઝીણાભાઈએ શ્રીપ્રભુ પાસ, કરી વાત તે સર્વ પ્રકાશ..!

આ તો જુદું જુદું માગે ખાવું, કહો ક્યાં થકી તે પ્રભુ લાવું?

કહે શ્રીજી કરો એ ઉપાય, ખોરી જારના ખાખરા થાય…!

શ્રીહરિ એ સૌને એકસરખું ભોજન ખોરી જારના રોટલા બનાવો ને જમાડો એમ કહ્યું, સૌ કોઇને જમવા દીધા પરંતું અલૈયાખાચર ને તો એ ખોરી જારનો રોટલો ગળે ન ઉતર્યો. પોતે ઉંબકાં કરવા લાગ્યા. આ જોઇને ભકતવત્સલ શ્રીહરિ એ એમને બાજરાનો રોટલો કરાવીને જમાડ્યા.

ભકતરાજ અલૈયા ખાચરને સૌ વચ્ચે પોતાના સ્વાદની પ્રકૃતિ ના કારણે પોતાના ઇષ્ટદેવ શ્રીહરિ ને પોતા સારું રોટલો બનાવવો પડ્યો એ જાણીને ઘણું દુખ થયું. પોતે પંચાળા ગામની બહાર સરોવરના પાળે ગયા ત્યાં રડવા લાગ્યા. આ સમાચાર શ્રીહરિને દરબારગઢમાં મળતા એમણે ઝીણાભાઇ ને તેડવા મોકલ્યા, એમને સાંત્વના દઇને શ્રીહરિ પાસે તેડી લાવ્યા. અલૈયાખાચર તો શ્રીહરિના ચરણે રડતા રડતા ઢગલો થઇ ગયા અને બહુ માફી માંગી. પોતાના સ્વાદને ખાતર પંગતમાં પોતે શ્રીહરિનું વચન પાળી ન શક્યા એ બદલ બહુ દિલગીર થયા. એ વખતે શ્રીહરિએ એમને છાનાં રાખ્યા અને ભેંટયા ને માથે હાથ મેલીને એમને બાજરાનો રોટલો જમવો એમ કહ્યુ.

અલૈયે ખાચરે માંડ્યા ખાવા, પણ તેને તો છેક ન ભાવ્યા…!

નવ ભાવે તથાપિ તે ખાય, હુબકો થઈ નીકળી જાય..!

રોટલો સારો હરિએ કરાવ્યો, અલૈયાને તે ખાવા અપાવ્યો..!

ખાઈને પસતાયો બહુય, બીજા નિઃસ્વાદી સ્વાદીયો હુંય…!

પછી તે તો જઈ તે કાળે, રોવા બેઠા તળાવની પાળે..!

કહ્યું કોઈએ શ્રીહરિ પાસ, રુવે છે એક આપનો દાસ…!

કહ્યું પર્વતભાઈને નાથે, તેડી લાવો તમે ઝાલી હાથે..!

તેને પુછે મહાપ્રભુ એમ, તમે ત્યાં જઈને રોયા કેમ?

અલૈયો કહે એમ મુંઝાણો, બીજા નિઃસ્વાદી હું સ્વાદી જાણો..!

ખોરી જાર મને નહીં ભાવી, અકળામણ એ થકી આવી..!

કહે શ્રીજી મારું કહ્યું માનો, જમજો રોટલો બાજરાનો…!

દયા એવી દયાળુ ધરે છે, નિજ ભક્તની રક્ષા કરે છે…!

જેમાં શ્રીહરિ અને સહું સંતો-ભકતો એ અનેક વખત સ્નાન કરેલ છે. જે સરોવરની પાળે તેઓના અશ્રુંબિંદુ પડ્યા એ સરોવર હાલ સત્સંગમાં પંચાળાનું ‘બિંદુ સરોવર’ ના નામથી અતિ પ્રસાદીભૂત સ્થાન છે.

આવા નિષ્ઠાવાન ભક્ત હોવા છતાં જ્યારે શ્રીહરિએ માળાનાં મણકાં સમાન ભકતોના નામ મુકતાનંદ સ્વામીને પુછ્યા ત્યારે સ્વામીએ પરવતભાઇ, ગોવર્ધનભાઇ ને દાદાખાચર થી પ્રથમ એમનું નામ ન લેતા માન ભંગ થયું, પોતે સ્વામીને તલવારથી મારવા તૈયાર થયા, નદીમાં શ્રીહરિ સાથે નહાતા જ્યારે શ્રીહરિએ એમને ચૂંટકી ભરતા તેઓને ફરીને માનભંગ થયું એમ જણાતા તેઓ સત્સંગથી વિમુખ થયા, અને રીંસાઇને પોતાને ગામ ઝીંઝાવદર ચાલ્યા ગયા. ત્યારબાદ ગઢપુર શ્રીજીમહારાજના દર્શને પણ ન આવતા. જ્યારે શ્રીજીમહારાજે સ્વધામ પધારવાનો સંકલ્પ કર્યો ને મંદવાડ ગ્રહણ કરીને અક્ષરઓરડીમાં જ પોતે રહેતા, એ સમયે અલૈયા ખાચર જેવા મોટા ભકત ને શ્રીજીના દર્શન કરાવવા ને સતંસગ માં પાછા તેડી લાવવા એમ જાણીને સત્સંગ ની માં સમાન સદગુરુ મુક્તાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અલૈયા ખાચરને શ્રીજીમહારાજની સ્વધામ પધારવાની ઈચ્છાના સમાચાર કહીને દર્શને આવવા કહાવ્યું, અલૈયા ખાચર ગઢડા મહારાજના દર્શન કરવા આવ્યા પણ ખરા, પરંતું શ્રીજીમહારાજ એ સમે અક્ષરઓરડીમાં પોઢયા હતા, અને અલૈયા ખાચર મહારાજના દર્શન કરવા ગયા, પરંતુ પોતાના માની સ્વભાવને લીધે અક્ષર ઓરડીની અંદર ન ગયા પરંતુ ઓરડીના બારણા ની સાંખ ઉપર બંને હાથ રાખીને ઉભા રહયા, શ્રીજીમહારાજે તેમના સામું ન જોયું, અને મુખ ઉપર વસ્ત્ર ઓઢી લીધું આથી પોતાનું માન વધારે ઘવાયું એમ માની ને અક્ષર ઓરડીમાં મહારાજના દર્શન કર્યા વિના જ બારોબાર જ પોતાને ગામ ઝીંઝાવદર જતા રહયા ! થોડા દિવસ પછી તો મહારાજે દેહોત્સર્ગ કર્યો !

સમયજતાં એમના દિકરી સાંખ્યયોગી રામબાઇએ સત્યવાત કરતા અલૈયા ખાચરને પારાવાર પશ્ચાત્તાપ થયો ને તેમનાથી કેવડી મોટી ભૂલ થઇ ગઈ છે ! એમ વીચારીને અલૈયા ખાચર કાયમ ખુબ ઉદાસ રહેતા, એકલા એકલા ખિન્ન થઈને પોતાની વ્યથાનું પોતાનું બનાવેલું કાઠી ભાષાનું એક કીર્તન આર્તનાદે ગાતા. આ કીર્તન શ્રીસ્વામિનારાયણ મંદિર-અમદાવાદના સંત શ્રીકૃષ્ણસ્વરૂપાનંદ સ્વામીના શિષ્યો પાસેથી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સાથે જોડાયેલા સાક્ષર શ્રી ત્રિભુવન ગૌરીશંકર વ્યાસે મેળવીને પોતાની નોંધપોથીમાં લખેલું હતું, જેમાં પોતે શ્રીહરિના દર્શનના વિરહને શબ્દશઃ વર્ણવ્યો છે.

ઘડીયે રયો નો જાય, સેજાનંદ સામી વન્યા, ઘડીયે રયો નો જાય..!

ભોગ ભુતળના ગમતા નથી રે વાલા, મંદિરીયુ ખાવાને ધાય..!

મોળા વાલા ! સેજાનંદ સામી વન્યા, ઘડીયે રયો નો જાય

સગા કટંબમાં મારું ચિત્તડું નો ટકે વાલા , સેજલડી સાવ નો સોહાય..!

મોળા વાલા ! સેજાનંદ સામી વન્યા, ઘડીયે રયો નો જાય…

ભણે અલૈયો કાં જઉંને ભણું વાલા, મોળા સામીને ભણજો !

મોળા વાલા, મારી પળ એક જુગુની જાય,

સેજાનંદ સામી વન્યા , ઘડીયે રયો નો જાય…

આમ પોતે વિરહ વ્યથાનું કીર્તન ગાતા રહેતા અને ચોધાર આંસુએ રડતા રડતા ભજન કર્યા કરતા. શ્રીહરિ પોતાના પરમભકત એવા અલૈયાખાચરને અગાઉથી આપેલા કોલ મુજબ અંતકાળે હાથીની અંબાડીએ આવીને અક્ષરધામ માં તેડી ગયા હતા.

સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભક્તચિંતામણીના પ્રકરણ ૧૧૫ની કડી ૧૯માં ઝીંઝાવદર ગામના મુકતરાજ અલૈયા ખાચરને ચિંતવતા લખ્યું છે કે….

રામજોગીયો જન સુજાણ, આવ્યા તેડ્યે પ્રભુ તજ્યાં પ્રાણ..!

જેઠસુર અલૈયો ખાચર, લાખો ભકત એ ઝીંઝાવદર..!!

– શ્રીહરિલીલામૃત કળશ ૭ વિશ્રામ ૨૧ તેમજ શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી…