માનકૂવાના અદાભાઇબે હાથ જોડીને કહ્યું જે, ‘હે મહારાજ ! હવે તો આ દેહે કરીને જેમ આપ કહો છો તેમજ કરવું છે અને અમારે તો આપના એકના વચનમાં જ વિશ્વાસ છે.’

એકસમે શ્રીહરિ વિચરણ કરતા થકા કચ્છના ગામ માનકૂવા પધાર્યા ને ત્યાં ગરાસીયા અદાભાઇને ઘેર ઊતર્યા. અદાભાઇએ સુંદર રસોઇ કરાવીને ઓંસરીમાં બાજોઠ ઢાળીને શ્રીજી મહારાજને અતિ હેતે કરીને જમાડ્યા. શ્રીજી મહારાજ જમી રહ્યા ને ચળું કરી એટલે મુખવાસ દીધો કહ્યું જે, હે પ્રભું અમારા દરબારમાં પધારો. ત્યારે શ્રીજીમહારાજ દરબારગઢમાં પધાર્યા. ત્યારે અદાભાઇએ પોતાનો દરબારગઢ શ્રીજીમહારાજને અંદર ફેરવીને બતાવ્યો. અદાભાઇ એ વાતો કરતા શ્રીજી મહારાજને કહ્યું જે, “અમારે રહેવાનાં ઘર બે છે અને બીજાં બે ઓરડી કરાવવાનાં છે. હાલ ભેંશો બે છે. ને બે બીજી હજું લેવી છે. તે શા સારુ તો વારા ફરતી દૂઝે તો દૂઝાણું કાયમ રહે. આ ઘોડી એક છે અને એક હજું બીજી લેવી છે. શા માટે જે મારા બાપું અને હું ગામ જઇએ ત્યારે હું ઘોડીએ બેસું ત્યારે મારા બાપુ પગે ચાલે અને જો મારા બાપું ઘોડીએ બેસે તો હું પગે ચાલું. તેમાં અમારી આબરૂં નહીં. માર્ગે જઇએ તથા આવીએ ત્યારે બેયને બેસવા ઘોડાં હોય તો સારું.” ત્યારે તે સુણીને શ્રીજીમહારાજે અદાભાઇને પૂછ્યું જે, “તમે ભેંસું અને ઘોડા સારું ખડ (ચાર્યપૂળા) રાખો છો ? “ ત્યારે અદાભાઇએ કહ્યું જે, “હે મહારાજ, અમને ઘાસનું કામ ન પડે કારણ કે અમારું ગામ વાડાસર છે અને ત્યાં કણબીને ઘણી વાડીઓ છે. આંહી કણબીઓ વાડીએ લીલું વાવે છે તે બારે માસ લીલી ચાર્ય ખૂટે જ નહીં. તેથી અમો ત્યાં ઘોડાં બાંધી આવીએ તે તેના બળદ, ભેંશો, ગાયું, જે ખડ ખાય તે ભેળાં અમારાં ઘોડાં પણ ખાય. અને જ્યારે કામ પડે ત્યારે લઇ આવીએ.” ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, “જો એવો દેશકાળ આવી પડે જે તે કણબીઓના બળદો માટે પણ ઘાસ ન હોય ત્યારે તમારાંને શું ખવડાવે ? પછી તમને કહી મેલે જે, તમારાં ઘોડાં, ગાયો, ભેંશો લઇ જજો અને ઘાસતો અમારા બળદને માટે પણ નથી તો તમારાં ગાયો, ભેંશો અને ઘોડાંને શું નાખીએ ? ત્યારે તમે લેવા જાઓ અને તમે ઘોડા ઉપર સામાન માંડીને ઉપર બેસીને ઘેર આવતા હો ત્યારે માર્ગમાં જો એકાદ ઘોડું મરી જાય ત્યારે એનું કાઠું માથે ઉપાડીને ઘેર આવો. ત્યારે તમારી લાજ જાય કે રહે ? માટે એવા દેશકાળ આવી પડે ત્યારે લાજ તો ક્યાંથી રહે ? માટે હમણાં તો ઘર પણ ન કરવાં અને ભેંશો પણ ન લેવી અને ઘોડું પણ ન લેવું. તે જો અમારું કહ્યું માનશો તો તમારું ઘણું સારું થશે અને જો નહીં માનો તો તમે જાણો.” શ્રીહરિના વિશે અતિ હેતવાળા આજ્ઞાંકિત એવા અદાભાઇએ બે હાથ જોડીને પગે લાગીને કહ્યું જે, હે મહારાજ ! તમે કહો છો તેમ ન કરીએ તો અમે હેરાન થઇએ. માટે હવે તો આ દેહે કરીને જેમ આપ કહો છો તેમજ કરવું છે અને અમારે તો તમારા એકના વચનમાં જ વિશ્વાસ છે, જેમ તમો કહો છો, તેમજ થાય છે.” ત્યારે મહારાજે કહ્યું જે, જેમ અમે કહ્યું છે તેમ કરશો તો તમારું સારું થશે. ત્યારે અદાભાઇએ કહ્યું જે, જેમ મહારાજે કહ્યું તેમજ કરવું છે. પછી શ્રીજીમહારાજ પોતાના આસને પધાર્યા. ત્યાંથી થોડાદિવસ રહીને દર્શનદાન આપીને ભુજનગરમાં પધાર્યા.

– શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર અધ્યાય ૬૩માંથી…..