જાળીયાના કારભારી હીરા શેઠ ને ક્લુબેન: ‘મારે આવો દીકરો હોય તો હું લાડ લડાવું….!’

શ્રીહરિ લોયાથી પોતાના ટેકીલા ભકત વેરાભાઇએ લીધેલા પ્રણને રાખવા સારું ઝીણાભાઇને ત્યાં પંચાળા જવા સારું નીસર્યા. રસ્તામાં જસદણ, આટકોટ, ગોંડલ, ઉપલેટા, ઝાંઝમેર વગેરે ગામોમાં પોતાના ભકતોને દર્શનદાન દેતા થકા થોડેદિવસે રસ્તામાં ગામ જાળિયામાં પોતાના પ્રેમીભકત હીરા ઠકકરને ઘેર પધાર્યા. હીરાભાઈ ની અટક – કાછેલા – પત્નીનું નામ – ક્લુબેન – હીરાભાઈ જાળીયા ગામના કારભારી હતા. હીરા શેઠ અને એમના પત્નિ ક્લુબેનને શ્રીહરિ પ્રત્યે અતિ ભક્તિભાવ હોય તે પોતાને ભાવથી રોક્યા. પોતાના ઘરની ઓસરીમાં ઢોલીયો ઢાળીને શ્રીહરિને બીરાજમાન કર્યા. ઉનું પાણી કરીને સ્નાન કરાવ્યું અને કોરા વસ્ત્રો ધારણ કરાવીને પ્રેમે કરીને પૂજન કર્યું. પોતાને ઘેર પ્રભું પધાર્યા જાણીને હિરા ઠક્કરના ઘરના બાઇએ થાળ જમાડવા સારું અતિ હરખ ભરી તૈયારીઓ કરી. સરસ મજાનો થાળ તૈયાર કરીને શ્રીહરિ ને જમવા સારું ઓસરીમાં બાજોઠ ઢાળીને બિરાજમાન કર્યા. શ્રીહરિ થાળ જમવા બેઠા એટલે દોઉ દંપતિ શ્રીહરિ ના એ દિવ્યદર્શન કરવા થોડે આઘેરાક સન્મુખ બેઠા.

શ્રીહરિ ધીમે ધીમે થાળ જમતા જાય અને વાનગીઓ વખાણતા જાય, વચ્ચે વચ્ચે જળ પીતા જાય, આ વખતે સન્મુખ દર્શન કરવા બેઠેલા હીરા ઠક્કરના બાઈમાણસ ને મનમાં સંકલ્પ થયો જે ‘મારે જો આવો જ રૂડો રુપાળો દિકરો હોય તો, હું એને વહાલથી હું જમાડતા જમાડતા ‘દિકરો’ કહીને બોલાવું ને..!’ આમ, એમના મનનો સંકલ્પ અંતર્યામીપણે જાણીને શ્રીહરિ તુંરત જ એમને એ સંકલ્પ સુખ દેવાને અર્થે જમતા જમતા જ ફળિયામાંથી ગામની ઉભી બજારે દોટ મુકી.

થાળ જમવા બેઠા જીવન, બાઇ ચિત્તે કરે ચિંતવન..!
મારે સુપુત્ર જો હોય આવો, દિકરો કહીને લઉ લહાવો..!!
મહાપ્રભુંએ જાણ્યો એ ઘાટ, થાળ જમતા થયા ઉચાંટ..!
તેથી દોટ મુકી અવિનાશે, બાઇ દોડી પકડવાને વાંસે..!!
પાછા વળો તમે પ્રાણનાથ, બાઇ સાદ પાડે જોડી હાથ..!
આપ્યો પ્રભુંએ ઉત્તર આવો, મને દિકરો કહીને બોલાવો..!!

આ જોઇને હિરા શેઠ અને એના પત્નિ તો પાછળ રોકવા સારું દોડ્યા, બાઇ તો બે હાથ જોડીને પ્રાર્થના કરતા કરતા કહેતા જાય કે ‘હે પ્રભો, આમ એકાએક જમતા જમતા કેમ ભાગ્યા? પાછા વળો અને પુરું જમી તો લયો..!’ ત્યારે મરક મરક હસતા હસતા શ્રીહરિ પોતે કહે કે ‘તમે મને દિકરો કરીને બોલાવો તો જ હું તમારે ઘરે અધુંરું ભાણું જમવા પાછો આવું..!’ સાવ અજાણ એવા હીરાભાઇ પણ શ્રીહરિ પાસે ગયા ને હાથ જોડીને વિનંતી કરી કે ‘હે પ્રભું પાછા ઘરે પધારો..! આમ અધૂરે ભાણે થોડું જવાય..!’ આમ વિનંતી કરતા કરતા શ્રીહરિના વિશે અતિ પ્રેમી એવા બેઉ પતિ-પત્નિના આંખ્યમાં આંસુની ધારાઓ વહેવા લાગી. ત્યારે શ્રીહરિ કહે કે “અમે થાળ જમતા હતા ત્યારે બાઇ તમે સંકલ્પ કર્યો કે મારે આવો દીકરો હોય તો હું લાડ લડાવું અને એને હેતે જમાડું..! અમે એ તમારો સંકલ્પ જાણ્યો છે, હવે અમને દિકરો કહીને બોલાવો તો જ અમે તમારા ઘરે જમવા પાછા આવીશું, નહિતર આહીથી જ ચાલી નીકળશું..!” આ સુણીને બાઇ કહે “હે મહારાજ, આપતો અમારા પરમપિતા પરમેશ્વર અને ઉપાસ્ય ઇષ્ટદેવ છો, આપને અમથી ‘દિકરો’ કહીને કેમ બોલાવાય, અમે મોટા અપરાધમાં પડીએ ને..!’ એમ કહીને ઘણી ઘણી ક્ષમા માંગી પરંતું શ્રીહરિ તો એક ના બે ન થયા ને પોતાના નિશ્ચયે અડગ રહ્યા.

કર્યું બેઉએ રૂદન જ્યારે, કહ્યું પ્રભુંએ રહસ્ય ત્યારે..!
તમે પુત્રનો ઘડ્યો તો ઘાટ, એકવાર બોલો તેહ માટ..!!
સત્ય સંકલ્પ મુર્તિ અમે, બાઇએ માંગી ક્ષમા એ સમે..!
દીકરો કહી મનાવી લાવ્યા, ત્યારે પ્રભુંજી પ્રેમથી આવ્યા..!!

ત્યારે થોડીવારે હિરાભાઇ ઠકકરના પત્નિએ શ્રીહરિ ને ‘દિકરો’ કહીને બોલાવ્યા ત્યારે શ્રીહરિ પરત એમના ઘરે આવ્યા અને વળી ઓંસરીમાં બાજોઠે બેસીને અધૂરો થાળ જમ્યા. આમ, પ્રેમીભકતના અંતરના ભાવને ઓળખીને શ્રીહરિએ ચરિત્ર કરીને એમના ઘરે એકદિવસ રોકાયા અને પછી વળી ત્યાથી ચાલ્યા તે પંચાળા જતા રસ્તામાં ગામ ગણોદ પધાર્યા.

  • શ્રીપુરુષોત્તમચરિત્ર પુષ્પમાળા ગુચ્છ ૬ પુષ્પ ૭૯માંથી…