મુક્તાનંદસ્વામી: ‘જે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા….! બાળ સનેહી રે, મોહન મુજને ગમતા…’

સંવત ૧૮૭૯માં સદગુરુ મુક્તાનંદસ્વામી પોતાના સંતમંડળ સાથે ગામડાઓમાં સત્સંગ વિચરણ કરવા સારું નીકળ્યા. શ્રીહરિ એ વખતે સારંગપુરમાં જીવાખાચરના દરબારમાં બીરાજતા હતા. શ્રીહરિએ એ વખતે સહુ સંતોને દર્શનની બંધી કરેલ હતી, આ વાતની સ્વામીને કોઇએ જાણ કરી, મુકતાનંદ સ્વામી તો દર્શનના પ્યાસી હોઇ શ્રીજીમહારાજના દર્શન કરવા સારું સારંગપુર ગામની ભાગોળે આવી પધાર્યા, ને અહીં એમ થયું કે આપણે શ્રીજીમહારાજના દર્શન કરીને જ દૂર દેશાંતર માં વિચરણમાં જઈએ. સ્વામીએ કોઈ દ્વારા દરબારગઢમાં શ્રીજીમહારાજને કહેવરાવ્યું કે, આપની આજ્ઞા જો હોય તો અમે સંતમંડળ સાથે દર્શન કરવા આવીએ.

શ્રીજીમહારાજે તરત જ ભગુજીને મોકલીને કહ્યું કે, ‘તમે મુક્તાનંદ સ્વામીને કહો કે હમણાં દર્શનની બંધી છે તો જેમ આવ્યા તેમ જ વિચરણ કરવા જતા રહો.’ ભગુજીએ સ્વામીને આ સમાચાર આપ્યા. દૂર ફરવા જવાનું હોવાથી સ્વામીને મનમાં એમ થયું કે હવે શ્રીજીમહારાજના દર્શન ફરીને ક્યારે થશે? આટલું વિચારતા સ્વામી ઉદાસ થયા. સ્વામીને એમ થયું કે, જેવી મહારાજની મરજી! પછી સ્વામીએ ભગુજીને કહ્યું કે તમે થોડીવાર રોકાવ તો હું શ્રીજીમહારાજને એક સંદેશો લખી આપું તે તમે મારા વતિ શ્રીજીમહારાજને આપજો.” વિર ભગુજી તો જાણતા જ હતા કે શ્રીજીમહારાજ સત્સંગની માં સમાન મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતને ક્યારે દર્શને આવવાની ના પડે નહીં, પણ જરુર કંઈક કારણ હોવું જોઈએ…!

ભગુજીએ કહ્યું કે “સ્વામી, કંઈ વાંધો નહીં આપ લખી આપો.”

સ્વામી એ તુંરત જ એક કાગળ લઈ ને શ્રીહરિ નિલકંઠ વેશે લોજના આશ્રમે પધાર્યા ત્યારથી જે સ્મૃતિઓ હતી એ કંડારીને દસ પદનું એક દાસત્વભકિતની પરાકાષ્ઠા સમાન ભાવવાહી કિર્તન લખ્યું કે…

મારે ઘેર આવ્યા રે, સુંદરવર શામળિયો… ,આ કિર્તનના સાતમાં પદમાં સ્વામીએ વર્ણી જ્યારે લોજમાં પધાર્યા અને જેમ સ્વામી કહે એમ અનુવૃત્તિમાં વર્તતા હતા એ વાત્યને વર્ણવીને લખ્યું કે….

આજ તો અમને દર્શન દુર્લભ, ભેળા બેહીને જમતા..! બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા..

જે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા….! બાળ સનેહી રે, મોહન મુજને ગમતા…

આમ, પ્રેમની અનુભૂતિ વર્ણવતા આ કિર્તનના દસ પદની રચના કરી સ્વામીએ ખરડો તુરંત જ ભગુજીને આપ્યો અને કહ્યું કે “જાઓ ભગૂજી, આ સંદેશો શ્રીજીમહારાજ પાસે લઈ જાવ.” ભગુજી ખરડો લઈ મહારાજ પાસે દરબારગઢમાં આવ્યા અને તે શ્રીજીમહારાજને હાથોહાથ આપ્યો. મહારાજે સ્વામીનો સંદેશો જાણીને શુકાનંદ સ્વામીને તે વાંચી સાંભળવા કહ્યું. શુકાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીના ભાવ અનુસાર કીર્તનને ગાઈ સંભળાવ્યું.

શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને પોતા પ્રત્યે આવી ગાઢ ભક્તિ અને અપૂર્વ પ્રેમ જોઈ ગદ્દગદ કંઠે ભગુજીને કહ્યું કે “સ્વામીને તમે જઇને અત્યારે જ અહીં તેડી લાવો.”

મુક્તાનંદ સ્વામી ભગુજીની સાથે મહારાજ પાસે આવ્યા, મહારાજને દંડવત કરવા મંડયા, શ્રીજીમહારાજ ઢોલીયે થી ઉભા થઈ ને દોડીને સદગુરુ મુક્તાનંદ સ્વામીને ભેટી પડ્યા અને પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું: સ્વામી સંતમંડળ સાથે આપ ક્યાં જતા હતા? સ્વામીએ કહ્યું: મહારાજ ગામડાઓ ફરવાની આપે આજ્ઞા કરી છે ને!

મહારાજે કહ્યું “સ્વામી, તમે અમારી સાથે રહો, તમે હવે દેશાંતર વિચરણમાં જવુ રહેવા દયો, આપણે ગઢપુર જઇએ ને પછી તમે અમારી સાથે ભુજ મંદિરની પ્રતિષ્ઠા કરવા સાથે પધારો” આમ સ્વામી પ્રત્યેના ગુરુભાવ અને સ્નેહને વશ શ્રીજીમહારાજે સ્વામીને પોતાની સાથે જ રાખ્યા.

– કિર્તનલીલા અર્થ અમૃતધારામાંથી