યોગીવર્ય સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવનપ્રસંગો…

ટોરડામાં ખુશાલ ભટ્ટ (સદગુરૂ ગોપાળાનંદ સ્વામી) અને કુબેર સોનીનું ઘર જોડાજોડ છે. ખુશાલ ભટ્ટના ઘરની નવેળીની ભીંત એ કુબેર સોનીના ઘરની ભીંત છે. હજુ એ પ્રસાદીના ઘરો મોજૂદ છે. કુબેર સોનીની ત્રીજી પેઢીએ હાલ કૃષ્ણાલાલ લીલાચંદ સોની છે. તેમના કહેવા પ્રમાણે ખુશાલ ભટ્ટ ટોડલા ગામની નિશાળ ભણાવતા હતા ત્યારે તેઓ છોકરાઓ સાથે જંગલમાં છાણાં વીણવા ગયેલા. તે વખતે રમતાં રમતાં કુબેર સોનીએ કાંકરી નાખી તે ખુશાલભાઈને માથામાં વાગી. તેથી તેમણે કુબેરને અનાયાસે શાપ આપેલો કે, ”કુબેર, તારું મોત અસુરને હાથે થશે.” પછી કુબેર સોની તો ઘણું કરગર્યો, એટલે ખુશાલભાઈએ કહ્યું કે ”શાપ તો હવે મિથ્યા થશે નહિ; પણ તને અંતકાળે હું પોતે તેડવા આવીશ.”

કુબેર સોની ગામમાં કાપડનો પણ ધંધો કરતા. એક વખતે તેઓ શામળાજીથી કાપડ ખરીદી ઘેર ટોરડા આવતા હતા. રસ્તે જ્યાં ભાગલીની નેળ આવે છે ત્યાં તેમને લૂંટારાઓ મળ્યા. કુબેર સોનીએ તેમને ઓળખ્યા અને કહ્યું કે ”ઓળખીતા થઈને અમને લૂંટો છો ?” એટલે લૂંટારાઓએ તેમના પગમાં એક તીર માર્યું. તેથી કુબેર ત્યાં જ મરણ પામ્યા. ત્યારે ખુશાલ ભટ્ટ દર્શન દીધાં અને અક્ષરધામમાં તેમને તેડી ગયા. જ્યારે ભટ્ટ કુબેર સોનીને તેડવા ગયેલા ત્યારે પહાડા ગામના પહાડજી દરબારને ખુશાલભાઈનાં દર્શન થયેલાં અને કહેલું કે, ‘અમારા મિત્ર કુબેર સોની ગુજરી ગયા છે, તે અમે તેમને તેડવા જઈએ છીએ.” એ સમયે ટોરડાના જાગીરદાર ને શુરવિર એવા પહાડસિંહ એમની વહારે ચઢેલાં અને કુબેરની લાશ અચલેશ્વરના સ્મશાને લાવી તેમના પરિવારે અગ્નિ સંસ્કાર કરેલો.

જ્યાં કુબેર સોની મરણ પામ્યા હતા ત્યાં હાલ પથ્થરોનો મોટો ઢગલો છે. તે જગ્યા ટોરડાથી શામળાજીના રસ્તે ૪ માઈલ(આશરે ૬ કિ.મિ.) ઉપર બે ડુંગરો અને ગીચ જંગલોની ઝાડી વચ્ચે આવેલી છે. લોકોમાં એવી માન્યતા છે કે એ ઢગલામાં એક પથ્થર ગોપાળાનંદ સ્વામીને સંભારીને બોલી નાખીએ તો એકાંતરિયો તાવ આવતો નથી અને આવતો હોય તો ઊતરી જાય છે. આવી શ્રધ્ધા ભકતોમાં હજુ ઘણી પ્રચલિત છે.

– યોગીવર્ય સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવનપ્રસંગોમાંથી….