રાઇબાઇમાં એ દરબારોને કહેવડાવ્યું કે શ્રીજીમહારાજ આગળ પાઘડીઓ ઉતારીને અરજ કરો જે, હે મહારાજ ! સાધુઓને ખટરસનાં વર્તમાન મુકાવો એવો વર માગીએ છીએ.

એકવખતે શ્રીજીમહારાજ વિચરણ કરીને ગઢપુર પધાર્યા અને દાદાખાચરના દરબારમાં છાના રહ્યા તે કોઇને દર્શન ન આપે અને એકાંતે રહે. વળી ગામ બોટાદમાં દર્શન દેવા કોઇક દિવસ રાત્રિમાં પધારે તથા ઝીંઝાવદર પધારે અને પાછા ગઢડા પધારે. દિવાળી ઉપર મુક્તાનંદ સ્વામી ગઢડા આવ્યા તેમને શ્રીજીમહારાજ સાધુની જાયગામાં ઉતારે દર્શન દેવા મોડી રાત્રિએ જતા. દેવ દિવાળી ઉપર શ્રીજીમહારાજે ગુજરાતમાં જે સાધુ હતા તેમના ઉપર કાગળ લખાવીને ખટ રસનાં વર્તમાન પાળવાની આજ્ઞા કરીને પછી હુતાશનીના સમૈયા ઉપર સર્વ સાધુઓને તથા સત્સંગીઓને તેડાવ્યા. તે સમૈયા ઉપર સાધુ આવ્યા ત્યારે શ્રીજીમહારાજ ગામ કુંડળ સુધી સામા ગયા. ત્યાં સંતો ભેળા થયા અને શુરવિર ભકત એવા રાઇબાઇમાં ના દિકરા અને શ્રીહરિને વિશે અતિ હેત વાળા એવા મામૈયા પટગરને ઘેર ઉતર્યા, સર્વે સાધુઓને જમવા સારુ મોળી ઘઉંની થૂલી કરાવી હતી, તે અર્ધા સંતોને જમવા ઉઠાડ્યા. તેવામાં મોટા મોટા કાઠીદરબારો પણ શ્રીજીમહારાજને દર્શને આવ્યા. ત્યારે તે સાધુ જમતા હતા. તેને જોઇને તથા ખટરસના વર્તમાને કરીને દેહે અતિ દુર્બળ થયેલા જોઇને રાઇબાઇમાં એ દરબારોને કહેવડાવ્યું કે શ્રીજીમહારાજ આગળ પાઘડીઓ ઉતારીને અરજ કરો જે, હે મહારાજ ! સાધુઓને ખટરસનાં વર્તમાન મુકાવો એવો વર માગીએ છીએ. ત્યારે મહારાજે કહ્યું જે. ઠીક, આજથી ખટરસનાં વર્તમાન સાધુને નહીં. ત્યારે મામૈયા પટગરે પંગતિમાં ગોળ-ઘી લાવીને પત્તરમાં એકધારે પીરસ્યાં.

તે દિવસ ત્યાં રહીને કારીયાણી પધાર્યા તે વસ્તાખાચરના દરબારમાં ઉતારો કર્યો અને થાળ થયો તે શ્રીજીમહારાજ જમ્યા અને સર્વે સંતોને જમાડ્યા. પછી સાયંકાળે સભા કરીને પોતે શ્રીજીમહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન થયા અને પોતાના મુખારવિંદ આગળ આવીને સર્વ સંતોની સભા ભરાઇને બેઠી. ત્યારે મહારાજે કહ્યું જે, સર્વે વહેલા કેમ આવ્યા ? તમે વહેલા આવ્યા તેથી પાછા જાઓ. ત્યારે સદગુરૂ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, કોઇ દેખતા હો તો જાણો ને મારો સિતાર લાવો. ત્યારે મહારાજે કહ્યું જે, આમ કેમ બોલો છો ? ત્યારે સંતો બોલ્યા જે સાધુઓને રાસૂંદો થઇ ગયો છે તે દેખતા નથી. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા જે, એક અમારું મંડળ દેખે છે. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમારું મંડળ દેખે છે અને બીજા કેમ નથી દેખતા ? ત્યારે મહાનુભાવાનંદ સ્વામીએ કહ્યું જે હે મહારાજ ? એ સર્વ સાધુને રાસૂંદો થયો છે માટે રાત્રિમાં નથી દેખતા અને અમને તો ગામ ડભાણમાં હરિભક્તોએ સંતોને હેતે કરીને ભાજી કરીને ખવરાવી હતી તેણે કરીને અમારું મંડળ દેખે છે. ત્યારે શ્રીજી મહારાજને દયા ઉપજી ને આંખ્ય માં આંસુ આવી ગયા. તેથી સર્વે સંતોને  પોતાની પાસે રાખ્યા ને પ્રેમીભકત વસ્તાખાચર ના દરબારગઢમાં અતિ સ્નેહે કરીને રસોઇઓ કરાવીને પોતે પીરસી ને જમાડયા.

ત્યાંથી શ્રીજીમહારાજ સર્વ સંતોને સાથે લઇને શ્રી ગઢપુર પધાર્યા. ત્યાં એક રસોઇ જીવા ખાચરની જમ્યા અને ફૂલડોલને દિવસે રસોઇ દાદાખાચરની જમ્યા અને તે દિવસે શ્રીજીમહારાજ ધુળેટીના દિવસે રંગોત્સવ કરીને બહું રંગે રમ્યા અને સર્વે સંતો, હરિભક્તોને સામસામા પક્ષ કરીને બહું રંગે રમાડ્યા, રમતા રમતા રોંઢો થયો એટલે સહુંને સાથે લઇને કીર્તન ગાતા ગાતા ઘેલા નદીમાં નહાવા ગયા. સ્નાન કરીને પાછા આવીને દાદા ખાચરના દરબારમાં વિરાજમાન થયા.

થોડેદિવસે વળી વસ્તાખાચર આગ્રહે સર્વ સંઘે સહિત ચાલ્યા તે ગામ કારીઆણી પધાર્યા અને ત્યાંથી કુંડળ ગયા. અને કુંડળ રહ્યા થકા ભાઇરામદાસજી આદિ સર્વ સંતોને ગુજરાત જવાની આજ્ઞા કરી અને શ્રીજીમહારાજ પાછા ગઢડા પધાર્યા અને ત્યાં ઉનાળાના ચાર મહિના રહ્યા.

– શ્રીહરિવિચરણમાંથી….