લીલાખાના પાંચાભાઈનાં અંધ દીકરી પૂંજીબેનને ભક્તવત્સલ શ્રીહરિએ દ્રષ્ટિ આપી

ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા કરતા અવારનવાર ગામ લીલાખા પધારતા. અહીંના ગામધણી ભકતરાજ મુંજા સુરુની શ્રદ્ધા-ભક્તિથી સ્વામી અહીં વિચરણ માં રોકાણ કરતા. સદગુરું ગુણાતિતાનંદ સ્વામી કથા-વાર્તા કરી ગામ લોકોને સદાચાર અપનાવી, વ્યસન તેમજ કુસંગથી મુક્ત કરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પરિપુર્ણ નિશ્ચય કરાવતા. આ જૂનાગઢના જોગીનો યોગ લીલાખામાં હરિભકત પાંચાભાઈને થયો હતો. એ પહેલા તે મલિન દેવતાઓના સ્થાનકે જઇ ભૂવા થઈ ધૂણતા.
પાંચાભાઈને સત્સંગનો રંગ લાગતા તેમના બે પુત્રો અને એક પુત્રી પણ એ સત્સંગથી ઘેરાયા. દિકરી પૂંજીબેન તો શ્રીજીમહારાજની મૂર્તિમાં પોતાના મનની વૃત્તિઓ જોડીને દિવ્ય દૃષ્ટિ પામ્યા હતા. પુંજીબેન સંસારમાં રહ્યા થકા સાંખ્યયોગીના બહેનોના ધર્મો પાળતા. પૂંજીબેનને પૂર્વ કર્મના પ્રતાપે તેના શરીરના સુખદુખ રહ્યા, તે તેને એકસમયે બળિયાનો રોગ થયો ને તે રોગમાં તેને આંખ્યે અંધાપો આવ્યો.
બાળઅવસ્થામાં જ પુત્રીનો અંધાપો જોઈ હરિભકત પાંચાભાઈને દુઃખનો પાર ન રહ્યો.
તે વારંવાર વિચારે ચડી જઈને મનોમન પોતાનાં કર્યાં કર્મના વિચારો સંભારી ને દુઃખી થતા. નાની એવી પુત્રીના ભાવિના વારંવાર વિચારમાં મન ગોથા ખાઈને પાંચાભાઈનું શેર લોહી બળી જતું.

એક વખત તો પાંચાભાઇ અતિ ખેદ કરતા નિરાશ થઈને આંસુ સારતા આર્તનાદથી શ્રીહરિને પ્રાર્થના કરવા માંડી, ‘હે પ્રભુ ! દીનાનાથ ! કરુણાસાગર ! કંઇક કૃપા કરો અને આ મારી અંધ દીકરીનું કાંક દુખ ટાળો..!’
પાંચાભાઈના હૈયાનો આર્તનાદ સાંભળીને શ્રીહરિએ એમને દર્શન દઇને કહ્યું, “ભગત ! આ શું ચિંતા કરો છો ? તમારી પુત્રી તો દેખતી જ છે. હમણા તો એ રોગથી ઘેરાયેલી હોય એટલે તેની આંખે પડદા પડયા હતા. એ તો દેખતી થઇ ગઇ છે, એ છોકરી તો ભાગ્યશાળી છે, તેના સાસરે જશે ત્યાં પણ અમારો જોગ રાખીને સુખી થાશે. આ તો કર્મની લેણદેણ ચૂકવ્યા વિના છૂટકો નથી.” એમ બોલી શ્રીહરિ પૂંજીબાઇ પાસે આવી માથે હાથ દઈ બોલ્યા, “છોકરી ! તારી આંખો ઉઘાડ. આ તારા બાપા તારી કેટલી બળતરા કરે છે, એના જીવને શાંત કર !”
શ્રીહરિના કહેવાથી પૂંજીબાઇએ આંખો ખોલી અને અચરજ પામતી ચારેકોર નજર ઘુમાવતી બોલી, “બાપુ…! મને હવે તો બધું જ દેખાય છે. જુવો…! જુવો.. સામે શ્રીહરિ ઊભા છે અને તમે પણ છો !” પૂંજીના શબ્દો સાંભળી પાંચાભગતનો તમામ શોક અને ચિંતા ઝાકળની જેમ ઊડી ગઇ અને આનંદિત થયા થકા શ્રીહરિને ધબોધબ દંડવત કરવા લાગ્યા. ઘણી ઘણી દિનભાવે પ્રાર્થના કરતા પાંચાભાઇ બોલ્યા, “મહારાજ ! તમે મારી ઉપર અનહદ કૃપા કરી મારી મૂંઝવણ ટાળી. તમે આજે તમારું ભક્તવત્સલનું બિરુદ સત્ય કર્યું.” પાંચા ભગતની સ્તુતિ સ્વીકારી શ્રીહરિ અંતરધ્યાન થઈ ગયા.

આ પૂંજીબાઈ મોટા થતા એમના લગ્ન ગામ ખાખી-જાળિયા થયા હતા. પરણીને સાસરે ગયા પછી પોતાના સાસરિયામાં પણ સત્સંગના ધર્મનિયમ પાળીને સહું સાસરીયાના કુંટુંબીજનોને ખૂબ સતસંગનો ચડાવ્યો હતો, પૂંજીબેન ગામની સહું બાઇઓને શ્રીહરિના મહીમાની વાતો કરીને સત્સંગનું બળ જીવનભર પુરુ પાડતા.

  • સત્સંગ સ્ત્રીરત્નમાળામાંથી…