વાંકિયાના રાજબાઈ : ”મા ! બળી મારી ચૂંદડી, મારે તો ચૂંદડી આવશે અમરવર પુરુષોત્તમનારાયણની…!’

વાંકિયા ગામના દરબારગઢમાં દસ-બાર વર્ષની દીકરી રાજબાઈ ઢીંગલા-ઢીંગલી કે પાંચીકા સાથે નહીં, પણ ઠાકોરજીની મૂર્તિ સાથે કાલાવાલા કરતા. ઠાકોરજીની મૂર્તિને નવડાવે, શણગાર ધરાવે, ભાવથી જમાડે, જમાડતાં-જમાડતાં ઠાકોરજી હારે વાતો કરે કે ‘જમોને મહારાજ, કેમ નથી જમતા ? ભૂખ નથી કે અમારા હાથનું ભોજન નથી ભાવતું ? સાંભળ્યું છે કે ગઢપુરમાં જીવુબા કે લાડુબા માસી દૂધ ધરાવે છે, ત્યારે તો મોંઢે કટોરો માંડીને પી જાવ છો. તો શું અમથી શું રિસાયા છો ? આમ નાનપણથી શ્રીહરિના સ્વરૂપમાં એમનો નિત્યકર્મ હતો.

જો બેટા ! માસીની એ વાત પડતી મેલ ! અને મારી વાત સાંભળ, તને કાંઈ ખબર છે ?’ રાજબાઇએ પુછ્યું કે ‘ના, શેની ખબર મા ?’ માએ હેતથી માથે હાથ ફેરવીને કહ્યું ‘બેટા રાજુ ! જો આજ તારી ચૂંદડી આવી છે.’ ચૂંદડીનું નામ પડતાં રાજબાઈએ છણકો કર્યો અને બોલી ઊઠયાં, ‘મા ! બળી મારી ચૂંદડી, મારે તો ચૂંદડી આવશે અમરવર પુરુષોત્તમનારાયણની, કોઈ દિવસ ન મરે એવા વરની, મરી જાય એવાની નહીં !’ રાજબાઈના મુખમાંથી શબ્દો નીકળ્યા ન નીકળ્યા ત્યાં તો આશ્ચર્ય થયું. સસરા પક્ષ તરફથી આવેલી ને પટારા ઉપર મૂકેલી નવીનકોર ચૂંદડી ભડભડ કરતી સળગી ગઈ ! એમના માં તો આ જોઇને આભા જ બની ગયા.

આવા મુકતરાજ રાજબાઈ સંસારને પરહરી ગઢપુર આવીને આજીવન શ્રીહરિના શરણે શેષજીવન સમર્પિત થયા, શ્રીજીમહારાજ તેમની અડગ ટેક અને અફર નિશ્ચય જોઈ અતિશે રાજી થયા. શ્રીહરિએ દાદાખાચરને બોલાવીને આજ્ઞા કરી કે “દાદાખાચર, તમારે જીવુંબાં લાડુબા આદિક ચાર બહેનો છે પણ આજથી આ રાજબાઈને તમારાં પાંચમા બહેન તરીકે સ્વીકારજો.” શ્રીહરિના એક વચને દાદાખાચરે આજીવન રાજબાઈને પોતાનાં બહેન તરીકે રાખ્યાં અને ગરાસમાં પણ તેમને ભાગ આપ્યો હતો.

રાજબાઈનું જીવન પહેલેથી જ ત્યાગ-વૈરાગ્યની પરાકાષ્ઠા સમાન હતું. તેઓ નિરંતર વૈરાગ્ય ના કીર્તનો ગાતાં અને ત્યાગ વૈરાગ્ય દ્રઢ થાય તેવાં શાસ્ત્રો જ વાંચતાં. શાસ્ત્રમાં વર્ણવેલાં તપ-જપ-વ્રતમાં તેઓ કાયમ અડગ રહેતાં. એકાદશી, ઘારણાં-પારણાં, ચાંદ્રાયણ જેવાં આકરા વ્રત કરતાં. દિવસમાં ફક્ત એકવખત લવણ વિનાનું અન્ન જમતા, પાણી પીવા તુંબડી રાખતાં અને કાષ્ઠના વાસણમાં જમતા, ગળ્યું-ચીકણું તો કયારેય જમતાં જ નહીં. ભોંય પથારી કરી કાયમ શયન કરતાં. તપ અને વ્રત કરી તેમણે કૃશ શરીર કરી નાખ્યું હતું.

ગઢડા અંત્ય પ્રકરણ ના ૨૪માં વચનામૃતમાં સ્વયં શ્રીહરિએ તેમના ત્યાગના અંગની પ્રશંસા કરતાં કહ્યું છે કે, “વળી જે હરિભક્તને વિષે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ, જે દાદાખાચરને વિશ્વાસનું અંગ અને રાજબાઈને ત્યાગનું અંગ અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ…..”

આખાયે વચનામૃતમાં એકમાત્ર મહિલા ભક્તનો પ્રશ્ન જે ગઢડા અંત્ય પ્રકરણના ૨૫માં રાજબાઈએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે, “હે મહારાજ, કિયા ગુણે કરીને તમે રાજી થાઓ અને કયા દોષે કરીને કુરાજી થાઓ ?” રાજબાઈની રાજી કરવાની આવી કાયમ અંતરે અદમ્ય ઇચ્છા જોઈ ને શ્રીજીમહારાજ પણ ઘણીવાર રાજબાઈ ઉપર અતિશે રાજીપો દર્શાવતા.

લોયા પ્રકરણના ત્રીજા વચનામૃતમાં શ્રીજીમહારાજે ‘મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળા ૨૬ મુકતોની યાદીના વચનામૃતમાં’ રાજબાઈના પૂર્વાશ્રમને યાદ કરતા પ્રભું બોલી ઉઠયા કે “જેને ભગવાનને સંતનો મહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એમ કહીને પછી સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી, ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધરમપુરનાં કુશળકુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ….વગેરે” આમ, રાજબાઈ જીવનભર સદાય મહારાજની મરજી પ્રમાણે વર્તવા તત્પર રહેતાં.

બ્રહ્મચર્ય વ્રતમાં રાજબાઈની કટિબદ્ધતા અજોડ હતી. ભૂલે પણ કોઈ પુરુષનું મુખ કે શરીર પણ જોવાઈ જાય તો નકોરડો ઉપવાસ કરતાં. પુરુષથી પંદર-વીસ હાથ છેટે ચાલતાં હતા, એવાં મહાબ્રહ્મચર્યનિષ્ઠ હતાં. જ્યારે પોતાને શરીર છોડવાનો સમય થયો ત્યારે રાજબાઈએ સર્વે સાંખ્યયોગી બાઈઓને ભેળાં કરી વાત કરી કે, ‘હવે ટૂંક સમયમાં મહારાજ તેડવા આવશે ને મારું શરીર છૂટી જશે. બહેનો ! મારી ખાસ ભલામણ છે. મારા આ શરીરને જ્યારથી સમજણી થઈ ત્યારથી પુરુષનો સ્પર્શ થવા દીધો નથી. મારા મૃત્યુ પછી પણ મારો અગ્નિસંસ્કાર વગેરે અંતિમ ક્રિયા દાદાખાચર જ કરે, પણ બીજો કોઈ પુરુષ આ શરીરને સ્પર્શે નહીં, તેની કાળજી રાખજો. લ્યો, હવે મહારાજ પધાર્યા છે, મોડું થાય છે. સર્વેને છેલ્લા જય સ્વામિનારાયણ.’ આટલું બોલતાં બોલતાં તો રાજબાઈના શરીરમાંથી દિવ્ય તેજનો રાશિ પ્રગટ થયો. સામે એવા જ તેજપુંજમાં બાઈને મહારાજના દર્શન થયાં. અખંડ બ્રહ્મચર્યવ્રત ધારી રાજબાઈ પોતાના અખંડ વરની સેવામાં જોડાઈ ગયાં. રાજબાઈનું શરીર છૂટી ગયું.

ઘેલાને કાંઠે જ્યારે રાજબાઈના શરીરનો અગ્નિસંસ્કાર વિધિ થઈ રહ્યો એ સમે રાજબાઈની છેલ્લી ઇચ્છા પ્રમાણે પુરુષો સર્વે દૂર ઊભા છે. રાજબાઈના શરીરને ચિતા ઉપર ગોઠવી દાદાખાચર ઘાસના પૂળામાં અગ્નિ મૂકી ચિતા પ્રગટાવવા પ્રયાસ કરે છે, પણ ચિતા પ્રગટતી નથી. અગ્નિ ઠરી જાય છે. નથી વા કે નથી વરસાદ છતાં ત્રણ-ત્રણ વખત અગ્નિ ઓલવાઈ ગયો !

દાદાખાચર મૂંઝવણમાં પડી ગયા. તુરત એક માણસને બોલાવી ગોપાળાનંદ સ્વામી પાસે રવાના કર્યો.

માણસે આવીને વાત કરી, ‘સ્વામી ! રાજબાઈના દેહને અગ્નિ લાગતો નથી, વારંવાર ઠરી જાય છે. દાદાખાચર મૂંઝાયા છે.’ એ વખતે યોગીરાજ ગોપાળાનંદ સ્વામી પળવારમાં ગંભીર બની આંખો મીંચી ગયા પછી મંદ મંદ હસીને બોલ્યા ‘ભાઈ, અગ્નિ નહીં લાગે. આ તો સતીનું શરીર ખરુંને ! અગ્નિદેવને ડર છે, હું સતીના શબને સ્પર્શ કરીશ તો શાપ દેશે. પણ જાવ, દાદાને કહેજો અગ્નિદેવને મારા વતી વિનંતી કરે કે સતી તો ગયાં, આ તો પંચભૂતનું ખોખું પડયું છે. માટે એના સ્પર્શનો દોષ તમને નહીં લાગે.’ આ બાજુ દાદાખાચર નિરાશ થઈને બેઠેલા છે. પેલા માણસે આવીને બધી વાત કરી. દાદાખાચરે સ્વામીના કહેવા પ્રમાણે અગ્નિદેવને વિનંતી કરી. અગ્નિ મૂક્યો ત્યાં તો આશ્ચર્ય થયું. વારંવાર ઠરી જતા અગ્નિદેવે ચિતામાં પ્રવેશ કર્યો. ભડભડ અગ્નિ બળવા લાગ્યો.

સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી શ્રીભકતચિંતામણીના પ્રકરણ ૧૧૨ની પંક્તિ ૨૭-૨૮ માં મુકતરાજ રાજબાઈની બ્રહ્મચર્યની અડગતાને ચિંતવતા લખ્યા છે કે….

હવે સાંખ્યયોગી બાઈયો જેહ, જેને પ્રભુ સાથે છે સનેહ…!

અતિ ત્યાગી ને વળી અકામ, કહું તેનાં સાંભળજ્યો નામ…!!

મુખ્ય રાજબાઈની એ રીતિ, પ્રભુ વિના નહિ કિયાં પ્રીતિ..!

જીવુબાઈ જીવનાં ઉદાર, રાખ્યા પ્રભુ ન રાખ્યો સંસાર..!!

– શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી….