વિજ્ઞાનાનંદ સ્વામી નિમાડ દેશના સીતાપુર ગામે પધાર્યા. બિમાર ગામધણી દરબારશ્રી રામસીંહજીને શરીરે પીડા મટી ગઇ ને રોગ મુક્ત થયા.

શ્રીહરિની આજ્ઞાએ સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી નિમાડ દેશમાં સત્સંગ વિચરણ કરાવવા પોતાના મંડળ સાથે ફરતા હતા. અનેક મુમુક્ષું જીવોને શ્રીહરિની ઓળખાણ કરાવીને પરમપદની પ્રાપ્તિની ઓળખાણ તેમજ પંચવર્તમાન દ્રઢ કરાવતા હતા. એકસમયે વિજ્ઞાનાનંદ સ્વામી ફરતા ફરતા નિમાડ દેશના દાંતિયા તાલુકાના સીતાપુર ગામે પધાર્યા. સંતોના યોગે ઘણા મુમુક્ષુંઓ સત્સંગી થયા હતા. ગામધણી દરબારશ્રી રામસીંહજીએ વખતે ઘણા બિમાર હતા ને ખાટલાવશ હતા, ઘણા ઘણા હાકિમ વૈદો પાસે દવાદારૂ કરાવવા છતા પોતાની માંદગીમાં ફેર પડતો નહોતો. પોતાના ગામના રામજી મંદિરે સ્વામિનારાયણ ના સંતો પધાર્યા જાણીને પોતાના કારભારીને એણે સંતોને પોતાના દરબારગઢમાં તેડી લાવવા સારું મોકલ્યો. સ્વામી પોતાના મંડળ સાથે ગામના હરિભકતો લઇને દરબારગઢમાં દરબારશ્રી રામસીંહને દર્શન આપવા પધાર્યા.
મુમુક્ષું એવા રામસીંહજી ઘણા સમયથી બિમાર હતા, પોતે ખાટલામાં બેઠા થઇ શકતા ન હતા, રામસીંહજીએ સુતા સુતા ખાટલામાંથી જ સ્વામીને પ્રણામ કરતા કહ્યું કે ‘મારા શરીરમાં રોગને લીધે અસહ્ય પીડા છે, અતિશય અશકિત વર્તે છે, હુ પથારીમાંથી બેઠો થઇ શકતો નથી. મને વૈદો એ અસાધ્ય રોગના લીધે આખરીનામું આપી દીધું છે, આથી મને મનમાં એક પીડા હતી કે મારા મરતા પહેલા આપ જેવા કોઇ મોટાસંતના દર્શન થાય તો સારું, આજે ભગવાને મને કૃપા કરીને ઘરે બેઠા એ યોગ કરી આપ્યો. આપ પધાર્યા એ મારા ઉપર બહુ મોટી મહેર કરી.’ આમ રામસીંહજી આંખ્યમાં આંસુ સાથે હાથ જોડીને પ્રાર્થના કરતા રહ્યા.
શ્રીહરિને અખંડ ધારી રહેલા એવા સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી બોલ્યા કે “જુઓ દરબાર, ભગવાન સર્વકર્તાહર્તા છે, આપ જો રહ્યા જીવનમાં સત્સંગ ગ્રહણ કરીને ભગવાનનું ભજન કરો તો અમે ભગવાનને પ્રાર્થના કરીને તમને નવું જીવન અપાવીએ..!” આ સુણીને દરબારશ્રી રામસીંહજીને સ્વામીની વાતમાં વિશ્વાસ આવ્યો એટલે હાથમાં જળ ગ્રહણ કરીને સ્વામીના વચને વર્તવાની પ્રતિજ્ઞા કરી. સ્વામી ઠાકોરજીને જળ ધરાવીને પોતાની પુજાની ઝોળીમાંથી સાકરની કણીઓ કાઢીને એ જળમાં ભેળવીને દરબારશ્રીને ભગવાનને સંભારતા થકા પીવા સારું કહ્યું, રામસીંહજી તો સ્વામીના વચને ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ..’ એમ મહામંત્ર નામ રટણ કરતા થકા પી ગયા.

સ્વામી ના આશીર્વાદથી દરબારને શરીરે પીડા મટી ગઇ ને રોગ મુક્ત થવા લાગ્યા. સ્વામી બે-ત્રણ દિવસે ફરીને ગયા ત્યાં ત્યારે તો દરબારશ્રી જાતે જ પોતાના ખાટલેથી ઉઠીને સ્વામીને ચરણે દંડવત કરવા લાગ્યા. સ્વામીને હાથ જોડીને કહેવા લાગ્યા કે ‘આજથી મારી તમામ ધનસંપત્તિ, રાજ-દરબાર, જમીન, વસ્તુ-પદાર્થ એ તમામ તમારા ચરણે અર્પણ કરું છું, મારું નવું જીવન તમારા વચને ભગવાન ભજવા કે સેવામાં વપરાય એવું વચન આપું છું.’ ત્યારે વિજ્ઞાનાનંદ સ્વામી કહે કે ‘જુઓ દરબાર, અમે તો પ્રગટ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ત્યાગી સાધુ છીએ, અમારે કોઇ વસ્તુ પદાર્થ ગ્રહણ કરતા નથી. જાજા જીવ ભગવાન ને ભજે એ સારું અમને ભગવાન શ્રીહરિએ સત્સંગ વિચરણ કરવા સારું આજ્ઞા કરી છે. હવે નવજીવનમાં ભગવાનને ભજજો, જે કાંય સત્સંગના અર્થે વપરાય એ વાપરીને તમારા અંતરાળનું ભાથું બાંધજો..! આ માનવદેહ તો અતિ દુર્લભ છે એ કદી ભૂલશો નહી..!’ આમ સ્વામી એમને ઉપદેશ કરીને પરત મંદિરે પધાર્યા.
દરબાર રામસીંહજીના આગ્રહે વિજ્ઞાનાનંદ સ્વામી કેટલાક દિવસ સુધી ત્યાં રોકાયા અને એમને સત્સંગ કથાવાર્તા કરીને શ્રીહરિના સ્વરુપમાં દ્રઢ નિષ્ઠા કરાવી. રામસીંહજીએ પણ સંતોને અવાર નવાર તેડાવી, મંદિર બંધાવી તેમજ સહું સંતો તથા સત્સંગીઓને રાજી કરીને પોતે અક્ષરધામના અધિકારી બન્યા હતા.

સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભક્તચિંતામણિ પ્રકરણ ૧૨૬ માં ચિંતવતા સહુને લખ્યું છે કે

નકી ભક્ત નિમાડના, જેનાં અતિ આકરાં અંગ..!
કરડાં કઠણ વચન, જેને શીશ સાટે સતસંગ…!!
સમજાવ્યા સમજે નહિ, અતિ જડમતિ અડબંગ..!
એવા દેશમાં અવતરી, જેણે કર્યો સાચો સતસંગ..!!
એવા જન પાવનનાં, કહો કેમ ન લખીએ નામ..!
લખવા લાલચ્ય મુજને, જેને મળ્યા સુંદર શ્યામ..!!

  • બ્રહ્મનિષ્ઠ સંતોમાંથી…