વ્યાપકાનંદ સ્વામી ગામડા ફરવા ગયા. તે ફરતા ફરતા થાનગઢમાં વાસંગી નાગનું મંદિર છે તેમાં રાત રહ્યા, તે મંદિરના ઘુમટમાં સ્ત્રીની પુતળીઓ ચિતરેલી હતી, તેની સામે સ્વામીએ જોયું ત્યાં તે પુતળીઓ જાણે સજીવન નાચતી હોય કે શું ?

એકવખતે શ્રીજીમહારાજ મછીઆવ ગામે પધાર્યા. ત્યાંના સત્સંગીજનો સર્વે ગાજતે વાજતે શ્રીજીમહારાજની સન્મુખ આવ્યા. સૌ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢીને ગામમાં આવ્યા અને બાપુભાઇને ઘેર ઉતારો કર્યો. બાપુજીભાઇએ સારાં સારાં ભોજન તથા વ્યંજન કરાવીને મહારાજને જમાડ્યા. ત્યાર પછી મહારાજને દર્શને આવેલા ગામના હરિભક્તો દર્શન કરીને સભામાં બેઠા હતા તેની આગળ શ્રીજીમહારાજે વાર્તા કરી જે, સર્વે ગૃહસ્થાશ્રમી અમારા સત્સંગીઓ ! તમો સાંભળો જે, દશરથ રાજાએ કૈકૈયીનું માન્યું તો પોતાના પ્રાણ ખોયા. માટે કોઇ કોઇ સ્ત્રીઓ અલ્પ કામ સારુ  પણ રાત દિવસ કંકાસને કરે છે. જેમ સત્યભામાએ પારિજાત પુષ્પને માટે શ્રીકૃષ્ણ ભગવાનને પણ કટુ શબ્દ કહ્યા. વળી સ્ત્રી રૂપી ભાગીરથી નદી સદા વાંકા સ્વભાવવાળી છે. માટે સારી ધર્મવાળી સ્ત્રી હોય, અથવા માતા હોય તો પણ તેનું કહ્યું વિચારીને જ કરવું. વળી સ્ત્રીનું ઘણું સન્માન કરવું. વળી અમારા સર્વ ત્યાગીને તો ચિત્રની સ્ત્રી હોય અથવા કાષ્ઠની પુતળી હોય તો પણ દૃષ્ટિપૂર્વક જોવી નહીં, તો પછી તેનો સ્પર્શ તો થાય જ કેમ ? ત્યારે સભામાંથી વ્યાપકાનંદ મુનિએ પૂછ્યું જે, હે મહારાજ ! પાષાણ તથા ચિત્રની સ્ત્રી તે તો નિર્જીવ કહેવાય, તે શું બંધનની કરનારી છે?

તે સુણી ને શ્રીજીમહારાજ મંદ મંદ હસતા કહે જે, સ્વામી, એનો ઉત્તર આજ નહીં કરીએ, હમણાં તમે સત્સંગ વિચરણ માં ફરવા જાઓ.’ પછી વ્યાપકાનંદ સ્વામી બહાર ગામડા ફરવા ગયા. તે ફરતા ફરતા થાનગઢમાં વાસંગી નાગનું મંદિર છે તેમાં રાત રહ્યા, અને તે મંદિરના ઘુમટમાં સ્ત્રીની પુતળીઓ ચિતરેલી હતી, તેની સામે સ્વામીએ જોયું કે ભાન ભૂલી ગયા અને તે પુતળીઓ જાણે સજીવન નાચતી હોય કે શું ? એમ તેણે જોયું.

પછી સ્થિરચિત્તે વ્યાપકાનંદ મુનિએ શ્રી હરિનું ધ્યાન ધર્યું અને પ્રાર્થના બહુ કરી ત્યારે તે ચિત્રો હતાં તેમ જ સ્થિર થયાં. સ્વામી સત્સંગ માં ફરીને ગઢપુરમાં શ્રીજીમહારાજ પાસે આવ્યા ત્યારે ગદ્‌ગદ્‌ કંઠે બોલ્યા જે, હે મહારાજ ! હવે આપની વાત મેં બરાબર સાચી માની છે. એમ કહીને પોતાનું સર્વે વૃત્તાંત કહી સંભળાવ્યું. શ્રીહરિ વ્યાપકાનંદ સ્વામી ઉપર રાજી થયા અને માથે બે હાથ મેલ્યા. શ્રીહરિ એ દિવસે હરિભક્તો રસોઇની સામગ્રી લાવ્યા હતા એ સીધાની રસોઇ કરીને વ્યાપકાનંદ સ્વામી આદિ સર્વ સંતો ને અતિ હેતે જમાડ્યા.

– શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર અધ્યાય ૭૩માંથી….