શ્રીજીમહારાજ કાળાતળાવમાં જ્યારે કૂવા ઉપર પધારે ત્યારે ગામના સહુ લોકો પણ એમ બોલે જે, “ચાલો કૂવે પાણી ભરવા, ઓલો હરભમ સુતારનો બાવો કૂવે જાય છે.”

એકસમે શ્રીહરિ કચ્છદેશમાં આત્માનંદ સ્વામી, ભાઇરામદાસ સ્વામી વગેરે સહું સંતો સાથે કાળાતળાવ ગામે પ્રેમીભકત હરભમસુતારને ત્યાં બિરાજમાન હતા, ઉનાળાનો સમય હતો એટલે શ્રીહરિ ગામ બહાર તળાવના કૂવા પાસે ઝાડના છાંયડે સભા કરીને બેસતા હતા. સહુ કોઇ મુમુક્ષુંજનો ને પોતાના ઐશ્વર્ય પ્રતાપથી પોતાના પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવતા હતા.

આ વરહે ઉનાળાનાં સમયે કાળાતળાવ માં તળાવના કૂવામાં પાણી બહુ ઉંડે જતું રહ્યું હોવાથી લોકોને ઘણું કષ્ટ હતું. સંતોને નહાવા તેમજ સહુકોઇ ગામજનો ના ઢોરઢા્ખર કે ગામની પનિહારીઓને પાણી ભરવા ઉપરાંત ગામની મોટાભાગની પાણીની જરુરિયાત એ ગામના કૂવેથી જ સહુ કોઇ ઉંડેથી સીંચીને મેળવતા.

એકદિવસે શ્રીહરિએ સહુકોઇને એ પરિશ્રમ કરતા જોઇને અતિશય કરુણા કરતા થકા કૂવાના કાંઠા ઉપર થાળામાં બેસીને કૂવામાં પોતાનાં ચરણારવિંદ લટકતાં મેલ્યાં. તેથી તુંરંતજ કૂવાનું પાણી શ્રીજીમહારાજનાં ચરણારવિંદને સ્પર્શ કરવા અધ્ધર આવ્યું. પછી જ્યારે જ્યારે સાધુને માટે પાણી ભરવું હોય ત્યારે શ્રીજીમહારાજ કૂવા ઉપર જઇને પોતાનાં ચરણારવિંદ કૂવામાં રાખીને બેસે ત્યારે પાણી ઉપર આવે. જ્યારે સાધુ માટે પાણી ભરાઇ રહે ત્યારે બીજાં ગામ લોકો પણ હારે હારે પાણી ભરી લે.

આમ, શ્રીજીમહારાજ જ્યારે કૂવા ઉપર પધારે ત્યારે ગામના સહુ લોકો પણ પરસ્પર એમ બોલે જે, “ચાલો કૂવે પાણી ભરવા, ઓલો હરભમ સુતારનો બાવો કૂવે જાય છે.” એમ કહીને સહુ ઉતાવળા પાણી ભરવા આવે.

શ્રીજીમહારાજ જ્યાં સુધી કૂવા ઉપર બેસી રહે ત્યાં સુધી પાણી ઉંચું રહે. કૂવાથી હેઠા ઉતરીને જ્યારે ઉતારે પધારે ત્યારે વળી પાણી નીચું ઉતરી જાય. આમ, ઘણાંક દિવસ સુધી ઐશ્વર્ય પ્રતાપ દેખાડતા થકા ગામના ઘણાય મુમુક્ષુંઓને પોતાનું પુરુષોત્તમપણું દેખાડીને સત્સંગી કર્યા.

એવી રીતે મહારાજે કાળાતળાવ ગામને વિષે રહ્યા થકા પોતાનો ઘણોક પ્રતાપ દેખાડ્યો.

– શ્રીકચ્છલીલા અધ્યાય ૯૧માંથી….