શ્રીજીમહારાજ રાજી થયા ને બોલ્યા કે “સિંહના તો સિંહ જ હોય ને’’ આમ, ત્રણેયને સાધુ દીક્ષા આપી ‘‘પ્રજ્ઞાનંદ સ્વામી, નિઃસ્વાદાનંદ સ્વામી તથા ત્રિગુણાતીતાનંદ સ્વામી’’ એવા નામ પાડ્યું.

શ્રીજીમહારાજના વિરાટ નંદસંતોના નભમંડળમાં અનેક તેજસ્વી નક્ષત્ર મંડળો શોભતાં હતાં. તેમાં સદગુરુ નિત્યાનંદ સ્વામીના મંડળમાં અનેક તેજસ્વી ગ્રહ તારલાઓ હતા. જેમાંના પ્રજ્ઞાનંદ સ્વામી એક નિઃસ્વાર્થ, ઉદાર સેવાભાવી અને કઈંક મુમુક્ષુ માનવી ઓને પ્રગટ શ્રીહરિની ઓળખાણ કરાવીને ભગવદનુરાગી બનાવે એવા અતિ સદગુણી હતા.

સદગુરુ પ્રજ્ઞાનંદ સ્વામી નો જન્મ તીર્થસ્વરુપ મેંથાણ ગામમાં એક સત્સંગી પરિવારમાં થયો હતો. મેંથાણ ગામમાં દુર્વાસા ઋષીના શાપથી શ્રીહરિ સમામાં અનેક મુકતાત્માઓ પ્રગટ થયા હતા. મેંથાણ ગામમાંથી કુલ ૧૩ નંદસંતો બન્યા હતા. તેથી શ્રીજીમહારાજને પણ મેંથાણ ગામના હરિભક્તો પ્રત્યે ખૂબજ સ્નેહ હતો.

એકસમયે શ્રીહરી વિચરણ કરતા કરતા મેંથાણ પધાર્યા. ત્યાં હરજી પટેલ (હીરા પટેલ) નામના શ્રીહરિના પ્રેમીભક્ત અને શુરવિરભકત રહેતા. તેઓ ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમને જીવરાજભાઈ તથા પીતાંબરભાઈ નામના બે પુત્રો હતા. બેઉ ભાઇઓમા્ં પીતાંબરભાઈ પરણેલ ગૃહસ્થ હતા. તેમને લગ્નજીવનથી સંતાન પણ હતા, પરંતુ પીતાંબરભાઈને આ દુષ્કર સંસાર પ્રત્યે વૈરાગ્ય થતા, તેઓ સંસારમાંથી અલિપ્ત થઈને શ્રીજીમહારાજ પાસે આવ્યા અને શ્રીહરિને પોતાને શરણે લઇને સાધુ કરવા અરજ કરી. શ્રીજીમહારાજે એમને સાથે લીધા અને મહાભાગવતી દિક્ષા આપીને તેમનું ‘‘પીતાંબરાનંદ’’ એવું શુભ નામ પાડ્યું. સમય જતાં તેમનાં ત્રણેય પુત્રને પણ પોતાના દાદા હરજીભાઇ (હીરાભાઇ) ખરેખરા સત્સંગી હોય અવારનવાર સંતો-ભકતોના સમાગમનો લાભ મળતો, આથી તેઓને પણ સાધુ થવાની અદમ્ય અભિલાષા જાગી, તેથી તેઓએ પણ શ્રીહરિ પાસે જઈને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે શ્રીજીમહારાજ અતિ રાજી થયા અને સહુ વચાળે સભામાં બોલ્યા કે “સિંહના તો સિંહ જ હોય ને’’ આમ, શ્રીજીમહારાજે તેમને પણ ભગવી કંથા પહેરાવીને સંતમંડળમાં સ્વીકાર્યાને સાધુ દીક્ષા આપી ‘‘પ્રજ્ઞાનંદ સ્વામી, નિઃસ્વાદાનંદ સ્વામી તથા ત્રિગુણાતીતાનંદ સ્વામી’’ એવા નામ પાડ્યું.

આ પ્રજ્ઞાનંદ સ્વામી સદગુરુ નિત્યાનંદ સ્વામીના મંડળમાં એમના શિષ્યભાવે રહેતા અને નિત્યાનંદ સ્વામીની સેવા કરીને કાયમ એમની અનુવૃત્તિ માં જ રહેતા. પ્રજ્ઞાનંદ સ્વામી સ્વભાવે નિર્માની, નિખાલસ અને સેવાના અંગવાળા સંત હતા. તેમણે સત્સંગ પ્રચાર પ્રસારમાં શ્રીજીમહારાજની આજ્ઞા પાળીને આ જીવન ચંદનની જેમ ઘસી નાંખ્યું, તેમજ તેઓ એ વિષમકાળમાં સત્સંગ વિચરણ વખતે સદગુરુ નિત્યાનંદ સ્વામીની સેવા કરીને એમનો અતિ રાજીપો રળેલો.

મૂળી મંદિરના મહંત તદ્રુપાનંદ સ્વામીની વાતોમાં ઉલ્લેખ છે કે “પ્રજ્ઞાનંદ સ્વામીએે શ્રીજી મહારાજના દર્શન મૂળીમાં પણ કર્યા હતા. પ્રજ્ઞાનંદ સ્વામી, નિઃસ્વાદાનંદ સ્વામી તથા ત્રિગુણાતીતાનંદ સ્વામી ત્રણેય સગા ભાઈઓ થતા હતા. તેમાં પ્રજ્ઞાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીના શિષ્યથઈને વડતાલમાં રહેતા હતા અને નિઃસ્વાદાનંદ તથા ત્રિગુણાતીતાનંદ સ્વામી ગઢપુરમાં રહેતા અને ત્યાં જીવનભર શ્રીગોપીનાથજી મહારાજના કોઠારની નિષ્કામભાવે સેવા કરતા. તેઓને એક-એક હજાર કીર્તન ના પદો કંઠસ્થ હતા.

સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ પણ શ્રીભકતચિંતામણીના પ્રકરણ ૧૧૭ની કડી ૧૫-૧૬માં મેથાણ ગામના આ પરિવારના હરજીભાઇ (હીરાભાઇ) ને ચિંતવતા લખ્યા છે કે….

જીવો કૃષ્ણને પ્રાગો પંચાણ, ગોવો હિરો માવો ભલો જાણ્ય..!

નાથો વેલો કેશવજી ભાણો, હરિભકત કોળી એક રાણો..!!

એહાદિ જન મેથાણ માંઇ, ભરાડા માં મુક્ત મોતીબાઇ..!

હરિભકત દ્વિજ વજેરામ, તેહ લખીયે લૂવાણે ગામ..!!

– શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી….