શ્રીજી મહારાજે કહ્યું, ”સાધુમાં ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભક્તોમાં દાદા ખાચર, પર્વતભાઈ જેવા કોઈ અમે જોયા નથી. એ કારણે તો અમે આંહી કાઠિયાવાડમાં રહ્યા છીએ.

એકસમે ગઢપુરમાં શ્રીજી મહારાજનાં દર્શન કરવા પર્વતભાઈ અને એમના પત્નિ અમૃતબાઈ સાથે મુકતરાજ મયારામ ભટ્ટ આવ્યા. ત્યારે શ્રીજી મહારાજે સભામાં કહ્યું, ”સાધુમાં ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા કોઈ અમને સાધુ મળ્યા નહીં અને બ્રહ્મચારીમાં મૂળજી બ્રહ્મચારી, જેરામ બ્રહ્મચારી છે. ભક્તોમાં દાદા ખાચર, પર્વતભાઈ જેવા કોઈ ભક્ત અમે જોયા નથી. આ બધાયને કારણે તો અમે આંહી કાઠિયાવાડમાં રહ્યા છીએ, નહિ તો અમને વન સિવાય ક્યાંય ગમતું ન હતું ને ગૌ-દોહન સુધી પણ રોકાતા નહોતા.”

તે સાંભળી સુરા ખાચર બોલ્યા, ”હા… મહારાજ…હા…, અગતરાઈમાં ઓલ્યો ભીમભાઈ બોલ્યો હતો એ સાચું જ બોલ્યો હતો.” તે સાંભળી માતરા ધાંધલે પૂછયું, ”શું બોલ્યો’તો… ઈ’ તો કો’સુરાબાપું?”

સુરાખાચર હસતા હસતા કેય કે “ઈ કે’તો તો, મહારાજ હવે કણબીનું બહુ રાખે છે.”

માતરા ધાધલ કહે ‘માળું ઈ સાચું હોં, આપણે આટલા બધા કાઠી દરબારો દરબાર ગરાસ મેલી એની હારોહાર ભટકીએ છીએ, તોએ જરાએ એના લેખાંજોખાં નહિ અને ઓલ્યો ભોં-ફાડો કણબી પર્વત એને ઘેર બેઠો બેઠો ખેડય કરે તોય એને ઈ જ વ્હાલો લાગે…!”

મયારામ ભટ્ટે પણ વાતમાં ટેકો પૂરતા કહ્યું, ”દરબાર ! તમે કહો છો ઈ સોળઆની વાત છે, પણ…”

‘એ ભટ્ટજી! ‘કેમ પણ..!’ કઇને વાત અધૂરી ગળી ગયા ?”

મયારામ ભટ્ટ કહે કે ‘મહારાજ અમારા ભામણ માં જનમ્યા, પણ ભામણને ભૂલીને સાવ બીજા જ એને વાલા છે.’

‘માળો ભામણ..! બવ જાણે છ હો, ખાલી ડોળ કરીને બહારથી જ દેખાડો કરે છ.!” માતરા ધાધલે હળવેકથી કહ્યું.

ત્યાં મહારાજ થાળ જમીને પાછા પધાર્યા. તે પછી સૌને જમવા ઊઠાડયા, પણ પર્વતભાઈ ન ઊઠયા, ત્યાં જ બેઠા રહ્યા. એને જોઈ મહારાજ બોલ્યા કે

‘બ્રહ્મચારી ! પર્વતભાઈને જમવું નથી ?” ભટ્ટજી કહે ‘મહારાજ ઈ તો એ કથા શરૂ થઈ તે દિ’ના આયા જ બેઠા રહેતા જોઉં છું.”

‘તો એ ક્યાં જમતા હશે ? બાયુમાં જઈને એના ઘરવાળા અમૃતબાઈને જઈ પૂછી તો આવો, એ ત્યાં જમાડતા હશે.” સર્વસુજાણ મહારાજે કહ્યું.

બ્રહ્મચારી તો તરત મોટાબાના ઓરડાની ઓસરીએ ઊભા ઉભા સાદ કરી ને બોલ્યા, ”અમૃતબાઈ ! એ પર્વતભાઈને તમે જમાડો છો કે ?”

‘ના… રે ના… બ્રહ્મચારીજી ! આ સાત દિ’થી મેં તો એનું મોંઢુંય જોયું નથી. મને તો એમ કે તે ત્યાં મહારાજ પાસે જ જમી લેતા હશે !” અમૃતબાઇ ઓરડામાંથી બોલ્યા.

‘લે…! કર્ય વાત, છે ને ઉખત્ય ?” બોલતા બોલતા બ્રહ્મચારી પાછા મહારાજ પાસે આવી બોલ્યા, ”એ અમૃતબાઈ તો સામે બોલ્યા કે એને મહારાજ તો જમાડતા હશે ને..! એણે તો સાત દિ’થી મોંઢુંય જોયું નથી !”

એ સાંભળી મહારાજ બોલ્યા, ”લ્યો… આનું નામ વાસીદામાં સાંબેલું ગયું એવી વાત થઈ, અમેય તેને કોઈ દિ’ જમાડયા નથી.”

વાત થઈ રહી હતી, તે વખતે સૌ ભક્તો જમીને પાછા આવ્યા ને બેઠા ત્યારે મહારાજે ઊંચા અવાજે કહ્યું, ”એ સાંભળો સૌ, તમારા મનમાં થતું હશે કે અમે પર્વતભાઈનું બહુ રાખીએ છીએ ને વખાણ કરીએ છીએ. તો આમાંથી કોઈ કહેશો કે પર્વતભાઈને ક્યારેય અહીં આવ્યા પછી જમતા જોયા છે ?”

સૌ એકબીજાના મોંઢા સામે જોવા લાગ્યા. કોઈ ઊભા ન થયા ત્યારે મહારાજ ફરી બોલ્યા, ”અમે પર્વતભાઈને અમથા નથી વખાણતા, એ અહીં સાત દિ’થી આવ્યા છે ને અખંડ ખાધા વિના અમારા ધ્યાનમાં જ બેસી રહ્યા છે. આમાંથી કોઈ એક તો બતાવો કે એક ટંકેય જમ્યા વિના રહ્યું હોય ?”

સભામાં રીંગણી માથે હીમ પડે ને ગોટો વળી જાય એમ સોપો પડી ગયો. ઘડીક પહેલા જ ગણગણાટ કરનારા તો નીચા મુંડા કરી ઊંધું ઘાલી બેઠા રહ્યા.

તે પછી મહારાજે પર્વતભાઈને પૂછયું, ”પર્વતભાઈ ! તમે ક્યાં જમો છો ? ક્યારે જમો છો ?”

પર્વતભાઇ હાથ જોડી બોલ્યા ‘અરે મહારાજ ! તમારી મૂર્તિ મેલીને રોટલામાં શો જીવ ઘાલવો ? પંડય ને પાંચ-પનર દા’ડા  ખાવા ન મળે તો કાંઈ થોડું પડી જવાનું છે ? રોટલા તો તેની પછીએ મળી જશે, પણ આવું તમારું દર્શન, કથા-મૂર્તિનું સુખ આ જીવને કે’દિ મળે ? એ મેલીને રોટલા થોડા ભાવે !”

પર્વતભાઈની વાત સાંભળી મહારાજ બોલ્યા, ”લ્યો ! જુવો આ પર્વતભાઈની નિષ્ઠા-ધ્યાન. અમારા સિવાય તેને ક્યાંય સુધબુધ નથી, એટલે તો અમે તેને વખતોવખત સંભારીએ છીએ, તે સાંભળવું તમને ગમતું નથી, પણ તમે એક દિ’તો એની રીતે રહી જુવો ?”

સભા આખીય થીજી ગઈ. કોઈ કાંઈ બોલ્યું જ નહીં. ત્યાર પછી મહારાજે કથા શરૂ કરાવી.

– ‘મૂર્તિનું સુખ’ લેખમાળામાંથી…..