શ્રીહરિએ જેઠા ભગતને બોલાવી કહ્યું કે “આવો જેઠા ભગત! તમને તો ડાકોરનાથ શ્રીરણછોડરાયે મોક્ષ કરવા માટે મોકલ્યા છે ને?

વડતાલથી આશરે ૨૬ કીલોમીટરના અંતરે દાવલ ગામ (હાલનું નામ દાવોલ) આવેલું છે. આ દાવોલ ગામમાં જેઠાભાઇ પટેલ નામના મુમુક્ષુ હરિભકત રહેતા હતા, જેમણે ભગવાન શ્રીહરિને પામવા સારું અદભુત પ્રયત્ન કરેલો. જેઠાભાઇ પટેલ દાવોલ ગામમાં ખેતીવાડી કરતા હતા. દાવલ ગામમાં રામજી મંદિર, ભાગોળના શિવ મંદિરે થતી કથાવાર્તા દ્રારા તેમણે જાણ્યું કે ભગવાન મળે તો જ આ મનુષ્ય જન્મ લેખે થાય. પોતાને મળેલા મનુષ્ય જન્મમાં ભગવાન ના દર્શન સારું શ્રદ્ધાથી દાવોલથી ડાકોર સુધી દંડવત કરતા કરતા શ્રીડાકોરનાથ રણછોડરાયના દર્શન કરવા જતા. દાવોલથી ડાકોર લગભગ ૬૦ કિમિ જેટલું અંતર થાય ! ડાકોર પહોંચી ને ત્યાં થોડા દિવસ રોકાય. ગદગદ કંઠે ડાકોરનાથ શ્રીરણછોડરાયજીને પ્રાર્થના કરે કે “ હે ડાકોરનાથ! મને પ્રત્યક્ષ દર્શન આપો અને મારો મોક્ષ કરો! “ આ રીતે બાવીશ વરસ સુધી ડાકોર સુધી દંડવત કરતા કરતા દર્શને જતા! શિયાળો, ઉનાળો કે ચોમાસુ હોય, કોઈ વિકટ સંજોગો હોય, પણ આવા પ્રયત્નો એમણે બાવીસ વરસ સુધી અવિરત ચાલુ જ રાખ્યા! દર વખતે ગદગદ થઈને ડાકોરનાથને પ્રાર્થના કરે કે “હે ડાકોરનાથ, મારો મોક્ષ કરો!

એક વખત ડાકોરનાથે એમની ભકિત થી રાજી થઇને દર્શન દીધા અને જેઠાભાઇને કહ્યું ‘જે જોઈએ તે માંગો‘ જેઠાભાઇ રાજી રાજી થઇ ગયા, અતિ હર્ષથી પોતાની આંખમાંથી આંસુની ધાર પાડવા લાગી! શ્રીરણછોડરાયને હાથ જોડીને પ્રાર્થના કરીને માગ્યું કે “હે ડાકોરનાથ! મારો મોક્ષ કરો! ” ડાકોરનાથ રણછોડરાયે મોક્ષ માટે જેઠાભાઇને ગઢપુર પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણ બીરાજતા હોઇ એમના દર્શને જવા કહ્યું. ડાકોરનાથ શ્રીરણછોડરાયને પ્રણામ કરીને દર્શનાભિલાષી જેઠાભાઇ ડાકોરથી પોતાને ઘેર દાવોલ જવાને બદલે સીધા જ ગઢપુર જવા ચાલી નીકળ્યા!

તેઓ જીવનમાં પ્રથમ વખત જ ગઢપુર તરફ આવતા હોઇ માર્ગમાં વટેમાર્ગુઓને પૂછતાં પૂછતાં બે-ચાર દિવસે ગઢપુર પહોંચ્યા.

એ વખતે ગઢપુરમાં દાદાખાચરના દરબારગઢમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ સભા ભરીને બિરાજમાન હતા. જેઠાભાઇ તો ચાલું સભામાં આવીને છેલ્લે બેસી ગયા. શ્રીહરિએ એમને ખુબ દૂરથી ચાલતા આવ્યા હોવાનું જાણીને હેતે નજીક બોલાવી કહ્યું કે “આવો જેઠા ભગત! તમને તો ડાકોરનાથ શ્રીરણછોડરાયે મોક્ષ કરવા માટે મોકલ્યા છે ને? “જેઠાભાઇ એ તરત ઉભા થઈને શ્રીજીમહારાજને ચરણે નમીને શ્રીડાકોરનાથે પોતાને અગાઉ કહેલ વાત કરી. એમની શ્રધ્ધા અને ભક્તિ જોઇને જેઠાભાઇ ઉપર શ્રીજીમહારાજ ખુબ રાજી થયા! એ સભામાં જેઠાભાઇને શ્રીજીમહારાજે પોતાના હાથે જ વર્તમાન ધરાવ્યા અને મહારાજે જેઠાભાઇને અભયદાન દીધું! થોડાદિવસ રોકાઇને જેઠાભાઇ પોતાને ગામ દાવોલ પધાર્યા. શ્રીહરિના સ્વરુપને પરિપુર્ણ નિશ્ચય કરીને પંચવર્તમાન પાળતા થકા તેઓ અખંડ ભજન કરતા હતા.

સમયે સમયે તેઓ ઉત્સવ સમૈયામાં વડતાલ શ્રીહરિના દર્શને પધારતા અને નાની મોટી સેવાઓ કરતા. શ્રીહરિના સ્વહસ્તે જ વર્તમાન ધારણ કરીને જેઠાભાઇ ભકિતમય અતિ નિર્મળ જીવન જીવતા થકા પોતાનું આત્યંતિંક કલ્યાણ કરીને અક્ષરધામના નિવાસી થયા.

– શ્રીહરિચરિત્રચિંતામણિ ભાગ ૩ વાત ૯૪

હાલમાં દાવોલમાં ભગવાન શ્રીસ્વામિનારાયણનું સુંદર મંદિર છે, દાવોલના હરિભકત શ્રી જયંતીભાઈ પટેલ જેઓ હાલ જ્યોર્જિયા-અમેરિકામાં વસે છે, તેમણે આ હકીકતની ખરાઈ કરી છે.

સદગુરૂ શ્રી નિષ્કુળાનંદ સ્વામી શ્રીભક્તચિંતામણી ના પ્રકરણ ૧૨૨ની કડી ૫૪-૫૫માં આ દાવોલ ગામનાં જેઠાભાઇ પટેલ ને ચિંતવતા લખ્યું છે કે…

પટેલ ભકત જેઠોભાઇ જાણો, ખોડો ગૂમાન કોળી પ્રમાણો..!

એહ આદિ છે જન અવલ, દાસ સ્વામીનાં વસે દાવલ..!

– શ્રીભકતચિંતામણિના મુકતોના ચિંતનમાંથી…