એકવખત શ્રીહરિ કચ્છદેશમાં ગામ માનકૂવામાં સુતાર નાથાભાઇને ઘેર પધાર્યા હતા. નાથા સુથારના પરિવારજનો બહું હેતવાળા પ્રેમીભકત હતા, જેઓ દરરોજ શ્રીહરિ ને થાળ બનાવી ને અતિ હેતે જમાડતા. એકદિવસે એમના જ માનકુંવા ગામનાં અબોટી બ્રાહ્મણ લવજી વિપ્રના પત્નિ ડાહીબાઇએ શ્રીહરિને પોતાને ઘેર થાળ જમવાનું આમંત્રણ આપ્યું. ત્યારે શ્રીહરિ બપોર થતા તેમને ઘેર જમવા પધાર્યા. ડાહીબાઇ અને લવજી વિપ્ર ઓસરીમાં આસન પાથરી ને થાળ જમાડવા તૈયારીઓ કરી હતી, તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન થયા. એ સમયે શ્રીહરિએ એમના ઓરડા સામે દૃષ્ટિ કરી, ત્યાં તો ઓરડામાં અંદર લાકડાંનાં તથા લોખંડનાં ઘણા પૂતળાં સીંદુર લગાવેલાં દીઠાં. તેને શ્રીહરિએ જોઇને કહ્યું જે, લવજી, તારે આટલાં બધાં દેવલાં તો છે, ત્યાં અમારું શું કામ છે ? એટલા માટે અમે તમારે ઘેર નહિ જમીયે, અમે અમારે મુકામે જાશું.” ત્યારે ડાહીબાઇના પતિ વિપ્ર લવજીએ કહ્યું જે, હે મહારાજ ! થાળ તૈયાર છે, જમ્યા વગર વળી શીદ પધારો છો ? શ્રીહરિએ કહ્યું જે, આવા પાખંડને સાથે અમારે બને નહિ. કાં તો અમને રાખો, કાં તો આ બધાય પૂતળાના પૂજેલા દેવલાંને રાખો. ત્યારે લવજીએ કહ્યું જે, હે મહારાજ ! જેમ તમે કહો તેમ કરું. ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું જે, “તમારે માથે આ જટા વધારીને ચોટલો રાખેલો છે તે પણ ઉતરાવી નાખો. જંત્ર-મંત્ર, નાટક-ચેટક, પાખંડ વિગેરે કાંઇ કરવું નહિ. અને કોઇને ધૂણવું પણ નહિં. અને આજથી તારા જંત્ર-મંત્ર ખોટા થઇ ગયા. તે કાંઇ ફેલફિતૂર તારા હવે ચાલશે નહિ. અને દેવલાં છે તેને તળાવમાં જળમાં પધરાવી આવો, અમે પછી જ જમીશું.” ત્યારે વિપ્ર લવજીએ ગાંઠડી બાંધીને દેવલાં તળાવે જઇને જળમાં પધરાવી દીધાં. પછી શ્રીહરિને જમાડ્યા, જમીને ઉતારે પધાર્યા. તે કેડે લવજી વિપ્ર પણ જમીને શ્રીહરિ પાસે ગયો, અને ત્યાં વાળંદને તેડાવીને પોતાના માથાના લાંબા વાળ ઉતરાવી નાખ્યા. નાહી ધોઇને વર્તમાન લીધાં. ત્યારથી તે શ્રીહરિનો પાકો સત્સંગી થયો.
શ્રીજીમહારાજ જેટલા દિવસ માનકૂવામાં રહ્યા તેટલા દિવસ ગામથી પશ્ચિમ બાજુ જે વિચેન્દ્રસર નામનું સરોવર છે ત્યાં દરરોજ સ્નાન કરવા જતા અને માર્ગમાં એક મારવાડીની વાડી છે ત્યાં નદીની ભેખડ ઉપર બેસતા. એક દિવસે ત્યાં જઇને શ્રીહરિએ સંતોને કહ્યું જે, આ ભેખડ પરથી કૂદકા મારીએ. એમ કહીને પ્રથમ પોતે કૂદ્યા તે બાર તેર હાથ છેટે પડ્યા. પછી સહુ સાધુ તથા પાળા હતા તે પણ એક પછી એક કૂદ્યા. આમ સર્વે કૂદ્યા પણ શ્રીહરિ જેટલું કોઇ પણ દૂર ન કૂદી શક્યા. શ્રીજીમહારાજ આ રમત જોઇને હાસ્ય વિનોદ કરતા થકા કહેવા લાગ્યા જે, “અમારા જેટલું કોઇ પણ ન કૂદી શક્યા. અમો સહુથી અધિક કૂદ્યા છીએ.” ત્યારે સર્વે સંતો-ભક્તજનોએ કહ્યું જે, “હે મહારાજ ! તમો મોટા છો માટે મોટાનું કૂદવું પણ મોટું હોય અને નાનાનું કૂદવું નાનું હોય.” ત્યારે શ્રીહરિ તે સાંભળીને હસ્યા. તે સરોવરની પાળ ઉપર હાલમાં જ્યાં છત્રી છે ત્યાં બિરાજ્યા હતા ને ત્યાં ઘણીવાર સુધી જ્ઞાનવાર્તા કરી. પછી ત્યાંથી ચાલીને મારવાડીની વાડીએ આવ્યા. ત્યાં ભૂતીઆ વડની વડવાઇ તળે પોતે ઉંચે આસને બિરાજ્યા. અને ચારે બાજુ સંતો તથા હરિભક્તો બેઠા.
તે વખતે શ્રીહરિએ તે સભા ઘણી ઉપદેશ વાર્તા કરી ને પછી કહ્યુ જે, હવે ગામમાં ચાલો. એમ કહીને ત્યાંથી ચાલ્યા. તે મીઠી વાડીના ખળામાં આવતાં કણબી વિશ્રામે આવીને કહ્યું જે, હે મહારાજ ! આ મારો પુત્ર દેવશી તે તમારા ભેળો ફરે છે, તો તેને સાધુ કરશો નહિં. શ્રીહરિએ કહ્યું જે, તમારી સાત પેઢી સુધી કોઇને સાધુ નહિ કરીએ. એવી રીતે હાસ્ય વિનોદ કરતા થકા ત્યાંથી ચાલ્યા તે સુતાર નાથાને ઘેર પધાર્યા. તે સમે નાથા સુતારની દીકરી દેવબાઇને ગામ વિથોણ પરણાવી હતી. તેનો સસરો તેડવા આવ્યો હતો. ત્યારે તે બાઇએ કહ્યું જે, હું તો સાસરે નહિ જાઉં. ત્યારે નાથા સુતારે શ્રીહરિને કહ્યું જે, આ બાઇ કહે છે જે, સાસરે નહિ જાઉં. તે વખતે શ્રીહરિએ બાઇના સસરાને તેડાવીને કહ્યું જે, આ બાઇ કહે છે જે સાસરે નહિ જાઉં, તો હવે તમારા દીકરાને બીજી સ્ત્રી પરણાવો. તેનું ખર્ચ થાશે તે અમો આપીશું. ત્યારે તે સુતાર બોલ્યા જે, અમે તો અમારું મનુષ્ય તેડી જાશું. એ વખતે શ્રીહરિએ કહ્યું જે, તેડી જાશો તો એ બાઇ થકી તમારો વંશ નહિ રહે. એમ કહ્યું તો પણ સુતાર કહે અમો તો તેડી જાશું. ત્યારે શ્રીહરિએ બાઇને કહ્યું જે, સાસરે જાઓ. એ વખતે તેમણે કહ્યું જે, આપ ત્યાં પધારો તો હું જાઉં. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, અમો આવીશું. શ્રીહરિ બીજે દિવસે થાળ જમીને ગાડા ઉપર બિરાજમાન થયા, અને બીજા ગાડે બાઇ બેઠાં. પછી પોતાના સાસરાને ગામ વિથોણ ગયાં. ત્યાં થાળ જમીને પાંચ દિવસ રહીને પાછા માનકૂવે પધાર્યા અને ત્યાં નાથા સુતારને ઘેર ઉતારો કર્યો.
– શ્રીપુરુષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય ૧૧માંથી…