શ્રીહરિએ ધમડકા દરબારશ્રી રાયધણજીને કહ્યું કે ‘તમે ટેકીલા ક્ષત્રિય છો, અને અમારા પણ ભકત કહેવાઓ છો, તમે આમ દિકરીઓને દૂધપીતી કરીને મહાપાપ કરો એ યોગ્ય નહી,”

આજથી અઢીસો વરહ પુર્વે સાંપ્રત સમાજમાં સતિપ્રથા અને દિકરીઓને દૂધપીતી કરવાનો અતિ ક્રૂર કૂરિવાજ હતો. ગુરુદેવ રામાનંદ સ્વામી અને ભકતવત્સલ શ્રીહરિ કચ્છદેશમાં અવારનવાર પધારતા ને પોતાના ભકતોને ઉપદેશ આપીને પોતાના આશ્રિતોને આવા અનેક કૂરિવાજથી મુક્ત કરતા હતા.

એકસમયે શ્રીહરિ કચ્છદેશમાં ધમડકા પધાર્યા હતા ને ગામધણી દરબારશ્રી રાયધણજીના દરબારગઢમાં ઉતારો કર્યો હતો. એ વખતે શ્રીહરિએ દરબારશ્રીને કહ્યું કે ‘તમે ટેકીલા ક્ષત્રિય છો, અને અમારા પણ ભકત કહેવાઓ છો, તમે આમ દિકરીઓને દૂધપીતી કરીને મહાપાપ કરો એ યોગ્ય નહી,” આમ કહીને એમને દીકરીઓને દૂધપીતી નહી કરવાના સૌગંદ લેવરાવ્યા, એ વખતે દરબારશ્રી હાથ જોડીને બોલ્યા કે “હે પ્રભું, અમે દિકરીઓને ઉછેરીએ તો ખરા પરંતું યોગ્ય સમયે એના લગ્ન ન થાય અને યોગ્ય મુરતિયો ન મળે એવું એમના લગ્નનું મહાદુખ છે.” એ સુણીને ભકતવત્સલ શ્રીહરિ શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય ૯ શ્લોક ૨૨મો બોલ્યા કે

અનન્યાશ્ચિન્તયન્તો માં યે જનાઃ પર્યુંપાસતે..!

તેષાં નિત્યાભિયુકતાનાં યોગક્ષેમંવહામ્યહમ્..!!

ભકતવત્સલ શ્રીહરિએ દરબારશ્રીને રાજી થઇને વર દીધો કે…

દિકરીયું ઉછેરજો તમે, કન્યાદાન અપાવીશું અમે..!

અમો કરાવી દેશું લગન, નહી ખરચવું તમારે ધન..!!

દરબારશ્રી સંમત થયા અને એમના બે ઘરે દીકરીઓનો જન્મ થયો હતો.

સમય જતાં એકસમયે શ્રીહરિ ઝાલાવડમાં વિચરણ કરતા થકા મૂળીથી નિસર્યા અને પોતાના પ્રિય એવા સગરામભકત અને મૂળજી શેઠના ગામ લીમલી પધાર્યા. પોતાને શ્વાસોશ્વાસ સંભારતા ભકતરાજ મુળજી શેઠના ઘરે આવીને ઉતારો કર્યો. મુળજી શેઠે શ્રીહરિ ની અતિ ભાવથી પૂજન કરીને જમવા સારું થાળ વગેરે બનાવ્યા. ભકતવત્સલ શ્રીહરિતો અંતર્યામીપણે પોતાના ભકત રાયધણજી ને દિધેલ કોલને પુરો કરવા સારું પધાર્યા હતા.

એણે ઉછેરી દીકરી બેય, એની ઉપાધી પ્રભુંને છેય..!

પોતે મુળજી શેઠની પાસ, કરી કન્યાની વાત પ્રકાશ..!!

મુળજીને શેઠને શ્રીહરિએ વાત કરતા તેઓ તો તુંરત જ પોતાના લીમલી ગામના ગામધણી દરબાર શ્રી દેહળજી ના ઘરે દોડી ગયા અને દરબારશ્રીને વિગતે વાત્ય કરી. દરબાર આવીને પોતાના બંને દિકરાઓને શ્રીહરિના ચરણે પગે લગાડ્યા. શ્રીહરિ બંને દિકરાઓ માથે હાથ મેલીને આશીર્વાદ દેતા થકા દરબારશ્રી દેહળજીને બોલ્યા કે ‘અમારે તમારા આ બંને દિકરાઓનું વેવિશાળ ધમડકા ગામે દરબાર રાયધણજીના દીકરીઓ સાથે નકકી કરવાનો સંકલ્પ છે, આ સબંધે તમારા બંને દિકરાઓને અમે અમારા જમાઇ માનીશું.’ આમ, પ્રભું શ્રીહરિનો અનુગ્રહ સુણીને દેહળજી તો ઘણા રાજી થયા અને સંમત થયા.

નામ દેહળજી દરબાર, એને પ્રભુંએ કહ્યુ એ વાર..!

તમારા બેઉ દિકરા જેહ, જાણો અમારા જમાઇ જેહ..!!

દરબારે સ્વીકાર્યું વચન, તેથી પ્રભુંજી થયા પ્રસન્ન..!

પછી ચાંદલા કર્યા છે નાથે, આપ્યા શ્રીફળ રુપીયા હાથે..!!

કંઠી માળા બાજોઠ એ વાર, ચાંદલામાં આપી તલવાર..!

ચરણારવિંદ ની જોડ્ય સોતે, આપ્યો પોષાક ઉતારી પોતે..!!

કન્યાદાન ની વીધિ સહીતે, સગપણ કર્યું એવી રીતે..!

પછી માણસ કર્યો છે વેતોં, ગયો ધમડકા ગામ એતો..!!

શ્રીહરિએ એજ વખતે રાયધણજીને દીધેલ કોલ મુજબ પોતાની બેઉ દીકરીઓના માની ને દેહળજી ના બંને દીકરાઓ સાથે સગપણ કરીને રુપીયો શ્રીફળ આપીને બંનેને એક એક તલવાર ને કંઠી માળા અને પોતાનો પોશાક ભેંટ તરીકે આપ્યો. માણસને ધમડકા મોકલીને બંને બહેનોના સગપણની વાત કહી મોકલાવી. બંને બહેનો ના લગ્ન કરાવીને દેહળજીને શ્રીહરિએ જમાઇ કહી બોલાવ્યા. દીકરીને દૂધ પીતી કરવાના (બાળ હત્યા) નિવારણ કાજે શ્રીહરિએ પોતે ઉપાધી લઇને ધમડકા દરબારશ્રી રાયધણજી ને પોતાના ગણીને એમને કૂરિવાજથી છોડાવ્યા. એ વખતે જે પ્રસાદીની વસ્તુઓ અને તલવાર જે શ્રીહરિએ આપેલી એ હાલ લીમલીમાં એમના વારસદારોના ઘરે છે.

બાળહત્યા નિવારણ કાજે, લીધી ઉપાધી શ્રીમહારાજે..!

દીધી વસ્તુ પ્રસાદીની જેહ, એને ઘેર હયાત છે એહ..!!

ધન્ય ધન્ય શ્રીધર્મકુમાર, ધન્ય સદ્ધર્મ સ્થાપણહાર..!

ધન્ય ધન્ય એ લીંબલી ગામ, વહાલે કર્યું તિર્થનું ધામ..!!

– શ્રીપુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગુચ્છ ૬ પુષ્પ ૭૫માંથી…