શ્રીહરિ ખોખરીના ગામધણી દરબારશ્રી સબળાજીને અંતકાળે તેડવા ચાર વખત પધાર્યા.

જુનાગઢના ધિંગાધણી એવા શ્રી રાધારમણદેવના દેશમાં ખોખરી નામે નાનું એવું ગામ આવેલું છે. જુનાગઢના જોગી સદગુરુ મહાપુરુષદાસ સ્વામી અવારનવાર આ પંથકમાં સત્સંગ વિચરણમાં પધારતા હોય ગામધણી સબળાજી દરબારશ્રીને સત્સંગ નો યોગ થયો, પોતે વ્યસનો છોડીને વર્તમાનધારણ કરીને એકાંતિક સત્સંગી થયા હતા. સ્વામી પાસે નિર્માનીપણે તમામ સેવા કરતા, ગામના તમામ સત્સંગીઓનો પક્ષ પણ ચડેચોક રાખતા.
એકસમયે સબળાજી દરબાર પોતાની અવસ્થા થઇ તે બિમાર થઇ ગયા, બીમારીના લીધે પોતે અન્ન-જળ પણ લઇ શકતા ન હતા. પોતે ખાટલાવશ થઇ ગયા, પોતે કઇ બોલવા જાય તો બિમારીના લીધે એના જીભથી શુંદ્ધ ઉચ્ચારણ પણ થઇ શકે નહી, પરંતું પોતે અખંડ શ્રીહરિનું સ્મરણ કરતા રહેતા.
એકરાત્રીએ સબળાજી પોતાની ઓસરીમાં ખાટલે સુતા હતા, એ સમે શ્રીહરિ મુકતોએ સહિત હાથીની અંબાડીએ બીરાજતા થકા એમને તેડવા પધાર્યા. આખાયે ફળીયામાં તેજનો પૂંજ છવાય ગયો અને દિવ્ય શિતળ તેજમાં એમને શ્રીહરિ અને સહુ મુકતોના દર્શન થયા. સબળાજી તો શરીરે અતિ અશક્ત હોવા છતાંયે ખાટલે બેઠા થઇ ગયા અને શ્રીહરિ ને પ્રણામ કરવા લાગ્યા. શ્રીહરિ કહે ‘સબળાજી બાપું, ચાલો અમે તમને તેડવા આવ્યા છીએ..!’ એમ કહીને છતે દેહે સબળાજી ને હાથીની અંબાડીએ બેસાડીને ચાલ્યા. આમ કહીને ખંઢેરા ગામના રસ્તે ચાલતા થકા એક ઉંચા ટેકરા ઉપર હાથી ઉભો રાખીને ત્યાં સબળાજી દરબારને ઉતારીને કહ્યું કે ‘સબળાજી બાપું, હાલ તમે થોડાક દિવસ આ લોકમાં રોકાઓ, આ ધાર પાસે વાવ છે એ વાવમાં પાણી પીઇને ઘેર જતા રહેજો, તમારા તમામ રોગ એ પાણી પીતા જ મટી જશે..! હવે અમે ખંઢેરાથી કલ્યાણભાઇ ને તેડી ને જઇશું.’ આમ, કહીને સબળાજી ને અંબાડીએથી ઉતારીને શ્રીજીમહારાજ ખંઢેરા ગામમાંથી હરિભકત કલ્યાણભાઇ ઠક્કરને અક્ષરધામ તેડી ગયા.

સબળાજી એ વાવથી પોતાને ગામ ખોંખરી ચાલતા આવ્યા. સૌ પરિવારજનોને પોતે આટલા બિમાર હોવા છતાંય એકાએક હાલતા ચાલતા આવેલા જોઇને ઘણી નવાઇ લાગી ને શ્રીજીમહારાજનો પરિપક્વ નિશ્ચય થયો.

પંદરેક દિવસ વિત્યા એટલામાં શ્રીજીમહારાજે ફરીને દર્શન આપ્યા ને કહ્યું કે ‘સબળાજી, ચાલો અમારા સાથે ધામમાં..! અમે આ બાજુ પંથકમાં નિસર્યા હતા તો થયું કે તમને પણ અક્ષરધામ તેડી જઇએ..!’ આ સુણીને સબળાજી બોલ્યા કે ‘હે મહારાજ , મને તો કોઇ હવે આ જગતની વાસના નથી ને હુ તો આપની વાટે તૈયાર બેઠો છવ, પરંતું મને સત્સંગ કરાવનાર મારા ગુરુ મહાપુરુષદાસ સ્વામી ને લઇને મને તેડવા આવજો, તો હું ત્યારે તમારા સાથે અક્ષરધામ આવીશ, કારણ કે મહાપુરુષદાસ સ્વામીએ મને વચન દીધું છે કે હું તમને અંતકાળે શ્રીજીમહારાજને સાથે લઇને તેડવા આવીશ.’ આમ કહીને પોતે શ્રીજીમહારાજ સાથે અક્ષરધામ ન ગયા.
વળી ત્રીજેદિવસે રાત્રે શ્રીજીમહારાજ મહાપુરુષદાસ સ્વામીને સાથે લઇને સબળાજીને તેડવા સારું પધાર્યા. એ વખતે મહાપુરુષદાસ સ્વામી ખાટલાની પાંગત તરફ ઉભા રહ્યા અને શ્રીહરિ સબળાજીના ઓશીકે ઉભા રહ્યા થકા બોલ્યા કે ‘જુઓ ભગત, તમારા કહ્યા પ્રમાણે અમે તમારા ગુરુ મહાપુરુષદાસ સ્વામીને લઇને તમને તેડવા આવ્યા છીએ, તો હવે ચાલો તૈયાર થઇ જાઓ…!’ આંખ્ય ખુલતા જ પોતાના ગુરુ સાથે શ્રીજી મહારાજના દર્શન પામીને તેઓ ઘણા રાજી થયા, શ્રીહરિને પ્રણામ કર્યા અને મહાપુરુષદાસ સ્વામીને પ્રણામ કર્યા ને પોતે ધામમાં જવા તૈયાર પણ થયા, સર્વ કુટુંબીઓ ભેગા થયા એટલે એમણે કહ્યું કે હું ગુરુદેવ મહાપુરુષદાસ સ્વામી સાથે શ્રીહરિના ધામમાં જાઉ છું. તમે સહું ભજન કરજો..!’ આ વખતે એમના પત્નિએ ખોળો પાથરીને સ્વામીને તથા શ્રીહરિને અરજ કરી કે ‘મારા પતિ સબળાજીને છ મહીનાનું આયુષ્ય આપો અને છ મહીના બાદ તમે એમને સુખેથી ધામમાં તેડી જાજો.’ આમ, એમના ઘરવાળાબાઇની અરજ સુણીને વળી સ્વામીએ શ્રીહરિને છ મહીના આયુષ્ય આપીને ફરીને તેડવા આવીશું એમ કહ્યું ત્યારે શ્રીહરિ રાજી થયા ને પરત અક્ષરધામ જતા રહ્યા.
છ મહીના ની અવધિ પુરી થયે શ્રીહરિ મહાપુરુષદાસ સ્વામી સાથે વળી પાછા પરત પધાર્યા અને સબળાજીને હાલતા ચાલતા દિવ્યદેહ ધારણ કરાવીને પોતાના અક્ષરધામમાં તેડી ગયા.

આમ, ભકતવત્સલ શ્રીહરિ પોતાના ભકતને ચાર વખત અંતકાળે તેડવા પધાર્યા અને પોતાનો દિધેલ કોલ પુરો કર્યો.

  • કૃપામુકિતમાંથી….