સંવત ૧૮૭૭ના પોષ સુદી પૂનમના દિવસે શ્રીહરિ સહું સંતો-ભક્તો સાથે ભકતરાજ ઝીણાભાઇનો અતિ સ્નેહ અને માથે પાઘડી નહી બાંધવાના પ્રણને વશ થઇને પંચાળા પધાર્યા. ઝીણાભાઇએ સહુની અતિ મહીમાંએ સરભરા કરી. શ્રીહરિને રંગોત્સવ કરવા સારું અરજ કરી, પ્રભુંએ સંમતિ આપતા ઝીણાભાઇએ પીચકારીઓ બનાવરાવી અને ગાડાઓ ભરીને રંગો મંગાવ્યા. માંગરોળ બંદરેથી ઉત્સવ કરવા સારું ગાડાઓ મોકલીને અબીલ-ગુલાલ વગેરે મંગાવ્યા. આ વખતે શ્રીહરિએ સુખડ, મળીયાગર ચંદનની ખડીઓ અને દર્પણ મંગાવ્યા. શ્રીહરિ કહે ‘સહું સંતોના મંડળદીઠ એક એક દર્પણ દેશું અને સુખડ-ચંદનની ખડીઓ આપીશું, જેથી સંતો-ભક્તોને તિલક સારા કરાય.’ આમ, માંગરોળથી એ પણ ખરીદી લાવ્યા.
વાધ્યો ઉચ્છવનો ઉછરંગ, ગાડાં ભરીને મંગાવ્યો છે રંગ…!
તેહ સમે સંભાર્યું છે નાથે, ખડી સુખડ લાવજો સાથે..!!
મળિયાગર ચંદન લેજો, સહું સંતોને ઘસવા દેજો..!
વળી દર્પણ લાવો વિશેષ, દેશું મંડળ દિઠ એકેક..!!

માંગરોળથી આ સૂખડ-ચંદન, દર્પણ વગેરે સહું માલ લાવ્યા ને શ્રીહરિને આપ્યો. શ્રીહરિએ સહું સંતોને વારાફરતી બોલાવી મંડળ દીઠ પોતાના સ્વહસ્તે દીધું. સર્વસંતોએ પણ શ્રીહરિના હાથોહાથ પ્રસાદી મળી જાણીને અતિ મહીમાંથી એ સર્વે ગ્રહણ કર્યું. એમા જે કોઇ ભોળા સંતો હતા એ ભવબ્રહ્માદિકને દુર્લભ એવી પ્રસાદી શ્રીહરિના હાથે પામીને ખડીઓને જમી ગયા. જ્યારે શ્રીહરિને એ વાતની ખબર પડી ત્યારે પ્રભું હસી પડ્યા.

એમા ભોળા હતા સંત કોઇ, મહાપ્રભુ નો પ્રસાદ જોઇ..!
ભવબ્રહ્માને દુર્લભ જેહ, પામ્યાં પ્રભુનાં હાથ થી તેહ..!!
એવું માહાત્મ્ય ઉભર્યું અંગે, ખડી ખાઇ ગયા છે ઉમંગે..!
જ્યારે પ્રભું એ જાણીએ વાત, ત્યારે હસી બોલ્યા જગતાત..!!
શ્રીહરિ એમના મહીમાભાવ ને જોઇને અતિ રાજી થયા અને ફરીને એ સંતોને પોતાના પાસે બોલાવ્યા અને વિગતે સમજાવીને ફરીને ચંદનની ખડીઓ અપાવી ને કહ્યું કે એને સુખડ સાથે ઘસજો અને ભેળો કેસરી રંગ ઘોળજો ને અમારું પુજન કરવા આવજો.

સંતો વહેલા પરોઢિયે જાગ્યા, ચોંપે ચંદન ઘસવા લાગ્યા…!
સારા પત્થર જોઇ તમામ, ભરી બેઠા છે જળના ઠામ..!!
સર્વ સંતો વળતે દિવસે વહેલી પરોઢે જાગીને કેસર ચંદન ને ઘોળીને પડીયા ભરીને શ્રીહરિને સવારની સભામાં પૂજન કરવા સારું આવ્યા. ત્યારે શ્રીહરિ બોલ્યા જે ‘જે અમને સૌથી સારું તિલક કરી શકે એ સૌ પ્રથમ પૂજન કરવા આવે..!’ આમ કહીને શ્રીહરિએ પોતે જ સદગુરુ આધારાનંદ સ્વામીને સૌ પ્રથમ પૂજન કરવા બોલાવ્યા. સ્વામીએ અતિ હેતપુર્વક શ્રીહરિને ગૌર કપોળમાં તિલક કરીને મધ્યમાં ચાંદલો કરીને ચંદનની આડ્ય કરી. ત્યારબાદ સહું સંતો વારાફરતી શ્રીહરિને ચંદન ચર્ચવા આવ્યા. શ્રીહરિને ચંદન ચર્ચા કરીને સહું કોઇ અમુલ્ય લહાવ પામ્યા, ત્યારબાદ શ્રીહરિ સહું સંતોને ભેટ્યા. એ પ્રસાદીની જગ્યા કે જેને ગોપી તલાવડી તરીકે ઓળખાય છે, જ્યાંની પીળી માટી જોઇને શ્રીહરિએ સહુંને આ પીળી માટી સહું લઇ જજો અને એ પ્રસાદીની માટીથી તિલક કરજ્યો.

જ્યારે સહું સંતોએ એ પીળી માટીથી તિલક કર્યા, અને સહું શ્રીહરિના દર્શને આવ્યા ત્યારે એમના જાડા-પાતળાને વાંકા-ચૂંકા તિલક જોઇને શ્રીહરિ બોલ્યા જે ‘તમારે સહુંને આ નિત્યાનંદ સ્વામીને જેવા તિલક-ચાંદલો છે એવા કરવા..! ને ગુણાતિતાનંદ સ્વામીના કપાળે તિલક ચાંદલો કર્યો, જેમ બીજાં જગતના બાવાના તિલક-ચાંદલાને ભાળીને ભેંસ ભડકે છે, એવા કઢંગા તિલક-ચાંદલા અમારા આશ્રિતોએ કરવા નહી.’ આમ કહીને સહું સંતો-ભક્તોને આજ્ઞા કરી. ભકતરાજ ઝીણાભાઇ શ્રીહરિની અનુવૃત્તિ જાણી ગયા ને એમણે સહું સંતોને મંડળ દીઠ એક એક દર્પણ અપાવ્યો.

ઘણા નિર્મોહી સંતો તો દર્પણમાં મુખ જોવું યોગ્ય નહીં એમ સમજી પોતાના પાણી પીવાના તૂંબડાના જળમાં જોઈને જ તિલક ચાંદલો કરતા. આમ સંતોના વર્તન ને જોઇને શ્રીહરિ અતિ રાજી થયા.
દાંડી જોવું દર્પણમાં મુખ, થયું સંતોના અંતરે દુખ..!
નહોતી ઇચ્છા અંતરમાં જરી, લીધું પ્રભુંના વચને કરી..!!
તૂંબડાનું પાણી સ્થીર ભાળી, કરે તિલક તેમાં નીહાળી..!
દેખે નહીં દર્પણ માં કોઇ, એવા સંતો સહું નિર્મોઇ..!!
એવા સંતોને લાડ લડાવા, વહાલે ઉચ્છવ કરાવ્યા આવા..!
નિત્યનવી લીલા કરે નાથ, મહાસુખ માણે સંત સાથ..!!

  • શ્રીપુરુષોત્તમચરિત્રપુષ્પમાળા ગુચ્છ ૬ પુષ્પ ૮૧માંથી….