નિલકંઠપ્રભું એ કહ્યું કે ” જો તમારે સેવા કરીને સંતોષ માનવો હોય તો તમે બંદી બનાવેલા તમામ સાધુ-સંતોને મુક્ત કરી દો. અમારે એ જ માંગવું છે”.

નેપાળ દેશના મહારાજા શ્રી પૃથ્વિનારાયણ સહા ને આપણા અખંડ ભારત ના પ્રણેતા ‘સરદાર વલ્લભભાઈ પટેલની’ જેમ નેપાળના સરદાર માનવા માં આવે છે. એમણે અનેક ટુકડાઓમાં વહેંચાયેલી કાઠમંડુ વેલી અને પૂર્વ નેપાલને એક છત્ર નીચે આણી બૃહદ્ નેપાલનો પાયો નાખ્યો હતો.

આ પૃથ્વીનારાયણ સહાનો જન્મ એક સાવ ગરીબ ગોરખાં પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ નરભૂપાલ હતું. રાજયોગને લઇને જન્મેલા આ બાળક ઉપર મહાન યોગી મચ્છંદરનાથ ની અકારણ કૃપા ઉતરી હતી.

એકવાર આ નાનકડો પૃથ્વી ગામની ભાગોળે ધર્મશાળાની આસપાસ ફરતો હતો. એવામાં કોઇ અવધૂત જોગી આવ્યા. જોતાં જ મનમાં ઘૃણા ઉપજે એવો એ અઘોરી જેવો એનો વેશ હતો. નાનકડા પૃથ્વીએ ડરતાં ડરતાં પણ એ જોગીને પ્રણામ કર્યાં. આ અઘોરી જોગીએ પૃથ્વીને કહ્યું, “બેટા ! મુઝે બહુત ભૂખ એવં પ્યાસ લગી હૈ, તુમ કહીં સે થોડા સા દહીં લા દો.” જીવરા છોકરાની જેમ પૃથ્વી તો એકદમ દોડી પોતાના ઘરેથી થોડું દહીં લાવ્યા. જોગી દહીં પી ગયા. જોગીએ પૃથ્વી તરફ ઇશારો કર્યો અને કહ્યું, ‘બેટા તારા હાથનો ખોબો ધર્ય.’ એટલું સુણીને એ જોગી શું કરશે? એના કશા જ અનુમાન વિના નાના એવી પૃથ્વીએ હાથનો ખોબો ધર્યો. જોગીએ પોતાના મુખમાં દહીંનો ઘુંટડો ભર્યો અને પૃથ્વીના ખોબામાં કોગળો કર્યો અને આદેશ કર્યો, યહ દહીં તું પી જા.” પૃથ્વી ના તો ન પાડી શક્યા પરંતુ આ અઘોરી જેવી ક્રિયાથી એને ચીતરી ચઢી. એણે થોડું દહીં પીધું અને બાકીનું ધરતી પર ઢોળી દીધું.

મંદ મંદ હસતા જોગી બોલ્યા, “જેસી ભગવાનકી મરજી. બેટા પૃથ્વી ! યદિ યે દહીં તૂને પી લીયા હોતા તો પુરી પૃથ્વીકા સમ્રાટ હો જાતા. લેકિન તુમને ઇસ પ્રસાદકો થોડા પીયા, બાકી નીચે ફેંક દીયા. અબ તુમ પુરી પૃથ્વીકા સમ્રાટ નહીં હો પાયેગા. લેકિન તુમ નેપાલકા મહારાજા અવશ્ય હોગા. ગ્યારહ પીઢી તક તેરે વંશજ નેપાલ કી ભૂમી પર રાજ કરેંગે. બાદમેં તેરા વંશ સમાપ્ત હો જાયેગા.” એ યોગી સ્વયં મચ્છન્દર નાથ હતા.

સમય જતાં નાનકડો પૃથ્વી કાઠમંડુનો રાજા બન્યો. એણે નેપાલમાં ગોરખા રાજ્યની સ્થાપના કરી. નેપાળના નાના નાનાં રજવાડાંને એક કરી હાલના બૃહદ નેપાળનો પાયો નાખ્યો. પૂર્વ નેપાલથી માંડીને છેક સિક્કીમ સુધી એનું રાજ્ય વિસ્તર્યું હતું. એમણે ઇ.સ. ૧૭૪૩થી માંડીને ૧૭૭૫ સુધી રાજ કર્યું. આ નેપાળના રાજા પૃથ્વીનારાયણ ને યોગી મચ્છંદરનાથે આપેલા આશીર્વાદ મુજબ એમની અગીયાર પેઢીઓ સુધી નેપાળમાં એમનું રાજ્ય રહ્યું અને છેલ્લે ઇ.સ ૨૦૦૧ની સાલમાં પરિવારના યુવરાજે જ પોતાના પુરાય પરિવારને ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

આ મહારાજા પૃથ્વીનારાયણ સહા પૌત્રનું નામ રણબહાદુર હતું. રાજા રણબહાદુરને ભગવાન શ્રી સ્વામિનારાયણનો મેળાપ નિલકંઠ વર્ણી વેશે નેપાળ વિચરણમાં થયેલો. શ્રી નીલકંઠ વર્ણી તરીકે તેમની વનવિચરણ યાત્રા દરમિયાન નેપાળમાં કાઠમંડુ પધાર્યા ત્યારે પૃથ્વીનારાયણ સહાનો પૌત્ર રણબહાદુર સહા એ વખતે રાજ કરતા હતા. રાજા રણબહાદુર સહાને કઇંક અસાધ્ય રોગ હતો જે કોઈ વૈદ્યોના ઉપચાર કે સાધુ-બ્રાહ્મણો કે પંડિતો વગેરેને પોતાનું દર્દ મટાડવા માટે બોલાવતા અને જો તે સારું ન કરી શકે તો તેમને જેલમાં બંદી બનાવી રાખતા હતા.

ત્યાંના ભૂપનું પેટ પીડાય, તે તો નવ મટે કરતાં ઉપાય..!

કોઈ આવી ચડે ભેખધારી, તેની સેવા સજે ઘણી સારી..!

પછી કહે છે કરી સનમાન, વસે ભેખમાં શ્રીભગવાન…!

માટે રોગ મટાડો આ મારો, કાં તો બંધીખાનામાં પધારો..!

પૂર્યા કેદમાં પાંચસે બાવા, નથી દેતો તે તેઓને જાવા…!

શ્રી પ્રભું નિલકંઠ વર્ણી કાઠમંડુ પધાર્યા તે સમયે કેટલાક બાવાસાધુઓએ તેમને નગરમાં ન જવા ચેતવણી આપીને બનતી હકીકત જણાવી ત્યારે વર્ણીએ તો નિર્ભિક રીતે જણાવ્યું કે ‘સાધુને કદી કોઇ ભય હોય જ નહી.’ અને નિલકંઠ અને કેટલાક સાધુઓ સાથે નગરમાં પ્રવેશ્યા. રાજાને જાણ થતાં જ માણસો લેવા માટે આવ્યા અને રાજા સમક્ષ દરબારમાં લાવીને હાજર કર્યાં, રાજાની માંદગી જાણી ને રાજાને મધુર અને નિર્મળ વાણીમાં બાળ પ્રભુંએ જણાવ્યું કે ‘મનુષ્ય કે જીવપ્રાણી માત્રએ પોતાના પ્રારબ્ધને ભોગવવું જ પડે છે તેને કોઈ મંત્ર-તંત્ર કે કિમિયાગાર તે મટાડી શકે તેમ નથી. અને ભગવાનના નિયમોનું કોઈ ઉલ્લંઘન કરી શકે નહીં. માટે જે કઇ દુઃખ આવે તો પ્રારબ્ધ ફળ સમજીને ભગવાનને પ્રાર્થના કરવી અને ધીરજથી સહન કરવા જોઈએ. તમે આવી મનસ્વી રીતે તમારૂં દુઃખ વધારો કરો છો અને કર્મના નવા બંધનો ઊભા કરો છો તેથી દુઃખની અવધિ વધારો કરો છો.’ નીલકંઠ વર્ણીનું મનમોહક રુપ, તેજસ્વી આભા ને આવી ખુમારી ભરેલ વાણી સાંભળીને રાજાને પોતાની ભુલ સમજાણી અને પોતાના કર્મો માટે બહું માફી માંગી દર્દ ને મટાડવા કહ્યું.

ભક્તિ કર્યે કષ્ટ હરિ ઘટાડે, શૂળી લખી સોય વડે મટાડે..!

હઠે કરી જે પ્રભુ પાસ માંગે, તેનું કદી કષ્ટ પ્રભુ ન ભાંગે…!

ત્રાગું કર્યાથી નહિ તેહ આવે, ડરે નહીં તે જન જો ડરાવે..!

પોતે મરે કે પરને વિદારે, હરિ ન તેથી દુઃખથી ઉગારે…!

કરૂણામુર્તી નિલકંઠ પ્રભુએ જળ મંગાવ્યું અને રાજાને હાથમાં પાણી આપી સંકલ્પ કરાવ્યો અને તે પાણી પી જવા કહ્યું. રાજા તે અંજલી શ્રદ્ધાપૂર્વક પી ગયા. અને તરત જ તેની અસર જણાવા લાગી અને દર્દ શમી ગયું. રાજાને વર્ણી માટે ખૂબ ભાવ થયો તેણે માંગવા જણાવ્યું તો નિલકંઠપ્રભું એ હસતાં હસતાં કહ્યું કે ” જો તમારે સેવા કરીને સંતોષ માનવો હોય તો તમે બંદી બનાવેલા તમામ સાધુ-સંતોને મુક્ત કરી દો. અમારે એ જ માંગવું છે”. અને રાજાએ તમામ પંડિતો, સાધુઓને તાત્કાલિક છોડી દિધા. આવી રીતે રાજાની શારીરિક ઉપચારો માટે દૈવીશક્તિ અને ઔષધીય ઉપયોગ પ્રત્યે અંધશ્રદ્ધા દુર કરી. નિલકંઠ પ્રભુ પ્રત્યે રાજાને ઘણો ભક્તિભાવ થયો, પોતાના રાજમાં રોકવા ઘણો ઘણો આગ્રહ કર્યો પરંતુ નિસ્પ્રૃહપણે વિચરણ કરતા વર્ણી તો તિબેટ અને આસામ તરફ જવા રવાના થયા.

– શ્રીહરિલીલામૃત કળશ ૩ વિશ્રામ ૬ તથા શ્રી નિલકંઠ પ્રભુંના વનવિચરણમાંથી…