સંવત ૧૮૬૪માં શ્રીજીમહારાજ ધંધુકાથી ૨૨ કિલોમીટરના અંતરે આવેલ સુંદરિયાણાના રાજા ડોસા ખાચરના આમંત્રણે એમના દરબારગઢમાં પધાર્યાં, ત્યારે ત્યાંના પ્રતિષ્ઠીત વણિક હેમરાજશાં શેઠના બંને દીકરાઓ વનાશા અને પૂંજાશા શ્રીજીમહારાજ પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થયેલા. આ હેમરાજ શેઠ ધ્રાંગધ્રાની આખી નાતમાં પ્રખ્યાત અને ધનાઢય નાગરિક હતા. આખાયે ધાર્મિક સમાજ તેમજ વૈષ્ણવ સમાજમાં પણ અતિ પ્રતિષ્ઠિત અને પરમ ચુસ્ત વૈષ્ણવ પરિવાર હતા. કૃષ્ણઉપાસી અને અખંડ એકાદશીઓનાં વ્રત રાખનારા મહાપુરૂષ હતા. એમના બંને દીકરાઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનો સ્વીકાર કર્યો, તે તેમને શરુંમાં ગમ્યું નહીં. તેથી દીકરાઓને કહે, ”દીકરાઓ ! તમે આ શું કર્યું ? તમે એવા પાખંડીઓના શરણે કેમ ગયા છો ?” દીકરાઓ કહે, ”એ પાખંડી નથી. આપણે જે કૃષ્ણની ઉપાસના કરીએ છીએ એ જ કૃષ્ણતત્ત્વ આજે ધરાતળ ઉપર વિહાર કરી રહ્યું છે. તમે અમારું માનો.” ત્યારે પોતે છોકરાઓ પ્રત્યે બોલ્યા કે “ચૂપ, મારી આગળ એવું તો બોલીશ જ નહીં.” દશ વર્ષ સુધી આવી રીતે પિતા અને પુત્રો વચ્ચે થોડો મીઠો-મીઠો સંઘર્ષ રહ્યા કર્યો.
ફરીને સંવત્ ૧૮૭૪માં સદ્ગુરૂ ગોપાળાનંદ સ્વામી સુંદરિયાણા પધાર્યા, ત્યારે વનાશા અને પૂંજાશાએ સ્વામીને વાત કરી કે, સ્વામીજી, થોડી જો અમારા ઉપર આપની કૃપા થાય તો અમારા પિતા-પુત્રો વચ્ચેનો, તેમનો ખટરાગ મટે. અમારા પિતા એમ કહે છે કે અમે અવળે રસ્તે ચડયા છીએ. એમને જો થોડું સત્ય સમજાય આટલી કૃપા કરો.”
ગોપાળાનંદ સ્વામી કહે, ”એમ કરો, તમે એમને અહીંયા લઈને આવો.” ત્યારે વનાશાં અને પુંજાશા સ્વામીને હાથ જોડીને કહે “અરે ! સ્વામી, અહીંયા તેઓ આવે જ નહીં.” સ્વામી તો અંતર્યામીપણે જાણતા થકા કહે “તમે વાત તો કરો.” પુંજાશા કહે”સ્વામી, એતો નામ સાંભળીને ખીજાશે, વાત નાખ્યા જેવી નથી. તે મગજના તેઓ અતિ તેજ છે.” ત્યારે સ્વામીએ એમ કહ્યું કે, ”હવે તમે જ બતાવો કે કોઈ પણ ઉપાયે એ મારી પાસે આવે ખરા ?.” ત્યારે વનાશાં કહે ‘સ્વામીએ મહાન વૈદરાજ છે. જટિલમાં જટિલ દર્દોના ઉપચાર એ કરી આપે છે. એમનામાં એ એક ગુણ છે. જો કોઈ બીમાર હોય તો તેની તબિયત તપાસવા એ જરૂર થી આવે.”
સ્વામી કહે, ”તો તો અમે જ બીમાર છીએ.” બંને અચરજ પામતા કહે “અરે ! મહારાજ, તમારા શરીરમાં ક્યાં નખમાંય રોગ છે ? એ અહીંયા આવે અને નખમાંય રોગ ન દેખાય તો…” સ્વામી કહે, ”તમે ગભરાશો નહિ અમે બીમાર જ છીએ.” એમ કહી ગોપાળાનંદ સ્વામી ચટાઈ પાથરીને ઉપર સૂઈ ગયા.
પુંજાશા અને વનાશાં બંને ભાઇઓ તો સ્વામીના વચને દોડતા પોતાને ઘેર ગયા અને હેમરાજશાં શેઠને કહ્યું, પિતાજી, અમારા સ્વામીજી જરા…” ત્યારે હેમરાજશાં છોકરાવ સામે જોઇ કહે “સ્વામીજી બોલીશ નહીં, સ્વામી એક વલ્લભ, બાકી બધા બાવલિયા. ખબરદાર બોલ્યો છો તો.”
વનાશા કહે “ભલે પિતાજી, પણ અમારા ગુરૂજીની તબિયત થોડી નરમ જેવી છે તો તમે જરા આવીને તપાસી જાવ.”
હેમરાજ શેઠને તો જવું ન હતું પણ વૈદ્યનો ધર્મ છે કે શત્રુ પણ રોગિષ્ઠ હોય તો ઔષધ કરવું એટલા માટે હેમરાજ શેઠે હાથમાં પેટી લીધી, ફરકતું ઢીલું ધોતિયું, ચોપન ઇંચ લાંબો કોટ, માથે મોભાદાર પાઘડી એમ હેમરાજશાહ શેઠ હાથમાં પેટી લઈને સદ્ગુરૂ ગોપાળાનંદ સ્વામીની પાસે આવ્યા.

કહે સ્વામી કે’જો મંદવાડ, એક સાધુની જોવી છે નાડ..!
વનાશા કહે જૈ કરભામી, પિતા ચાલો બોલાવે છે સ્વામી…!!
શેઠ કે’ સ્વામી વલ્લભ એક, બિજા બાવા જગતમાં અનેક..!
માંદા સાધુનું સાંભળ્યું નામ, ત્યાં તો ચાલીયા તર્ત અકામ…!!
ચટાઈ ઉપર યોગીરાજ સૂતા છે. પ્રણામ કર્યા, ”જય શ્રીકૃષ્ણ” બોલ્યા. નેણ સામે નેણ મિલાવ્યાં ને સદ્ગુરૂ ગોપાળાનંદ સ્વામી બોલ્યા, ”જય શ્રીકૃષ્ણ, પધારો શેઠ.” આસન લીધું, સ્વામીએ હાથ ફેલાવ્યો ”અમારી નાડી તપાસો.” હેમરાજ શેઠે હાથમાં નાડી લીધી. થડાક દઇને એક થડાકો થયો ન થયો ને ત્યાં નાડી ગાયબ થઈ ગઈ. હૃદય ધબકારાવિહીન, સ્વામીની આંખ સામે જોયું તો સ્વામી એમ બોલ્યા, ”કેમ વૈદરાજ નાડી હાથમાં નથી આવતી ?” આટલા માં જ પોતે સ્વામીના ઐશ્વર્યપણાને પામી ગયા. શેઠે તો સ્વામીના એકદમ પગ પકડી લીધા. હેમરાજશાહ શેઠ કહે “મહારાજ ! આવી યોગકળા એક કેવળ શ્રીકૃષ્ણનારાયણમાં જ હોય. સંપૂર્ણપણે નાડી, હૃદય બંધ છે અને તમે વાત કરી શકો છો ? તમે સ્વયં શ્રીકૃષ્ણ છો, મારા અપરાધ ક્ષમા કરો.” ગોપાળાનંદ સ્વામી એ જ ક્ષણે ઊભાં થયાં અને હેમરાજ શેઠને કહ્યું, ”હેમરાજ શેઠ ! હું કૃષ્ણ નથી. હું તો શ્રીકૃષ્ણના દાસ નોય દાસ છું. મારા જેવા કેટલાંય એ સહજાનંદ સ્વામીના શરણે છે અને એ સહજાનંદ-શ્રીકૃષ્ણ સ્વયં પુરુષોત્તમનારાયણ હાલે આજે ગઢડામાં બિરાજે છે. એમના આશ્રિત થાવ.”
હેમરાજશેઠ સ્વામી પાસે સત્સંગી થયા, હેમરાજશા જેવા અગ્રણી વૈષ્ણવ અન્ય ધર્મમાં જવાથી ધંધુકાના વૈષ્ણવ સમુદાયમાં મોટો ખળભળાટ મચી ગયો ! હેમરાજ શેઠને સત્સંગ છોડાવવા વૈષ્ણવ સમાજે અને સંપ્રદાયના આચાર્યે અનેક પ્રયત્નો કર્યા તેમ છતાં હેમરાજશાના કુટુંબે સ્વામિનારાયણ ભગવાનનો આશરો ન છોડ્યો આથી વૈષ્ણવધર્મના આચાર્યના કહેવાથી હેમરાજશાના આખા કુટુંબને ધંધુકાની વણિક સમાજની નાત બહાર મૂક્યું છતાં તેઓએ મક્કમતાથી સત્સંગ રાખ્યો, સમગ્ર લોકસમાજ ઉપર તે સમયે નાતના આગેવાનોનો ખુબ કાબુ હતો, નાત બહાર મુકાય તે કુટુંબોને ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડતી.

આ પછી જ્યારે સંવત ૧૮૮૦ માં હેમરાજશાના દેહ મુકવા સમયે સ્વામિનારાયણ ભગવાન દિવ્ય વિમાનો લઈને દિવ્ય સ્વરૂપે તેડવા આવ્યા ત્યારે સૌને જય સ્વામિનારાયણ કહીને હેમરાજશાએ દેહ મુક્યો. હાજર સૌ લોકોને સ્વામિનારાયણ ભગવાનના અને અનેક સંતોના દિવ્ય સ્વરૂપના દર્શન થયા ! હેમરાજશાની ઉત્તરક્રિયાના જમણવારવખતે વૈષ્ણવ સમાજે અત્યંત દ્વેષ રાખ્યો , વણિક સમાજના કોઈને પણ હેમરાજશાની ઉત્તરક્રિયામાં ન જવા દીધા, આવી રીતે તેમના પુત્રોને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ છોડાવવા ખુબ પ્રયત્નો કર્યા અને વૈષ્ણવ વણિક નાતના આગેવાનોએ વનાશાં, પુંજાશાના કુટુંબને કહ્યું કે તમે આ પ્રસંગ દરમિયાન બે ત્રણ દિવસ માટે તમારી સ્વામિનારાયણની કંઠીઓ કાઢી નાખો, તો પણ હેમરાજશા કુટુંબના કોઈ વ્યક્તિ સંમત થયા નહિ, ઘણા ઉપાયો કર્યા પરંતુ આ સૌ કુટુંબ અડગ રહયા ને છડેચોક સત્સંગ રાખ્યો. તેઓએ સત્સંગ ન છોડ્યો એટલે સમગ્ર કુટુંબને નાત બહાર મુક્યા ! તેમના કુટુંબના પુત્રો પુત્રીઓના વેવિશાળ પણ તોડી નાખ્યા ! હેમરાજશાની ઉત્તરક્રિયા માટેના નાત-જમણમાં કોઈ નાતીલાઓ ન આવ્યા આથી સૌ કુટુંબે નક્કી કર્યું કે આપણા સાચા સગાઓ અને નાતીલાઓ તો સંતો-ભકતો છે, આમ પરિયાણ કરીને તેઓએ ગઢડા જઈને મહારાજને સંતો-ભક્તો સાથે સુંદરીયાણા આવવા પ્રાર્થના કરી. શ્રીજીમહારાજ ખુદ સર્વ સંતો-ભકતો સાથે સુંદરીયાણા પધાર્યા, તે પ્રસંગને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભકતચિંતામણિમાં ૯૮માં પ્રકરણમાં નોંધતા લખ્યું છે કે…..
પછી આવ્યા છે પ્રભુજી પાસ, વનો પૂંજો હરિદાસ..!
આવી કરી હરિને વિનંતી, પ્રભુ પધારીયે પ્રાણપતિ…!!
પછી સંત સંગે લઇ શ્યામ, પ્રભુ પધાર્યા સુંદરીયાણે ગામ..!
સુંદર ભોજન વ્યંજન કરી, અતિ હેતે જમાડીયા હરિ..!!
પછી મોતૈયા મોદક લઇ, નાથે જન જમાડીયા જઈ..!
બહુ બહુ કરી મનુવાર, ફર્યા પંગતમાં પાંચ વાર…!!
એમ નિત્યે જમાડે છે નાથ, જમે જન તે હરિને હાથ..!
આવી રીતે હેમરાજશા શેઠનું ઉત્તરક્રિયાનું જમણવાર સહું સંતો ભક્તો જમ્યા.

  • શ્રીહરિલીલામૃતમ્ કળશ ૭ વિશ્રામ ૭૬માંથી…..