સુરાભક્તના લોયા ગામે શ્રીહરિ કૂવો જોવા પધાર્યા ને બોલ્યા કે “આ કૂવામાં તો પાતાળ સુધી પાણી છે, ને વળી આ તો પાતાળીયો કૂવો છે.”

સંવત ૧૮૭૭ના કાર્તિકવદ પડવાની પ્રાતઃકાળની સભામાં કારીયાણી ગામે સુરાખાચર, ઝીણાભાઇ અને મોટીબાં-લાડુંબાં વતિ દાદાખાચરે પોતપોતાના પુરમાં પધારવાની ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી. તે સમયે બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી સાથે એકાંતમાં મંત્રણા કર્યા પછી સુરા ભક્તને લોયા ગામે જવાનો શ્રીહરિએ આદેશ કરેલો અને સાંજ સુધીમાં સર્વેએ જવાની તૈયારી કરી રાખેલી, કાર્તિકવદ તૃતીયાની તિથિએ નાગડકા જવા શ્રીહરિએ પ્રયાણ કર્યું, માર્ગમાં સુરાખાચરનું લોયા ગામ આવ્યું, અને સુરાખાચરે પણ સંતો-ભક્તોએ સહિત શ્રીહરિને લોયામાં જ નિવાસ કરાવ્યો. આ રીતે કાર્તિક વદ તૃતીયાથી આરંભીને પોષસુદ તૃતીયા સુધી લોયામાં નિવાસ કરીને રહ્યા ને પાંચ દિવસ નાગડકાં માં રહ્યા.

શ્રીહરિ દ્વિતીયાનો ક્ષય હોવાથી સંવત ૧૮૭૭ના કાર્તિક વદ ત્રીજને દિવસે સંગવકાળ પૂરો થતાં મધ્યાહ્નકાળના પ્રારંભ સમયે જ સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં સુરાભક્તના લોયા ગામે પધાર્યા હતા. ત્યાં સુરાભક્ત પણ કારીયાણીથી સહું સાથે આગળથી આવી પહોંચ્યા હતા. સુરાબાપુંએ બ્રાહ્મણો પાસે રસોઇ કરાવી ને ભગવાન શ્રીહરિના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. સુરાખાચરનો પરિવાર તથા લોયાના ગામવાસી જનો તથા શ્રીહરિનાં દર્શન માટે પધારેલા નાગડકાના ભક્તો પણ અતિશય હર્ષપૂર્વક શ્રીહરિની સામે જઇ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી નમસ્કાર કરવા લાગ્યા. સુરાભક્ત તથા સર્વે ગામવાસીજનોએ શ્રીહરિને વાજિંત્રોના મધુર ધ્વનિ કરતા કરતા લોયાપુરમાં પધરાવ્યા. ત્યાં મુખીયા સિંહજીભાઇ પટેલ તથા સંઘા પટેલ આદિ અન્ય વૈશ્ય ભક્તજનો પણ સુરાભક્તની સાથે રહી સંતોએ સહિત શ્રીહરિની ખૂબ સેવા કરતા હતા.
ભગવાન શ્રીહરિ પણ તે લોયા ગામના ભક્તજનોને ખૂબજ આનંદ આપવા લાગ્યા. સહું ભક્તજનો પણ વસ્ત્ર અલંકારો તથા ભોજન જમાડી સંતોએ સહિત શ્રીહરિની પૂજા કરવા લાગ્યા. આમ કરતાં તે લોયા ગામમાં શ્રીહરિ દોઢ માસ સુધી નિવાસ કરીને રહ્યા.
-શ્રીમત્સત્સંગિજીવન ના ૪થાં પ્રકરણ નો ૧૭મો અધ્યાય

એ દિવસોમાં જ સુરાભગતના મનોરથને સાકાર કરવા, સ્વયં શ્રીજી મહારાજ ખુદ રસોઈયા બન્યા હતા.
સૌપ્રથમ વાર સંઘા પટેલ ની ડેલીમાં; શ્રીહરિના પોતાના ભાઈ ઈચ્છારામજી સાથે ગૃહત્યાગ પછી પ્રથમવખત સંપર્ક થયેલો. અને ધર્મકુળનું આગમન થયેલું.

વળી એ સમે ત્યાં લોયા ગામમાં પીવાના પાણીની અછત હોય સુરાખાચરના કહ્યા મુજબ સહું ભકતો કૂવો ગાળતાં હતાં, કૂવામાં કાળમીંઢ પત્થરને અતિ કઠણ પાણો હોય કૂવો ગાળનારા ભકતોને ઘણી મહેનત પડતી હતી. ઘણી મહેનતે કૂવો ખોદયો પણ જરાય પાણી ન નીકળ્યું.

કાળમીંઢ એ કઠણ પાણો, કોઇરીતે ન જાય કપાણો..!
ખોદાણો મહામહેનતે કરી, તોય પાણી ન નીસર્યું જરી..!!
પડી મહેનત નકામી માથ, એવા સમે પધાર્યા ત્યાં નાથ..!
કરી વિનંતી પ્રભુજી તણી, આંહી પાણીની તાણ્ય છે ઘણી..!!
આમ, સુરાખાચર અને સહુ હરિભક્તોએ શ્રીહરિને વિનંતી કરી. શ્રીહરિ સહુ સંતો-ભક્તો સાથે ગાતા-વાતા તુંરતજ કૂવો જોવા પધાર્યા ને બોલ્યા કે “આ કૂવામાં તો પાતાળ સુધી પાણી છે. લગારેક ખોદતા આ પત્થરના પડની નીચે જ પાણીનું વળું છે. ને વળી આ તો પાતાળીયો કૂવો છે.” આમ કહીને પોતે જ એ કૂવામાં ઉતર્યા, ને હાથમાં કોશ લઇને એ કાળમીંઢ પત્થર ઉપર જરાક ટચકો માર્યો ત્યાં તો પાણી આવ્યું ને ધોધ વછૂટ્યો. સહુ સંતોએ ભકતો એ જળના વધામણાં કર્યાં અને મુળજી બ્રહ્મચારીએ જળ ગાળીને શ્રીહરિને ધરાવ્યું ને બાકી નું જળ સહુને પ્રસાદી તરીકે દીધું.

ગાતા વાતા સહું સંત સાથે, આવી કૂવાને નિહાળ્યો નાથે..!
બોલ્યા શ્રીહરિ અમૃતવાણી, આમા પાતાળ સુધી છે પાણી..!!
પણ ખોદવું જોશે લગાર, કહી ઉતર્યા કૂવા મોઝાર..!
વાલે કોશ લઇ હાથમાંય, કર્યો તળીયે ટચકો જ્યાંય..!
ઊંચો ઉછળ્યો ધોધ એમાંથી, જનો વધાવે ઉમંગમાંથી..!
જોત જોતામાં કૂવો ભરાણો, સૌના હૈયે હરખ ઉભરાણો..!!
પાણી છૂટ્યું પાતાળેથી આમ, તેથી પાડયું પાતાળીયો નામ..!
સહું સંતો ને શ્રીહરિરાય, જળક્રીડા કરી તેહ માંય..!!
જન જાણે અજાણે જે નાશે, પાણી પીવાથી પવિત્ર થાશે..!
તન અંતે અવિચળ ધામ, કહ્યો પ્રભુંએ મહિમાં આમ..!!

સંપ્રદાયના ઈતિહાસમાં સુપ્રસિદ્ધ શાકોત્સવની શરૂઆત આ લોયામાં સંવત ૧૮૭૭ની સાલમાં શ્રીજી મહારાજે બે મહિના સુધી લોયામાં રહ્યા થકા કરેલી. ખોલડિયાદના મુળજી અડાલજા, ખેંગારભાઇ અને રૂડાભાઇ સીંધવ વગેરે પટેલીયાઓ ગાડામાં બારમણ ઘી લઇને લોયા શ્રીહરિના દર્શને પધાર્યા. શ્રીહરિની આજ્ઞાએ અલાઉ, મોડાગામના ખેડૂતોનું કલ્યાણ કરવા ત્યાંથી ગાડા લઇને રીંગણા લેવા મોકલ્યા, એ વખતે એ ખેડુંઓએ દસ મણ રીંગણા મફત સેવામાં દીધા. સાંઠ મણ રીંગણા ને ૧૨મણ ઘીનો રંગેડા માં વઘાર કરીને દિવ્યશાકોત્સવ લીલા કરી. બૂવાના કાનદાસભાઇ ને નિશ્ચય કરાવ્યો. રામપ્રતાપભાઇ ને પણ શ્રીહરિના સ્વરુપમાં સંશય થયો.

લોયાની લીલા માત્રના ઉલ્લેખથી શ્રીજી મહારાજ, સુરા ખાચર, વચનામૃતમ્ અને શાકોત્સવનું સ્મરણ થઈ આવે; જ્યાં દરબારગઢમાં શ્રીજી મહારાજે ૧૮ વચનામૃતમ્ સ્વમુખે કહ્યા અને એ વચનામૃત પણ એવા કે, તે સંપ્રદાયમાં “લોઢા” ના જેવા મજબુત, ગહન, અને કલ્યાણના માર્ગે અતિ અગત્યના કહેવાય છે.
આવું પવિત્ર તથા અતિ પ્રસાદીની સ્થાન આ લોયામાં શ્રીજીપ્રસાદીના સ્થાનોમાં સુરા ખાચરનો દરબાર ગઢ, ચરણાવિંદની ગોદડી, ધરમકૂળ મિલનનો ઓટો, પાતળીયો કૂવો, પાતળીયા કૂવાએ આવેલી સભા સ્થાનની છત્રી, શમી વૃક્ષ, ક્ષુદ્ર નદી, ફળિયાનો લીંબવૃક્ષ, પ્રસાદીના ઠાકોરજી, શાકોત્સવની પ્રસાદીની ચૂલો, પ્રસાદી નો એ પટારો, સંગમ કૂવો, હનુમાનજીની દેરી, પ્રથમ હરિમંદિરનું સિંહાસન, પ્રસાદીની તલવાર ને નાગડકામાં સુરા ખાચરનો દરબાર વગેરે છે.

ત્યાંથી ટેક લઇને તેડવા પધારેલા વેરાભાઇ સાથે શ્રીહરિ સંવત ૧૮૭૭ ના પોષસુદ પૂનમના દિવસે ભકતરાજ ઝીણાભાઇના પંચાળા ગામમાં પધાર્યા.

  • શ્રીમદ્ સત્સંગીજીવનમ્ પ્રકરણ ૪ તથા શ્રી પુરુષોત્તમચરિત્ર પુષ્પમાળા ગુચ્છ ૬ પુષ્પ ૭૯માંથી…